રેડ અલર્ટવાળા વરસાદમાં ૩ મિત્રો કરી આવ્યા કોકણની ૬ દિવસની દિલધડક બાઇક-ટ્રિપ

13 July, 2026 10:46 AM IST  |  Mumbai | Varsha Chitaliya

પ્લાનિંગ પ્રકૃતિની સુંદરતા માણવાનું હતું, પણ પ્રવાસના પહેલા દિવસે જ વરસાદ તૂટી પડ્યો. કામ વગર ઘરની બહાર ન નીકળવાની ચેતવણી હોવા છતાં સફર ચાલુ રાખી અને જિંદગીની સૌથી યાદગાર રાઇડ કરી આવ્યા

ડાબેથી શ્લોક, ઉત્સવ અને સિદ્ધ લોનાવલાથી આગળ જતા રસ્તામાં.

ચોમાસું બેસે એટલે મોટા ભાગના મુંબઈગરા લોનાવલા કે મહાબળેશ્વર ફરવા ઊપડી જાય છે. જોકે ૩ ક્રેઝી બાઇકરોએ કંઈક હટકે વિચાર્યું અને બની ગઈ એક યાદગાર સફર. તાજેતરમાં મલાડના ઉત્સવ જાયસવાલ, શ્લોક વરુડે અને બોરીવલીના સિદ્ધ શાહ મુશળધાર વરસાદમાં કોકણનો પ્રવાસ કરી આવ્યા. આ કોઈ સામાન્ય ટ્રિપ નહોતી, કુદરતના રૌદ્ર સ્વરૂપને નજીકથી જોવાની જર્ની હતી. મુંબઈની ભાગદોડભરી લાઇફમાંથી બ્રેક લઈને બીજી જુલાઈએ સવારે વાદળછાયા વાતાવરણમાં તેઓ બાઇક લઈને નીકળી પડ્યા. થોડા કિલોમીટર બાઇક ચલાવી ત્યાં તો મેઘરાજાએ ધમાકેદાર બૅટિંગ શરૂ કરી દીધી. બુલેટનો અવાજ, હેલ્મેટ પર પડતાં વરસાદનાં ટીપાં અને ઓછી વિઝિબિલિટી છતાં તેઓ જોશભેર આગળ વધતા રહ્યા. એવામાં હવામાન ખાતાએ રેડ અલર્ટ જાહેર કરી દીધી. પછી શું થયું? ચાલો જાણીએ આ સાહસવીરો પાસેથી.

ગણપતિપુળેમાં ડાબેથી ઉત્સવ, સિદ્ધ અને શ્લોક.

ટ્રિપ નક્કી હતી

વરસાદી વાતાવરણમાં બાઇક ચલાવવાની અલગ જ મજા છે, અમારો પ્લાન ઘણા વખતથી બની ગયો હતો એટલે કૅન્સલ કરવાનો સવાલ જ નહોતો એમ જણાવતાં પચીસ વર્ષનો ઉત્સવ જાયસવાલ કહે છે, ‘ગયા વર્ષે અમે ત્રણેએ બાઇક લીધી હતી. વીક-એન્ડમાં ૧૫૦-૨૦૦ કિલોમીટરના અંતરમાં બાઇકિંગ માટે જતા. અમે ભીડવાળાં પર્યટન-સ્થળોને બદલે પેણમાં કાસમલ, ભારવી ડૅમ, મોરબે ડૅમ, ઝાંઝોરી તળાવ જેવાં મુંબઈ નજીકનાં રમણીય સ્થળો ફરી આવતા. લાંબા અંતરનો અનુભવ લેવા એક વાર ઔરંગાબાદ-છત્રપતિ સંભાજીનગર, અહિલ્યાનગર જઈ આવ્યા. આ વખતે મૉન્સૂનમાં બાઇકિંગની મજા લેવી હતી. જુલાઈના ફર્સ્ટ વીકમાં મૉન્સૂન પીક પર હોય છે, પરંતુ રેડ અલર્ટ જાહેર કરવી પડે એટલું નથી હોતું. વરસાદમાં બાઇકિંગની મજા આવશે એવું વિચારીને ટ્રિપ પ્લાન કરી હતી. બે મહિનાથી તૈયારી કરતા હતા. જોકે આ વખતે જુલાઈના પહેલા અઠવાડિયે જ જોરદાર વરસાદ શરૂ થઈ જતાં ફૅમિલીએ ના પાડી. તેમને વિશ્વાસમાં લીધા કે ક્યાંય જોખમ જેવું લાગશે તો રોકાઈ જઈશું અને સલામતીનું પૂરું ધ્યાન રાખીશું. પેરન્ટ્સની પરવાનગી મળ્યા પછી પ્લાન મુજબ બીજી જુલાઈએ સવારે પાંચ વાગ્યે નીકળ્યા.’

