ગોરેગામનાં ૭૧ વર્ષનાં ગુજરાતી સિનિયર સિટિઝનના ઘરમાં ચોરી

03 July, 2022 12:12 PM IST  |  Mumbai | Mehul Jethva

ચોરે તેમણે પહેરેલાં ચેઇન, બંગડી અને બુટિયાં કાઢી લીધાં એટલું જ નહીં, વૉર્ડરોબમાં રાખેલા જરૂરી ડૉક્યુમેન્ટ્સ પણ પોતાની સાથે લઈ ગયો

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ગોરેગામમાં એકલાં રહેતાં ગુજરાતી સિનિયર સિટિઝનના ઘરમાં ચોરે પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરે ઘરમાં પ્રવેશીને સિનિયર સિટિઝન જે બેડરૂમમાં સૂતાં હતાં ત્યાં જઈ જબરદસ્તી તેમના દાગીના કાઢ્યા હતા. એટલું જ નહીં, ચોર તેમના અગત્યના ડૉક્યુમેન્ટ્સ પણ ચોરી ગયો હતો. આ ઘટના પછી આસપાસમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. ગોરેગામ પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ગોરેગામ-વેસ્ટમાં સિદ્ધાર્થ કૉલોની વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એકલાં રહેતાં ૭૧ વર્ષનાં ઊર્મિલાબહેન મિસ્ત્રીએ કરેલી ફરિયાદ અનુસાર છેલ્લાં સાત વર્ષથી તેઓ એકલાં રહે છે. તેમને બે છોકરા છે જેમાંનો એક કાંદિવલીમાં અને બીજો ભારતની બહાર રહે છે. ૩૦ જૂને રાતે તેઓ ૯થી ૧૧ વાગ્યા સુધી ટીવી જોઈને રોજિંદા ક્રમની જેમ બેડરૂમમાં સૂવા ગયાં હતાં. મોડી રાત્રે આશરે ૩.૩૦ વાગ્યે કોઈ વસ્તુનો અવાજ આવતાં તેમની આંખ ખૂલી ત્યારે ચોર તેમની સામે ઊભો દેખાયો હતો. તેને જોઈને ધક્કો મારીને ઊઠવાનો પ્રયત્ન તેમણે કર્યો હતો. એ પછી ચોરે જબરદસ્તી ઊર્મિલાબહેનને પકડી તેમની ચેઇન, બંગડી અને બુટિયાં કાઢી લીધાં હતાં. એટલું જ નહીં, વૉર્ડરોબમાં રાખેલા અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ્સ પણ પોતાની સાથે લઈને ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાથી ડરી ગયેલાં ઊર્મિલાબહેને પરિવારજનો અને આસપાસમાં રહેતા લોકોની મદદથી શુક્રવારે પોતાની ફરિયાદ ગોરેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ગોરેગામ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રેય થોપટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે ફરિયાદ આવતાં એક ટીમ ઘટનાસ્થળે પહોંચી આસપાસમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે ચોરોની તપાસમાં લાગી છે. આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે આગળ તપાસ કરી રહ્યા છીએ.’ 

Mumbai mumbai news mehul jethva