અમે ફરી મહેનત કરીને શૂન્યમાંથી સર્જન કરીશું

30 March, 2024 07:42 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મલાડમાં જે ગાળાઓમાં આગ લાગી હતી એમાં કશું જ બચ્યું નથી ત્યારે વેપારીઓએ ફરી હામ ભીડી : તેમનું કહેવું છે કે હવે રડવાથી શું ફાયદો?

બે ગાળા બળી ગયા પછી પણ લોકોના સાથ-સહકારથી ફરી ધંધો વિકસાવીશું એમ જણાવતા લાકડિયાના અમરશી ફુરિયા

મલાડ-ઈસ્ટના દફ્તરી રોડ પર આવેલા સેન્ટર પ્લાઝામાં ગુરુવારે લાગેલી આગમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા માળના કેટલાક ગાળા બળીને ખાખ થઈ ગયા છે ત્યારે ત્યાંના વેપારીઓનું કહેવું છે કે ‘જે થવાનું હતું એ થઈ ગયું. હવે જ્યારે કશું બચ્યું જ નથી ત્યારે રડવાથી શું ફાયદો? ફરી મહેનત કરીશું અને શૂન્યમાંથી સર્જન કરીશું.’

ધુમાડો બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડે કાચ તોડી નાખવા પડ્યા હતા. ગઈ કાલે એ કાચના ટુકડા અનેક જગ્યાએ વેરવિખેર પડ્યા હતા.

 

સેન્ટર પ્લાઝામાં ગુરુવારે લાગેલી આગ બાદ રાતે તો સાવચેતીની દૃષ્ટિએ કોઈને અંદર જવા દેવાયા નહોતા. પોલીસનો પહેરો ગોઠવી દેવાયો હતો અને ફાયરિબ્રગેડ પણ હાજર રહી હતી. જોકે ગઈ કાલે સવારે ફાયરબ્રિગેડના ઑફિસરોએ બધું ચેક કર્યા બાદ ક્યાંયથી ધુમાડો નીકળતો નથી એ જોઈને પછી વેપારીઓને તેમનો માલ કાઢી લેવા તેમના ગાળામાં જવાની છૂટ આપી હતી. એથી વેપારીઓ તેમના ગાળામાં જઈ જે કંઈ બચેલો માલ હતો એ પૅક કરી ટેમ્પોમાં નાખીને અન્ય જગ્યાએ ખસેડતા જોવા મળ્યા હતા. આગ કેટલાક જ ગાળાઓમાં લાગી હતી. જોકે ફાયરબ્રિગેડના પાણીના મારાને કારણે પણ ઘણું નુકસાન થયું હતું. ગઈ કાલે આગમાં બળી ગયેલી કેટલીક દુકાનોના માલિકો દ્વારા ઇન્શ્યૉરન્સ કંપનીને જાણ કરાઈ હતી અને એના સર્વેયરો સર્વે કરી રહ્યા હતા. 

આગમાં માલ તો બળ્યો જ હતો, પણ લોખંડની હેવી રૅક પણ ગરમીને કારણે વાંકી વળી ગઈ હતી.

ફાયરબ્રિગેડના એક કર્મચારીએ કહ્યું હતું કે ‘ગુરુવારે આખી રાત અમે ત્યાં જ રહ્યા હતા. લેવલ-ટૂની આગ હોવાથી પ્રોટોકૉલ મુજબ ૨૪ કલાક અમારે સ્પૉટ પર હાજર રહેવું જ પડતું હોય છે જેથી જો ફરી આગ ભભૂકતી લાગે તો એને કન્ટ્રોલ કરી શકાય. ગઈ કાલ સવારથી રોટેશનમાં પચીસથી ૩૦  જવાનોની ટીમ ત્યાં તહેનાત કરાઈ હતી.’

આગને કારણે તો નુકસાન થયું જ, પણ ફાયરબ્રિગેડે ચલાવેલા પાણીના મારાને કારણે રેડીમેડ ડ્રેસ સાથે કપડાના તાકા ભીના થઈ ગયા હતા અને ફેંકી દેવા પડ્યા હતા. વેપારીઓ પાણી કાઢતા જોવા મળ્યા હતા. 

સેન્ટર પ્લાઝામાં ગાળો ધરાવતા મૂળ આધોઈના શીતલ ખંડોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગને કારણે બહુ જ નુકસાન થયું છે. એક ચીંદી પણ બચી નથી. બધું જ બળી ગયું છે. જે થઈ ગયું એ થઈ ગયું. હવે ફરી મહેનત કરીશું અને શૂન્યમાંથી સર્જન કરીશું. જે લોકો ભાડેથી હતા એ લોકોનો માલ ગયો. એ લોકો બીજે ભાડે જગ્યા લઈને કામકાજ શરૂ કરે એવી શક્યતા છે, પણ જેમની પોતાની દુકાન કે ગાળો હતાં તેમની હાલત કફોડી છે. આગમાં બળી ગયેલી દુકાન ક્યારે સાજી-સમી થાય અને ક્યારે પાછો ધંધો જામે એ ખબર નથી અને એમાં પણ ટાઇમ લાગી જશે.’

આગમાં બધો જ માલ બળીને ખાખ થઈ ગયો હતો.

મૂળ લાકડિયાના અને સમાજમાં સમાજસેવાનું આગળ પડતું કામ કરતા અમરશી ફુરિયાના પણ બે ગાળા આગમાં બળી ગયા છે. અમરશીભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૪૬ વર્ષથી આ ધંધામાં છીએ અને અમારી શાખ સારી છે. આગ લાગ્યાની જાણ થતાં અમને અનેક ઓળખીતાઓના, સપ્લાયર્સના અને વેપારીઓના ફોન આવી રહ્યા છે. બધા એમ જ કહી રહ્યા છે એ કે અમારો તમને ફુલ સપોર્ટ છે, મૂંઝાતા નહી. અમે ફરી ધંધો શરૂ કરીશું અને ધીમે-ધીમે બધું થાળે પડતું જશે.’

malad mumbai news mumbai fire incident