અમારી ટ્રિપ મુંબઈથી રત્નાગિરિની હતી એમ જણાવતાં ઉત્સવ કહે છે, ‘જતી વખતે દરિયાકાંઠાના રોડ પરથી જવાનું હતું અને રિટર્નમાં ઘાટ પરથી આવવાનું હતું. પહેલા દિવસે જ અમારી કસોટી થઈ. પવઈથી જરાક આગળ ગયા ત્યાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. પ્રતિ કિલોમીટર બાઇકની ગતિ અને વરસાદના જોર વચ્ચે જાણે સ્પર્ધા જામી હતી. એક વાદળ અમારી સાથે-સાથે ચાલતું હતું. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ હતો. બાઇકનાં ટાયર પાણીમાં ડૂબી ગયાં. ૩ કલાક પછી નાસ્તો કરવા ઊભા રહ્યા. મારી બાઇકનું ટાયર પંક્ચર થઈ ગયું હતું. જોકે ટ્યુબલેસ ટાયર હોવાથી ૪ કલાક વાંધો ન આવે. ત્યાર બાદ
નૉન-સ્ટૉપ બાઇક ચલાવી અંધારું થાય એ પહેલાં રત્નાગિરિ પહોંચી ગયા. દરિયાકાંઠાના રોડ પર બાઇકિંગનો જલસો પડી ગયો. પહેલા દિવસની થ્રિલિંગ રાઇડ પછી વરસાદમાં ડ્રાઇવ કરવાનો ભય નીકળી ગયો. બીજા દિવસે સિંધુદુર્ગ અને તારકર્લી ગયા. આકાશી આફતમાં પણ ફરવાની મજા આવી. ત્યાંથી પાછા રત્નાગિરિ આવ્યા. ત્રીજા દિવસે માલવણ જવા નીકળ્યા.’

અનુભવ કેવો રહ્યો?

પ્રવાસના રોમાંચને યાદ કરતાં ૨૪ વર્ષનો સિદ્ધ શાહ કહે છે, ‘કોકણ પટ્ટામાં અનેક સુંદર સ્થળો છે. કુણકેશ્વર મંદિર, કશેળી બીચ ટેબલ પૉઇન્ટ, તારકર્લી બીચ, મિઠમુંબરી બીચ વ્યુ, ગણપતિપુળે, આરે-વારે બીચ અને આરે-વારે વ્યુ પૉઇન્ટ એમ દરેક સ્થળનું પોતાનું આકર્ષણ હતું. કલાકો વિતાવો તોય મન ન ભરાય. કોકણ ઘાટનાં ગામડાંઓમાં ખોબલે-ખોબલે સૌંદર્ય ભર્યું છે. ઝાડનાં પાનમાંથી વરસાદી પાણીના ટપકવાનો અવાજ, હવાની તાજગી અને શાંતિ. જોકે રસ્તાઓ જોખમી હતા. ઘાટ પરથી નીચે જોયું તો ગામડાંઓ પાણીમાં ડૂબી ગયાં હતાં. હાઇવે પર બે કિલોમીટર સુધી વાહનો પાર્ક કરેલાં હતાં. અમને થયું કે ટ્રાફિક છે, પરંતુ ગામવાસીઓએ પોતાનાં વાહનોને પાણીમાં તણાતાં બચાવવા હાઇવે પર મૂકી દીધાં હતાં. મુંબઈ-ગોવા નૅશનલ હાઇવે-૬૬ પર કશેળી ઘાટ પડકારજનક પર્વતીય પાસ છે. ખતરનાક વળાંક અને ચારે બાજુ હરિયાળી. અહીં લૅન્ડસ્લાઇડને લીધે થોડો સમય રાહ જોવી પડી. ભારે વરસાદને લીધે અકસ્માત પણ ઘણા જોયા. માલસામાન સાથે ટ્રક ઊંધી પડી ગઈ હતી. વરસાદમાં રસ્તો ક્લિયર કરવો મુશ્કેલ છે. જોકે પોલીસે અમને જવા દીધા હતા. ૬ દિવસની ટ્રિપમાં અમે લોકોએ લગભગ ૧૨૦૦ કિલોમીટર બાઇક ચલાવી. ૭ જુલાઈએ અમે પાછા મુંબઈ આવ્યા હતા. કોકણનાં અંતરિયાળ ગામડાંઓ ખૂંદવા બે દિવસ ટ્રિપ લંબાવવી હતી, પરંતુ વરસાદે સાથ ન આપ્યો. આજે પણ આંખો બંધ કરીએ ત્યારે વરસાદથી ઘેરાયેલા રસ્તાઓ, હરિયાળીથી છવાયેલા પહાડો અને સમુદ્રકિનારાનાં દૃશ્યો યાદ આવી જાય છે. ભારે વરસાદ હોવા છતાં આ અમારી જિંદગીની સૌથી યાદગાર ટ્રિપ બની ગઈ.’

