જૈનોની વસ્તી વધારવા નાનકડા ગામે આપી દોઢ લાખ લોકોને પ્રેરણા

09 May, 2022 08:18 AM IST  |  Mumbai | Rohit Parikh

શ્રી બારોઈ કચ્છી ઓસવાળ મહાજને જાહેર કરેલી હમ દો, હમારે દો-તીન યોજનાનું અનુકરણ કરવાની શ્રી કચ્છી વીસા ઓસવાળ સમાજે બતાવી તૈયારી

પ્રતીકાત્મક તસવીર

શ્રી બારોઈ કચ્છી ઓસવાળ મહાજને જાહેર કરેલી હમ દો, હમારે દો-તીન યોજનાનું અનુકરણ કરવાની શ્રી કચ્છી વીસા ઓસવાળ સમાજે બતાવી તૈયારી. વસ્તી વધારવાની આ યોજના અંતર્ગત જાન્યુઆરી ૨૦૨૩થી જેમને ત્યાં બીજા કે ત્રીજા સંતાનનું આગમન થશે તેમને મહાજન તરફથી દસ લાખ રૂપિયા આપવામાં આવશે

શ્રી બારોઈ કચ્છી ઓસવાળ મહાજને તાજેતરમાં યુવા વર્ગને બીજા અને ત્રીજા સંતાનના આગમન માટે પ્રોત્સાહિત કરવા ‘હમ દો હમારે દો’, ‘હમ દો હમારે તીન’ અને ‘સંતાનની વૃદ્ધિથી સમાજની સમૃદ્ધિ’ના સૂત્ર સાથે દસ લાખ રૂપિયાની આર્થિક અર્થવ્યવસ્થા યોજના જાહેર કરવાની પહેલ કરી છે. તેમની આ પહેલ પછી દોઢથી પોણા બે લાખની વસ્તી ધરાવતા શ્રી કચ્છી વીસા ઓસવાળ સમાજના અનેક મહાજનોએ તેમનાં ગામોની ઘટી રહેલી વસ્તી સામે ચિંતા વ્યક્ત કરીને શ્રી બારોઈ કચ્છી વીસા ઓસવાળ મહાજનના પગલે ‘સંતાનની વૃદ્ધિથી સમાજની સમૃદ્ધિ’ના સૂત્રને અમલમાં મૂકવાની કવાયત શરૂ કરી દીધી છે. 

સમગ્ર કચ્છી મહાજન ચિતિંત
વધતી જતી મોંઘવારી, મોંઘું થઈ રહેલું એજ્યુકેશન, જિંદગી જીવવા કરતાં જીવનને માણવાની લાગેલી તાલાવેલી જેવાં અનેક કારણોસર છેલ્લા બે-ત્રણ દસકાથી સ્વતંત્રતા, પોતાની કારકિર્દી અને મૉડર્ન લાઇફસ્ટાઇલમાં જીવવા ઇચ્છતો આજનો આધુનિક યુવા વર્ગ સંતાનસુખથી વિમુખ થતો જાય છે. વર્ષો પહેલાંના ‘હમ દો હમારે દો’ના નારામાંથી ‘હમ દો હમારા એક’ અથવા તો ‘હમ દો બસ’ જેવી વિચારસણીને કારણે અનેક સમાજોમાં વસ્તી ઘટી રહી છે. એને પગલે શ્રી બોરાઈ કચ્છી વીસા ઓસવાળ મહાજને શરૂ કરેલી યોજના આવકારદાયક છે એમ જણાવતાં શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજનના મૅનૅજિંગ ટ્રસ્ટી ચંદ્રકાંત ગોગરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘણા સમયથી જૈન સમાજમાં ઘટી રહેલી વસ્તી સામે ચિંતા વ્યક્ત કરીને આ માટે આગળ કોઈ યોજના બનાવીને સમાજને અને વિશેષરૂપે યુવાવર્ગને જાગરૂક કરવાની ચર્ચાવિચારણા કરી હતી. જોકે અમે ઠરાવ પસાર કરીએ એ પહેલાં જ શ્રી બોરાઈ કચ્છી વીસા ઓસવાળ મહાજને ‘સંતાનની વૃદ્ધિથી સમાજની સમૃદ્ધિ’ના સૂત્ર સાથે આર્થિક અર્થવ્યવસ્થાની સ્કીમ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.’

હિન્દુ સમાજે પણ જાગવાની જરૂર
હકીકતમાં આપણા દેશમાં ફક્ત કચ્છી જૈન સમાજોએ જ નહીં, દેશભરના હિન્દુઓએ આ મુદ્દે જાગવાની જરૂર છે એમ જણાવતાં ચંદ્રકાંત ગોગરીએ કહ્યું હતું કે ‘શ્રી બોરાઈ કચ્છી વીસા ઓસવાળ મહાજનની યોજનાનું અમલીકરણ બધાએ કરવાની જરૂર છે. નહીંતર કચ્છી-ગુજરાતી જ નહીં, હિન્દુ સમાજ એક દિવસ લઘુમતીમાં આવી જશે. અમે ટૂંક સમયમાં અમારા મહાજનમાં ઠરાવ પસાર કરીને અમારા સમાજના યુવાનોને બીજા અને ત્રીજા સંતાનના આગમન માટે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરીશું.’ 

