અપમાનનો બદલો લેવા નોકરે કરી માલિકની હત્યા

10 January, 2022 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભંગારના વેપારી કાયમ કામ બાબતે અપશબ્દ કહેવાની સાથે ઉતારી પાડતા હોવાથી નોકરે તેમને મોતને ઘાટ ઉતાર્યા : બે વર્ષ બાદ પોલીસે કેસ ઉકેલ્યો

નોકર સાથે ખરાબ વર્તન કરવા બદલ જીવ ગુમાવનાર વેપારી અમિત સિંહ

મુંબઈ નજીકના રાયગડ જિલ્લામાં આવેલા રોહામાં ૨૫ વર્ષના એક નોકરે ભંગારના વેપારી કામ બાબતે અપશબ્દો કહેવાની સાથે કાયમ ઉતારી પાડતા હોવાથી ગુસ્સામાં આવીને પોતાના માલિકની હત્યા કરી હતી. હત્યા કર્યાનાં બે વર્ષ પહેલાંની આ ઘટનામાં તાજેતરમાં રોહા પોલીસે નોકરની ધરપકડ કરીને કેસ ઉકેલ્યો હતો. આરોપીએ માલિકના માથામાં પથ્થર ફટકારીને તેમની હત્યા કર્યા બાદ મૃતદેહને ખીણમાં ફેંકી દીધો હતો. પોતાના કર્મચારી સાથે ખરાબ વર્તન કરવા બદલ ૩૬ વર્ષના વેપારીએ જીવ ગુમાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રોહા પોલીસે જણાવ્યું કે બે વર્ષ પહેલાં ૨૮ જાન્યુઆરીએ અહીં ભંગારનો વેપાર કરતા ૩૬ વર્ષના અમિત સિંહનો મૃતદેહ નજીકના વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ બનાવ બાદ વેપારી સાથે કાયમ રહેતો ૨૫ વર્ષનો નોકર વિકાસ ચવાણ ગાયબ થઈ ગયો હોવાથી તેના પર પોલીસને શંકા હતી. અનેક પ્રયાસ કર્યા બાદ પણ વિકાસ હાથ નહોતો આવતો. જોકે ઉસ્માનાબાદ જિલ્લાના પરાંડાનો મૂળ વતની વિકાસ રોહામાં આવ્યો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે છટકું ગોઠવીને બે દિવસ પહેલાં તેને ઝડપી લીધો હતો.
વિકાસ ચવાણની પોલીસે પૂછપરછ કરતાં જણાઈ આવ્યું હતું કે તે ભંગારના વેપારી અમિત સિંહને ત્યાં કામ કરતો હતો ત્યારે માલિક કાયમ તેનું અપમાન કરતા હતા. પગાર માગે તો અપશબ્દો કહેવાની સાથે બધાની સામે ઉતારી પાડતા હતા. આ વાતનો મનમાં ખૂબ ગુસ્સો હતો, પરંતુ શેઠ સામે તે બોલી નહોતો શકતો.
૨૦૨૦ની ૨૮ જાન્યુઆરીએ અમિત સિંહની સાથે વિકાસ ચવાણ ટૂ-વ્હીલર પર રોહાથી નાગોઠાણે તરફ ભીસે ખીંડીના રસ્તે જતા હતા ત્યારે અમિત સિંહને લઘુશંકા આવતાં તેમણે બાઇક ઉભી રાખી હતી અને રસ્તાની બાજુમાં થોડે દૂર જઈને તેઓ લઘુશંકા કરી રહ્યા હતા. એકાંત સ્થળે અપમાનનો બદલો લેવાનો મોકો મળતાં વિકાસે પાછળથી શેઠના માથામાં પથ્થરના ઘા મારીને તેમની હત્યા કરી હતી. પુરાવા નષ્ટ કરવા આરોપી વિકાસે માલિકના મૃતદેહને સાંકડી ખીણમાં ફેંકી દીધો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો.
રોહા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભંગારના વેપારી અમિત સિંહની હત્યાની ફરિયાદ નોંધાયા બાદ રોહા પોલીસે હાથ ધરેલી તપાસમાં આ હત્યા તેમના નોકર વિકાસે કરી હોવાની શંકા હતી, પરંતુ તેનો પત્તો નહોતો લાગતો એટલે મામલો ઉકેલાતો નહોતો. જોકે બાદમાં ગુપ્ત માહિતીના આધારે વિકાસ રોહામાં આવ્યો હોવાની જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં તો તે કંઈ બોલતો નહોતો, પણ બાદમાં તેણે કબૂલ્યું હતું કે માલિક અમિત સિંહ સતત તેનું અપમાન કરતા હોવાથી ગુસ્સામાં તેણે તેમની હત્યા કરીને મૃતદેહ ખીણમાં ફેંકી દીધો હતો.’

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police maharashtra raigad