નૉટ અ સિંગલ કેસ

03 June, 2021 07:38 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

યસ, મુંબઈમાં કેટલીક હાઉસિંગ સોસાયટીઓ એવી છે જ્યાં અત્યાર સુધી એકેય કોવિડ પૉઝિટિવ કેસ નોંધાયો નથી

વિલે પાર્લેમાં આવેલી લાભ-સમૃદ્ધિ સોસાયટી.

કોરોના મહામારીએ ભારતમાં પ્રવેશ કર્યા બાદ મુંબઈ શહેર પર કોરોના પૉઝિટિવ પેશન્ટ અને તેનાથી થતાં મૃત્યુની જાણે સુનામી જ લાવી દીધી હોય એવું દેખાયું હતું. એમાં છેલ્લા બે મહિનાથી તો મુંબઈની હાલત ખૂબ ગંભીર થઈ ગઈ હતી. મેડિકલ સુવિધાઓથી લઈને આરોગ્ય વ્યવસ્થા પર ભાર આવતા અનેક મેડિકલ વસ્તુઓનો અભાવ પડવા લાગ્યો અને લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે પણ મુંબઈની એવી ઘણી સોસાયટીઓ પણ અમને જોવા મળી જેમાં નિયમોનું પાલન અને રહેવાસીઓ દ્વારા રાખવામાં આવેલી કાળજીનાં પરિણામે હાલ સુધી સોસાયટીને કોવિડ-ફ્રી સોસાયટી રાખવામાં સફળ રહ્યા છે. આ સોસાયટીઓમાં દોઢ વર્ષમાં એક પણ કોવિડ પેશન્ટ મળ્યા નથી જ્યારે કે તેમની આસપાસની કે તે પરિસરમાં પેશન્ટની ભરમાર હતી. કદાચ આપણે પણ આવી સોસાયટીઓ પાસેથી બોધપાઠ લેવો જરૂરી છે.

મીરા રોડમાં આવેલી દેવપ્રસાદ સોસાયટી.

સેલ્ફ ડિસિપ્લિન 
મીરા રોડના શાંતિનગરના સેક્ટર-૩માં આવેલી દેવપ્રસાદ બિલ્ડિંગમાં ૪૦ ફ્લૅટ આવેલા છે. કોરોના મહામારીએ મુંબઈને હલાવી મૂક્યું હોવા છતાં આ બિલ્ડિંગની બન્ને વિંગમાંથી હાલ સુધી અહીં એક પણ કોવિડ પૉઝિટિવ કેસ આવ્યો નથી. એનું મુખ્ય કારણ છે સેલ્ફ ડિસિપ્લિન. આ વિશે માહિતી આપતાં સોસાયટીના રહેવાસી પૂર્વી શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યાં કોરોનાએ લોકોને ચિંતામાં મૂકીને રાખ્યા છે ત્યાં મારી સોસાયટીમાં છેલ્લાં દોઢ વર્ષમાં એક પણ કોવિડ પૉઝિટિવ કેસ આવ્યો નથી. જ્યારે કે અમારી આજુબાજુની અનેક સોસાયટીઓમાં કોરોનાના ઘણા કેસ આવ્યા હતા અને હાલમાં પણ આવી રહ્યા છે. એટલા લાંબા સમય દરમ્યાન એક પણ કેસ ન આવવાનું મુખ્ય કારણ રહેવાસીઓ દ્વારા લેવાઈ રહેલી પોતાની જવાબદારીઓ. રહેવાસીઓ સ્વ-ઇચ્છાએ જ રાજ્ય સરકારે લાગુ કરાયેલા નિયમોનું પાલન કરે છે. લોકો પોતાની રીતે જ સેલ્ફ ડિસિપ્લિન રાખીને કાળજી લે છે, કોઈને ફોર્સ કરવામાં આવતો નથી. લોકોની સમજણના કારણે જ અમારી સોસાયટી કોવિડ-ફ્રી છે. સોસાયટીના લોકો કામ ન હોય તો ઘરની બહાર નીકળતા નથી, સંબંધીઓ પણ આવતા નથી અને ખાસ કરીને સ્વચ્છતા પર ધ્યાન રાખીએ છીએ. સોસાયટીમાં કોઈ ગ્રુપ બનાવીને ઊભું રહેતું નથી અને માસ્ક પહેરવાનું તો ક્યારેય ભૂલતા નથી. કાયદાઓ લાદવા કરતાં લોકો પોતાના મનથી કાયદાનું પાલન કરે તો એનું પરિણામ સારું જ આવશે.’

