વેપારીઓને થઈ હાશ : ભાંડુપના બાવીસ મોસ્ટ વૉન્ટેડ પોલીસના પંજામાં

15 September, 2021 08:29 AM IST  |  Mumbai | Anurag Kamble

‘અમે વેપારીઓની મુશ્કેલીઓના નિવારણ અર્થે ઉત્સુક અને સક્રિય છીએ. શાંતિ અને સંવાદિતા જાળવવા માટે સમાજના દરેક વર્ગની સહભાગિતા અને સક્રિયતાની જરૂર રહે છે.’

ભાંડુપના ગાંવદેવી રોડ પર ગઈ કાલે પૅટ્રોલિંગ કરતી પોલીસ. રાજેશ ગુપ્તા

હપ્તા વસૂલી ગૅન્ગના ઉપદ્રવ સામે વધતી જતી ફરિયાદો અને જનતાના ભડકેલા આક્રોશ બાદ ભાંડુપના ગાંવદેવી રોડ પર પોલીસે પૅટ્રોલિંગ કરીને પાંચ દિવસમાં બાવીસ ગુંડાને ઝડપી લીધા હતા. પોલીસની આ સક્રિયતાને પગલે સ્થાનિક વેપારીઓ રાહત અનુભવે છે. હપ્તા વસુલી કરતા ગુંડાઓથી ત્રાહિમામ્ પોકારી ગયેલા વેપારીઓએ આંદોલન સહિતના ઉપચાર અપનાવ્યા હતા. આખરે કંટાળીને ગાંવદેવી રોડ વ્યાપારી સર્વ સેવા મંડળના નેજા હેઠળ ૮ સપ્ટેમ્બરે બંધ પાળ્યો હતો. પોલીસે વેપારીઓ પાસેથી ગુંડાઓનાં નામ અથવા ઓળખને લગતી વિગતો મેળવીને પૅટ્રોલિંગ શરૂ કર્યું હતું. એ ઉપરાંત વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બીટ-ચોકીને ઍક્ટિવ રાખવાની સૂચના આપવામાં આવી હતી. 
ભાંડુપના સિનિયર ઇન્સ્પેક્ટર શ્યામ શિંદેએ જણાવ્યું હતું કે ‘અમે વેપારીઓની મુશ્કેલીઓના નિવારણ અર્થે ઉત્સુક અને સક્રિય છીએ. શાંતિ અને સંવાદિતા જાળવવા માટે સમાજના દરેક વર્ગની સહભાગિતા અને સક્રિયતાની જરૂર રહે છે.’
૨૦૧૮માં આ વિસ્તારમાં હિંસક બનાવોને કારણે સખત તંગદિલી ફેલાઈ હતી. એ વર્ષના પહેલા આઠ મહિનામાં એ વિસ્તારમાં ૮ હત્યા નોંધાઈ હતી. દાદાગીરી કરતા સંદીપ પાટીલ નામના એક શખ્સને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ગાંવદેવી રોડ વ્યાપારી સર્વ સેવા મંડળના પ્રમુખ ઘીસુલાલ સોલંકીએ પોલીસ પૅટ્રોલિંગ શરૂ થયા પછી રાહતની લાગણી વ્યક્ત કરતાં પોલીસનો આભાર માન્યો હતો.

Mumbai Mumbai News anurag kamble bhandup mumbai police