રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સ સામે ૨૮ ફરિયાદ, પુરાવા સાથે

07 November, 2019 12:45 PM IST  |  Mumbai | વિનોદ કુમાર મેનન

રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સ સામે ૨૮ ફરિયાદ, પુરાવા સાથે

૨૮ કરતાં વધુ રોકાણકારોએ ૧ કરોડ રૂપિયા કરતાં વધુનાં તેમનાં સામૂહિક રોકાણો માટેની ઘાટકોપર-ઈસ્ટના રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સના ડિરેક્ટરો વિરુદ્ધ તેમની ફરિયાદો પંતનગર પોલીસ સ્ટેશને નોંધાવી હતી, જે ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (ઈઓડબ્લ્યુ)ને સોંપવામાં આવી છે. પોતાની ફરિયાદના ટેકામાં ફરિયાદીઓએ દસ્તાવેજી પુરાવા સાથે પંતનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. પંતનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય ભાલેરાવે જણાવ્યા મુજબ ‘ફરિયાદીઓએ જ્વેલરી આઉટલેટની વિવિધ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કર્યું હોવાનો દાવો કર્યો છે. ફરિયાદીઓ જણાવે છે કે જ્વેલરે અમારી સાથે છેતરપિંડી કરી છે. આ કેસની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઈઓડબ્લ્યુ દ્વારા કરવામાં આવશે. અમે તપાસને લગતા દસ્તાવેજો તેમને સુપરત કરીશું.’


તપાસ અધિકારી, અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઇ) એસ. વાય. કામુનીએ ઉમેર્યું હતું કે ‘ફરિયાદીઓ મુંબઈ, નવી મુંબઈ અને કલ્યાણના વિવિધ વિસ્તારના રહેવાસી છે. કેટલાકે ગોલ્ડ સ્કીમમાં રોકાણ કર્યું હતું તો કેટલાકે ૧૦ લાખ રૂપિયા અને એથી વધુ રકમ રોકી હતી. મુલુંડની એક ફરિયાદી મહિલાએ રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સમાંથી કેટલીક જ્વેલરી બનાવડાવી હતી. કૌટુંબિક કારણસર તેઓ તેમનાં આભૂષણો વેચવા માગે છે. જ્વેલરે તેમને ૧૦ લાખ રૂપિયાનું વચન આપ્યું હતું, પણ આજ સુધી નાણાં નથી ચૂકવ્યાં અને સોનું પણ લઈ લીધું છે.’

જે લોકો પાસે તેમનાં રોકાણના પુરાવા નથી એ લોકો વિશે પૂછવામાં આવતાં એપીઆઇ કામુનીએ જણાવ્યું હતું કે ‘આવા રોકાણકારો સાક્ષી તરીકે સેવા પૂરી પાડી શકે છે. તેમનાં નિવેદન નોંધી શકાય છે.


દુકાનમાંનું સોનું ગિરવે મુકાયું હતું
રસપ્રદ વાત એ છે કે ઘાટકોપરની દુકાનમાંનું સોનું અગાઉથી બૅન્કો પાસે ગિરવે મૂકવામાં આવ્યું હતું અને સ્થાનિક વિધાનસભ્ય પરાગ શાહ સાથે દુકાનમાં ગયેલા તેમ જ સોનું લઈ ગયેલા ઇન્વેસ્ટરો મુશ્કેલીમાં મુકાઈ જાય એવી શક્યતા હોવાનું લિગલ એક્સપર્ટ્સનું માનવું છે. સિનિયર ક્રિમિનલ વકીલ દિનેશ તિવારીએ જણાવ્યું હતું કે, સેંકડો કસ્ટમરોના દબાણ તથા સ્થાનિક વિધાનસભ્યની હાજરીમાં દુકાનમાંથી સોનું આ રીતે લઈ જવાનું ગેરકાયદે છે કારણકે સોનું આ રીતે આપવાની તેમને સત્તા નથી. બૅન્કમાં સોનું ગિરવે હોવાને કારણે મામલો વધુ વણસશે.

આ પણ જુઓ : જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

જો યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવે તો આવી રીતે ગૉલ્ડ લઈ જનારાઓએ એ પાછું આપી દેવું પડશે. જો એમ નહીં કરે તો તેમની સામે ક્રિમિનલ આરોપો પણ મુકાઈ શકે. ઘાટકોપરના રહેવાસી અને વકીલ વિનોદ સંપટે જણાવ્યું હતું કે, સ્ટૉક ઇન ટ્રેડ સામે લોન આપનાર બૅન્કરો પોલીસ ફરિયાદ કરી શકે છે. જ્વેલર કાનૂની રીતે આ ગૉલ્ડનો કસ્ટોડિયન છે અને એ પોતાની મરજી પ્રમાણે આ સોનું કોઈને આપી ન શકે.

mumbai news