વિધાન પરિષદની ચૂંટણીમાં આઘાડીની એકતા બીજેપીના પરાજ્યનું કારણ બની

05 December, 2020 10:20 AM IST  |  Mumbai | Dharmendra Jore

વિધાન પરિષદની ચૂંટણીમાં આઘાડીની એકતા બીજેપીના પરાજ્યનું કારણ બની

વિધાન પરિષદની ચૂંટણીમાં આઘાડીની એકતા બીજેપીના પરાજ્યનું કારણ બની

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૬ બેઠકોમાંથી ચાર બેઠકો જીતીને મહા વિકાસ આઘાડીએ બીજેપીને આકરી ટક્કર આપવાની ક્ષમતા સિદ્ધ કરી છે. અમરાવતીમાં શિવસેનાના હાલના વિધાન પરિષદના સભ્ય અપક્ષ ઉમેદવારની સ્પર્ધામાં પાછળ હતા, પરંતુ બીજેપીએ એના ગઢ સમાન નાગપુર, ઔરંગાબાદ અને પુણે ડિવિઝન્સમાં કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ સામે હાર સહન કરવી પડી છે. વિધાન પરિષદની પાંચ બેઠકોની ચૂંટણીનાં પરિણામો મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રવાહ પલટાયો હોવાનાં એંધાણ આપતાં હોવાનું રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું. તો બીજી તરફ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમે મહા વિકાસની તાકાતને ઓછી ગણવાની ભૂલ કરી હતી.
વિધાન પરિષદના નાગપુર, ઔરંગાબાદ અને પુણે રેવન્યુ ડિવિઝન્સના ગ્રૅજ્યુએટ મતક્ષેત્રોની દ્વિવાર્ષિક ચૂંટણી તેમજ ધુળે-નંદુરબાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા મતક્ષેત્રની પેટાચૂંટણી ગયા મંગળવારે યોજાઈ હતી. શુક્રવારે પરિણામો જાહેર કરાયાં ત્યારે મહા વિકાસ આઘાડીમાં સિદ્ધિ પ્રાપ્ત કર્યાની અને પહેલા વર્ષના પર્ફોર્મન્સનું યોગ્ય મૂલ્યાંકન થયાની લાગણી પ્રવર્તતી હતી. મહા વિકાસ આઘાડીની એકતા અને ઉદ્ધવ ઠાકરેની સરકારની સ્થિરતા અને ટકાઉ ક્ષમતાની અવારનવાર કસોટી થતી રહી છે. જોકે આ વખતે બીજપીને બળવાખોરી ભારે પડી હોવાનું પણ કહેવાય છે.
નાગપુરમાં બીજેપીનો મોટો આંચકો લાગ્યો છે, કારણ કે ૫૮ વર્ષથી ત્યાં બીજેપીના વર્ચસને આંચ આવી નથી. ત્યાં કૉન્ગ્રેસના અભિજિત વંજારીએ બીજેપીના સંદીપ દેસાઈને નોંધપાત્ર સરસાઈથી હરાવ્યા છે. નાગપુરની બેઠકનું પ્રતિનિધિત્વ બીજેપીના અનિલ સોલે કરતા હતા. તેમના પહેલાં કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરી અને ગડકરી પહેલાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પિતા ગંગાધરજી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. નાગપુર રેવન્યુ ડિવિઝન ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સીના મતદારોએ હંમેશાં સંઘ પરિવારના ઉમેદવારોને વિધાન પરિષદમાં મોકલ્યા છે, પરંતુ ચીલો અભિજિત વંજારીએ ગઈ કાલે તોડ્યો હતો.
પુણે ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સીમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અરુણ લાડના વિજય સાથે બીજેપીના ચંદ્રકાંત પાટીલના વર્ચસસ સામે પ્રશ્નાર્થ ચિહ્‍ન મુકાયું હતું. એ બેઠક પરથી ચંદ્રકાંત પાટીલ પોતે અનેક વખત ચૂંટાયા છે. તેઓ ગયા વર્ષે પુણે શહેર મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા. પુણે ટીચર્સ કૉન્સ્ટિટ્યુઅન્સીમાં બીજેપીના સમર્થન સાથે ઊભા રહેલા જિતેન્દ્ર પવારને કૉન્ગ્રેસના જયંત આગસાવકરે સરળતાથી હરાવ્યા હતા.

mumbai mumbai news maharashtra