યોજના શું છે?
શ્રી બારોઈ કચ્છી વીસા ઓસવાળ મહાજનના અગ્રણીઓ વસ્તીઘટાડાથી ચિંતિત થઈ ગયા છે. આથી જ તેમણે દીર્ઘદૃષ્ટિ રાખીને બારોઈ ગામના યુવા વર્ગને બીજા અને ત્રીજા સંતાનના આગમન માટે પ્રોત્સાહિત કરવા ‘હમ દો હમારે દો’, ‘હમ દો હમારે તીન’ અને ‘સંતાનની વૃદ્ધિથી સમાજની સમૃદ્ધિ’ના સૂત્ર સાથે દસ લાખ રૂપિયાની આર્થિક અર્થવ્યવસ્થા યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત કચ્છના બારોઈ ગામના જે યુવાનો આજથી બીજા અને ત્રીજા સંતાન માટે પ્લાનિંગ કરશે અને જાન્યુઆરી ૨૦૨૩થી જે યુવાનને ત્યાં બીજા કે ત્રીજા સંતાનનું આગમન થશે તેમને મહાજન તરફથી સંતાનના જન્મ સમયે એક લાખ રૂપિયા અને ત્યાર પછી એ સંતાન ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી એ સંતાનના દરેક જન્મદિવસે ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

શરૂઆત બૅન્ગલોરથી થઈ
અહીં ઉલ્લેખનીય છે કે આ મહાજન જેવી જ ચિંતા થોડા સમય પહેલાં બૅન્ગલોરના એક જૈન સમાજે પણ જૈન સમાજની ઘટી રહેલી વસ્તી સામે ચિંતા વ્યક્ત કરીને આજનો યુવા વર્ગ બીજા અને ત્રીજા સંતાન માટે પ્રોત્સાહિત બને એ માટે આવી જ એક આર્થિક અર્થવ્યવસ્થા યોજના શરૂ કરી છે. 

કેમ અને શું ચિંતા થઈ?
‘સંતાનની વૃદ્ધિથી સમાજની સમૃદ્ધિ’ના સૂત્ર વિશેની માહિતી આપતાં શ્રી બારોઈ કચ્છી વીસા ઓસવાળ મહાજનના મંત્રી અનિલ કેનિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગામની અત્યારે વસ્તી વધારેમાં વધારે ૧૮૦૦ લોકોની છે. એમાં હવેનો યુવાવર્ગ પહેલાં તો તેમના ભણતરમાં બિઝી હોવાથી અને ત્યાર પછી પોતાની કારકિર્દીના પ્લાનિંગમાં લગ્ન મોડાં કરે છે. પહેલાંના સમયમાં ૨૨-૨૩ વર્ષે લગ્ન કરી લેવામાં આવતાં હતાં. હવે એનાથી ઘણાં મોડાં લગ્ન કરવામાં આવે છે. એના પછી આ યુવાન દંપતીઓ એક જ સંતાનની માનસિકતા રાખે છે. ઘણાં દંપતી પોતાની કારકિર્દી, સ્વતંત્રતા અને મૉડર્ન લાઇફસ્ટાઇલમાં બાંધછોડ કરવા તૈયાર ન હોવાથી સંતાન જોઈતું જ નથી એવો નિર્ણય લેતાં હોય છે. આવી પરિસ્થિતિમાં આવનારા બે-ત્રણ દાયકામાં વસ્તી ઘટતી જશે અને લાંબા ગાળે વસ્તી ૫૦ ટકા થઈ જશે અથવા તો એનાથી પણ ઓછી થઈ જશે.’

