મિરૅકલ નથી, મહેનત છે

17 July, 2020 02:58 PM IST  |  Mumbai Desk | Ruchita Shah

મિરૅકલ નથી, મહેનત છે

ભવ્ય શાહ

૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ ભવ્ય શાહને ગઈ કાલે ડિક્લેર થયેલા બારમીના રિઝલ્ટમાં સાયન્સ સ્ટ્રીમમાં ૯૦.૩૦ ટકા આવ્યા છે. કાંદિવલીની શ્રી ટી. પી. ભાટિયા કૉલેજ ઑફ સાયન્સમાં ભણતો ભવ્ય તેના ક્લાસમાં એકલો સંપૂર્ણ બ્લાઇન્ડ સ્ટુડન્ટ હતો. વિજ્ઞાન અને ગણિત બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે નથી એ માન્યતા તેને તોડવી છે અને ભવિષ્યમાં આ વિષયમાં આવતા વિવિધ ડાયાગ્રામ પ્રજ્ઞાચક્ષુ બાળકો આસાનીથી સમજી શકે એ દિશામાં સંશોધનો પણ કરવાં છે
જે કૉલેજમાં તમે ભણતા હો એ કૉલેજમાં તમારા ક્લાસમાં તમે એકમાત્ર એવા વિદ્યાર્થી છો જેણે આંખોથી જોયા વિના ભણવાનું છે. એ સિવાયની જર્ની સિમિલર છે. એ જ બોર્ડ, એ જ સિલેબસ, એ જ ભણવાનું પ્રેશર. માત્ર એક જ ફરક કે તમે જોઈ નથી શકતા અને બીજા જોઈ શકે છે. તમારે જે પણ શીખવાનું છે એ સાંભળીને શીખવાનું છે, શબ્દોની કલ્પના કરીને ડાયાગ્રામને સમજવાના છે.
સાઉથ મુંબઈમાં રહેતા અને કાંદિવલીની શ્રી ટી. પી. ભાટિયા કૉલેજ ઑફ સાયન્સમાં ભણતા ભવ્યએ આ જર્ની સફળતાપૂર્વક પાર કરી છે. ગઈ કાલે જાહેર થયેલા HSCના પરિણામમાં ૯૦.૩૦ ટકા માર્ક સાથે તે પાસ થયો છે. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં તે કહે છે, ‘એક નૉર્મલ કમ્પ્યુટરમાં મેં માત્ર એક વધારાનું સૉફ્ટવેર સ્ક્રીન રીડરનો ઉપયોગ ભણવા માટે કર્યો હતો. આ સૉફ્ટવેરને કારણે તમે સ્ક્રીન પર જે હોય એને ઑડિયો ફૉર્મમાં સાંભળી શકો. ઘણી બુક્સ ઑનલાઇન અવેલેબલ ન હોય એટલે એમાં તકલીફ પડતી તો એમાં સ્કૂલમાં સાંભળેલું હોય એમાંથી મેં મારી પોતાની નોટ્સ બનાવી હતી. એમાંથી અભ્યાસ કરતો હતો. મમ્મી અને ટીચરોએ મને ફુલ સપોર્ટ કર્યો હતો.’
ભવ્ય માને છે કે તમને જે વિષયમાં રસ હોય એ જ વિષયમાં ભણતા હો તો કોઈ અગવડથી ફરક ન પડે. જોકે પોતાની જર્નીમાં મમ્મી, પપ્પા અને પરિવારના તમામ સભ્યોનો તેને ભરપૂર સપોર્ટ મળ્યો છે. તે કહે છે, ‘જ્યારે કોઈ ફિઝિકલ લિમિટેશન હોય તો લોકો એને જોઈ શકતા હોય છે અને તેમના માટે બિચારાનો ભાવ રાખતા હોય છે. મને લાગે છે કે કદાચ હું જોઈ નથી શકતો એટલે હું ગાડી નહીં ચલાવી શકું કે મને રસ્તો ક્રૉસ કરવામાં હેલ્પ જોઈશે, પરંતુ મારી આ મર્યાદાની મને ખબર છે. ઘણા લોકોને પોતાની મર્યાદાની ખબર જ નથી પડતી. હું દરેકને કહીશ કે તમે તમારા લિમિટેશન પર ફોકસ કરવાને બદલે તમારી સ્ટ્રેંગ્થ અને તમારી પૉઝિટિવ સાઇડ પર ધ્યાન આપો. એમાં તમારો ગ્રોથ થશે.’
ભવ્ય શાહને નાની ઉંમરમાં જ નબળા રેટિનાને કારણે ધીમે-ધીમે દેખાવાનું ઓછું થઈ ગયું હતું. ઘણીબધી સર્જરી કર્યા પછી પણ વિઝનમાં કોઈ ફરક ન પડ્યો અને બે વર્ષ પહેલાં દેખાવાનું સંપૂર્ણ બંધ થઈ ગયું. પ્રજ્ઞાચક્ષુ બાળકોને વિજ્ઞાન અને ગણિતમાં રસ હોવા છતા તેમને આ ક્ષેત્રમાં આગળ વધવામાં ડિસ્કરેજ કરવામાં આવે છે; કારણ કે આ બન્ને ક્ષેત્રમાં ઉપયોગમાં આવતા ગ્રાફ, ડાયાગ્રામ વગેરેને શબ્દોથી સમજવા અઘરા હોય છે. ભવ્યની ઇચ્છા છે કે તે અમેરિકાની સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાં જઈને સાયન્સ, મૅથ્સ અને કમ્પ્યુટરમાં ગ્રૅજ્યુએશન કરે અને પછી જોઈ ન શકતાં બાળકો પણ આ ગ્રાફ અને ડાયાગ્રામને આરામથી સમજી શકે એ દિશામાં સંશોધન કરીને એવી વ્યવસ્થા ઊભી કરે.

ruchita shah mumbai news mumbai