નિયમોનું પાલન
અમારી સોસાયટીના એક ફ્લૅટમાં ૯થી ૧૦ લોકો રહે છે એટલે ચિંતાનો વિષય વધુ હોવાથી કાળજી રાખવી જરૂરી છે એમ કહેતાં વિલે પાર્લા-વેસ્ટમાં બજાજ રોડ પર આવેલી લાભ-સમૃદ્ધિના સેક્રેટરી અજય મોદીએ જણાવ્યું કે ‘અમારી સોસાયટીમાં ૧૦૦ ટકા ગુજરાતી અને વેલ એજ્યુકેટેડ લોકો રહેતા હોવાની પણ અસર જોવા મળે છે. સૌ પ્રથમ કોવિડના કેસ મુંબઈમાં આવવા લાગ્યા અને ૨૪ માર્ચથી લૉકડાઉન જાહેર થયું ત્યારે અમે કમિટી મેમ્બરોએ તત્કાળ મીટિંગ બોલાવીને નક્કી કર્યું કે સહુએ કડક રીતે નીતિ-નિયમ અને કાયદાનું પાલન કરવું આવશ્યક છે. સોસાયટીમાં બહારના લોકોને આવવા પર પ્રતિબંધ લગાવી દીધો અને સભ્યોને માટે નોટિસ બોર્ડ પર શરતો લખીને નોટિસ મૂકવામાં આવી કે કોઈ પણ સભ્યના ઘરે નોકર, રસોઈયા અને કાર ડ્રાઇવરનો પ્રવેશ સોસાયટીમાં વર્જિત છે, જ્યાં સુધી નવી કોઈ માર્ગદર્શિકા જાહેર ન થાય ત્યાં સુધી. અમે સોસાયટીમાં ઉપરથી નીચે અઠવાડિયામાં ત્રણ વાર ડિસઇન્ફેકટ કરવાનું ચાલુ કર્યું છે. એ માટે એક ૩૦ લીટરનો પેસ્ટિસાઈડનો પંપ વસાવીને ઉચ્ચ ક્વૉલિટીનું માન્યતાપ્રાપ્ત સૅનિટાઇઝર લાવીને સોસાયટીઅે લિફ્ટ, સ્ટેર-કેસ, કંપાઉન્ડમાં છાંટવાનું કામ સફાઈ-કામદારને કરવા કહ્યું છે. શાકભાજી, ફળ, દૂધ, દવા બધું જ નીચે સિક્યૉરિટી ગાર્ડનાં ટેબલ પર મૂકીને સૅનિટાઇઝથી ડિસઈન્ફેકટ કરીને લિફ્ટમાં મૂકીને લોકોને ઇન્ટરકૉમ પર જણાવી દઈએ કે ડિલિવરી લિફ્ટમાંથી લઈ લો. લગભગ જ્યારે પણ કોઈ મેમ્બરોને શારીરિક તકલીફ થઈ ત્યારે તરત જ એની અને એના ફૅમિલીની RT-PCR ટેસ્ટ કરાવીને નેગેટિવ રિપોર્ટ સોસાયટીમાં આવ્યા બાદ જ એમને છૂટછાટ આપવામાં આવી છે. વચ્ચે જ્યારે લૉકડાઉન હટાવીને નોર્મલ થયું પછી પણ બહારના લોકોમાં ફકત દૂધવાળા, છાપાવાળા, દવાની ડિલિવરી કરવા દઈએ છીએ. કોઈની પણ કારના ડ્રાઇવરને આજ સુધી પ્રવેશ નથી. લૉકડાઉન હોય કે ન હોય કોરોના મહામારી તો છે જ એથી એ જાય નહીં ત્યાં સુધી સૅફ રહેવું હોય તો નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું જરૂરી જ છે. સોસાયટીના સભ્યોનો પણ ખૂબ સારી રીતે સહકાર મળી રહ્યો છે.’

વચ્ચે જ્યારે લૉકડાઉન હટાવીને નૉર્મલ થયું પછી પણ બહારના લોકોમાં ફક્ત દૂધવાળા, છાપાવાળા, દવાની ડિલિવરી કરનારાઓને આવવા દઈએ છીએ. કોઈનીય કારના ડ્રાઇવરને આજ સુધી પ્રવેશ નથી.
અજય મોદી, વિલે પાર્લેની લાભ-સમૃદ્ધિ હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી 

mumbai mumbai news maharashtra mira road vile parle coronavirus covid19 preeti khuman-thakur