કોને વિચાર આવ્યો અને અમલીકરણ
અમારા શ્રી બારોઈ કચ્છી વીસા ઓસવાળ મહાજનના ટ્રસ્ટી ડૉ. અજય કલ્યાણજી વિશ્રાણી અને પ્રમુખ ડૉ. કલ્યાણજી હીરજી કેનિયાને એક દિવસ વિચાર આવ્યો કે આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો એક દિવસ મહાજન નેસ્તાનાબૂદ થઈ જશે. વસ્તી જ નહીં તો સમાજ શબ્દ જ નહીં રહે. તેમને થયેલી આ ચિંતા તેમણે અમારા શ્રી બારોઈ કચ્છી વીસા ઓસવાળ મહાજન સમક્ષ રજૂ કરી. અમને સૌને તેમની ચિંતામાં તથ્ય લાગતાં અમે પણ સૌ ચિંતિત થયા. મહાવીરસ્વામીના સમયમાં જે જૈનોની વસ્તી હતી એનાથી અત્યારે જૈનોની વસ્તી ખૂબ જ ઘટી ગઈ છે. ઘટતી જતી વસ્તી સમાજની સમૃદ્ધિ પર પણ લાંબા સમયે અસર કરી શકે છે. આથી વસ્તી વધારવા માટે આજના યુવા વર્ગમાં જાગરૂકતા લાવવી જરૂરી છે એવો અમે બારોઈવાસીઓએ નિર્ણય લીધો છે.’
શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજનમાં સ્થાનકવાસી-દેરાવાસી બધાનો સમાવેશ થાય છે અને આ મહાજન ૫૨-૪૨ ગામોથી બનેલું છે એવી માહિતી આપતાં અનિલ કેનિયાએ કહ્યું હતું કે ‘આમ તો અમે જે સંતાનો અને વસ્તી ઘટવાના વિષયથી ચિંતિત છીએ એવી ચિંતા કદાચ અમારા શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજનને પણ છે. જોકે અમે બારોઈવાસીઓએ આજનો યુવાવર્ગ બીજા અને ત્રીજા સંતાન માટેનો પ્લાન જો તેમની આર્થિક પરિસ્થિતિને કારણે ન કરતો હોય તો સમાજની ફરજ છે કે તેમની સમસ્યાનું નિરાકરણ લાવીને તેમને ફક્ત એક સંતાનને બદલે બીજા અને ત્રીજા સંતાન માટે પ્રોત્સાહિત કરે. અમે અમારા મહાજનના દાનવીરો પાસે અમારી ચિંતા રજૂ કરી અને નિર્ણય લીધો. હવે આ મુદ્દે વિચારવાની ક્ષણ આવી ગઈ છે. ઘટતી જતી વસ્તી માટે સચોટ નિરીક્ષણ અને સંતાનોની પ્રગતિનું પરીક્ષણ કરીને યુવાનોમાં નવી વિચારધારા કેળવાય એ જરૂરી છે. આથી જ અમે નિર્ણય કર્યો કે મૂળ બારોઈ ગામના જે પરિવારોના યુવાનો બીજા અને ત્રીજા સંતાન માટેનું પ્લાનિંગ કરશે તેમને પ્રોત્સાહિત કરવા માટે મહાજન તરફથી ૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. આ દસ લાખ રૂપિયામાંથી પહેલાં એક લાખ રૂપિયાનો ચેક એ યુવાન દંપતીના બીજા સંતાનના જન્મ સમયે મહાજન તરફથી આપવામાં આવશે. ત્યાર પછી એ સંતાનના દરેક જન્મદિવસે એ સંતાન ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી દર જન્મદિવસે ૫૦,૦૦૦ રૂપિયાનો ચેક આપવામાં આવશે.’

આ યોજનાને અન્ય મહાજનો અપનાવી શકે છે
અમને આશા છે કે અમારી આ યોજનાની જાહેરાત પછી અમારા કચ્છી વીસા ઓસવાળ મહાજનનાં બીજાં ગામો પણ પહેલ કરશે એમ જણાવતાં અનિલ કેનિયાએ કહ્યું હતું કે ‘અમારા મહાજન તરફથી એજ્યુકેશન અને મેડિકલ સહાય યોજના જેવી તો અનેક યોજનાઓ ચાલી રહી છે. એનાથી લોકોને અનેકાનેક રીતે મહાજન તરફથી ફાયદાઓ મળે જ છે. હવે અમારી આ પહેલ પછી અમને વિશ્વાસ છે કે અન્ય ગામોના મહાજન અને અમારું મુખ્ય મહાજન પણ તેમના તરફથી બીજા અને ત્રીજા સંતાન માટે પ્લાનિંગ કરનારાં યુવાન દંપતીઓ માટે આર્થિક અર્થવ્યવસ્થા યોજના તૈયાર કરીને અમારા ‘સંતાનની વૃદ્ધિથી સમાજની સમૃદ્ધિ’ના સૂત્રને સાકાર કરશે. એવું પણ બને કે અમે ફક્ત ૧૦ લાખ રૂપિયાની યોજના તૈયાર કરી છે, પણ અન્ય મહાજનો અને સમાજો પણ જૈન સમાજ અને કચ્છી વીસા ઓસવાળ મહાજનમાં ઘટી રહેલી વસ્તીથી ચિંતિત બનીને અમારી યોજનામાં જોડાઈને આજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરે, જેનાથી યુવા વર્ગને તેમના બીજા અને ત્રીજા સંતાન માટે વધુ આર્થિક ટેકો મળે.’ 

mumbai mumbai news rohit parikh