સાવધાની મેં હી સમઝદારી હૈ

24 May, 2023 10:42 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

વેપારી સંગઠનનું કહેવું છે કે ડરો નહીં, પણ લોકો ૨,૦૦૦ રૂપિયાની નોટો આપે ત્યારે એને ચકાસી લો અને કોઈ ડુપ્લિકેટ નોટ પધરાવી ન જાય એનું ધ્યાન રાખો

પ્રતીકાત્મક તસવીર

સરકાર દ્વારા ૨,૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરાતાં વેપારીઓને ત્યાં ગ્રાહકો દ્વારા ખરીદી કરીને પેમેન્ટ કરતી વખતે હવે ૨,૦૦૦ રૂપિયાની નોટોનો ઢગલો થવા માંડ્યો છે. જોકે વેપારી સંગઠનનું કહેવું છે કે ‘દુકાનદારોએ કે વેપારીઓએ ગભરાવાની જરૂર નથી. રોજ જે રીતે બૅન્કમાં કૅશ જમા કરાવાય એ જ રીતે તમે આ નોટો પણ જમા કરાવી શકશો. એમાં કોઈ ડર રાખવાની જરૂર નથી. હા, ૨,૦૦૦ કે પછી ૫૦૦ રૂપિયાની નોટ કેમ ન હોય, એ ચેક કરીને લેવી. શક્ય છે કે આ સમયે ડુપ્લિકેટ નોટો જેની પાસે હોય એ લોકો પણ એ વટાવવા અધીરા બની જાય. એટલે નોટો ચકાસીને લેવી અને કોઈ ડુપ્લિકેટ નોટ ન પધરાવી જાય એનું ધ્યાન રાખવું.’

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હજી થોડા દિવસ પહેલાં સુધી રોજની પાંચથી સાત કે વધીને આઠથી દસ નોટો ૨,૦૦૦ની આખા દિવસમાં આવતી હતી. હવે એની સંખ્યા ૨૦૦થી ૫૦૦ સુધી પહોંચી ગઈ છે. પહેલાં લોકો વધારે ને વધારે ડિજિટલાઇઝ પેમેન્ટ કરવાનું પ્રિફર કરતા હતા. હવે તેઓ રોકડમાં ખરીદી કરે છે અને પેમેન્ટમાં ૨,૦૦૦ની નોટો આપે છે. વેપારીઓએ એ નોટો સ્વીકારવામાં કશો જ વાંધો નથી. રોજ જે રીતે અન્ય કૅશ બેન્કમાં જમા કરાવો છો એ જ રીતે જમા કરાવો. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. માત્ર ગ્રાહક પાસેથી નોટ લેતી વખતે એ સાચી છે કે ડુપ્લિકેટ એની ખાતરી કરી લેવી શાણપણભર્યું રહેશે. હવે તો નોટ ચેક કરવાનું મશીન પણ આવે છે. એમાં નાનું રોકાણ કરશો તો એ મશીન નોટ ગણી પણ આપે છે અને જો ખોટી નોટ હોય તો એ અલગ તારવી પણ આપે છે. જો મશીન ન લેવું હોય તો દરેક ૨,૦૦૦ની નોટ લાઇટ સામે ધરીને જોવી, ગાંધીજીના ફોટોવાળો વૉટરમાર્ક ખાસ ચેક કરવો. ડુપ્લિકેટ નોટોમાં એ નથી હોતો. જો જરા પણ શંકા જાય તો એ નોટ ગ્રાહકને પાછી આપી દેવી અને બદલાવી લેવી. આ મુજબનો મેસેજ પણ અમે વેપારીઓને પહોંચાડ્યા છે.’

વીરેન શાહે વધુમાં કહ્યું હતું કે ‘કસ્ટમર ગુમાવવો પોસાય નહીં અને તેની ફરિયાદ કરવી પણ ન પોસાય. તેને પણ કોઈ એ નોટ પધરાવી ગયું હોય છે. એથી શાંતિથી એ નોટ બદલાવી લેવામાં જ શાણપણ છે. પોલીસમાં ફરિયાદ કરવા જશો તો તમારે પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે. બૅન્કવાળા પણ ૧૦, ૨૦ કે ૧૦૦ના બંડલમાં પણ એકાદ-બે નોટ એવી આવી જાય તો એ ચોકડી મારીને ગ્રાહકને પાછી આપી દે છે. નોટ પર ચોકડી મારી દેવાથી એ ચલણબાહ્ય થઈ જાય છે અને એ લોકો પોતે પણ જમા કરતા નથી. નહીં તો સામે એને ક્રેડિટ આપવી પડે. એટલે બૅન્કને ખોટ જાય એમ પણ ન કરી શકાય. એથી ધંધો કરો એમાં ના નહીં, પણ સાવચેતી સાથે.’

દહિસરની યુનિયન બૅન્કમાં છૂટાછ‍વાયા ગ્રહકો

દહિસર-ઈસ્ટના અશોકવનમાં આવેલી યુનિયન બૅન્કમાં બહુ ઓછા ગ્રાહકો ૨,૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવવા કે એક્સચેન્જ કરાવવા આવ્યા હતા. કોઈ ભીડ કે લાઇન નહોતી. આ બાબતે ત્યાંના એક કર્મચારીએ કહ્યું હતું કે ‘કોઈ જ લાઇન કે ભીડ નથી. બહુ ઓછા કસ્ટમરો નોટ બદલવા માટે આવ્યા છે. કદાચ ડેડલાઇન ૩૦ સપ્ટેમ્બર છે એટલે એ જેમ-જેમ નજીક આવતી જશે એમ ભીડ વધતી જાય તો નવાઈ નહીં.’

mumbai mumbai news indian rupee reserve bank of india bakulesh trivedi