કેવી તૈયારી કરીને ગયા હતા?

ઉત્સવ જાયસવાલ અને શ્લોક વરુડે બાળપણના મિત્રો છે. સિદ્ધ શાહ સાથે તેમની મુલાકાત પાંચ વર્ષ પહેલાં ઑનલાઇન ગેમ રમતાં થઈ હતી. ઉત્સવ પાસે રૉયલ એનફીલ્ડ, શ્લોક પાસે હૉન્ડા અને સિદ્ધ પાસે ટ્રાયમ્ફ બાઇક છે. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં મુંબઈમાં અને રાજ્યમાં અનેક સ્થળોએ રેડ અલર્ટ જાહેર કરવામાં આવી હતી. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવતી હતી. ફર્સ્ટ મૉન્સૂન ટ્રિપને ધ્યાનમાં રાખીને ત્રણેએ ખાસ્સી તૈયારી કરી હતી. વરસાદથી કેવી રીતે બચવું, સામાન કઈ રીતે બચાવવો, સેફ્ટી-પ્રોટેક્શન માટે શું કરવું એનો તેમણે પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો. કટોકટીના સમયે ટૂલ-કિટનો કઈ રીતે ઉપયોગ કરવો એ પણ શીખી લીધું હતું. દરેક રાઇડર પાસે ૬૦,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતનાં રાઇડિંગ સાધનો છે. એમાં હાઈ ક્વૉલિટીનાં હેલ્મેટ તથા રાઇડિંગ જૅકેટ અને પૅન્ટ, રાઇડિંગ બૂટ, વૉટરપ્રૂફ થર્મલ ગ્લવ્ઝ, વૉટરપ્રૂફ મોજાં, રેઇન-જૅકેટ, બૂટ-કવર અને હેલ્મેટ ઇન્ટરકૉમનો સમાવેશ થાય છે જેથી બાઇકિંગ દરમ્યાન એકબીજા સાથે વાતચીત કરી શકાય. શાકાહારી હોવાને લીધે કોકણના કેટલાક વિસ્તારમાં જમવાનું શોધવું પડકારજનક હતું. મોટા ભાગે તેઓ રસ્તામાં જુદા-જુદા સ્ટૉપ પર મિસળ, વડાપાંઉ, પૌંઆ અને ચા જેવો નાસ્તો કરી લેતા. જોકે ખાણી-પીણીની તકલીફ ન પડે એ માટે ઘરેથી થેપલાં અને ખાખરા સહિતનો નાસ્તો લીધો હતો. સફર દરમ્યાન અનેક જગ્યાએ પાણી ભરાયેલા રસ્તાઓ મળ્યા. કેટલાક માર્ગો બંધ હતા તો ક્યાંક ભારે વરસાદને કારણે વિઝિબિલિટી લગભગ શૂન્ય બની જતી હતી. સતત વરસતો વરસાદ, ઘાટ વિસ્તારોમાં છવાયેલું ધુમ્મસ અને રસ્તાની અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે તેમણે સાવચેતીપૂર્વક આગળ વધવાનું પસંદ કર્યું. ૬ દિવસની ઍડ્વેન્ચર-ટ્રિપ કરીને ૭ જુલાઈએ પાછા ફર્યા એ દિવસે પણ મુંબઈમાં જોરદાર વરસાદ હતો. તેમના જણાવ્યા અનુસાર આ માત્ર રોડ-ટ્રિપ નહોતી પરંતુ ધીરજ, આયોજન અને કુદરતની શક્તિને નજીકથી અનુભવવાની તક હતી. કોકણ ઘાટ પર બાઇક રાઇડ બાદ તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. કૉર્પોરેટ જૉબ અને પ્રોફેશનલ કમિટમેન્ટ્સના પ્રેશરમાંથી બ્રેક લઈને તેઓ આ રીતે ભારતનાં જુદાં-જુદાં સ્થળો ફરવા માગે છે. 

mumbai news mumbai borivali gujaratis of mumbai gujarati community news konkan lonavla