24 December, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઠાકરેબ્રધર્સ
લાંબા સમયથી વાત ચર્ચાઈ રહી હતી કે ઠાકરેબંધુઓ વચ્ચે રાજકીય યુતિ થશે કે નહીં? આ ચર્ચાનો આજે અંત આવે એવી જાહેરાત શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે બપોરે ૧૨ વાગ્યે શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે યુતિની જાહેરાત કરવામાં આવશે. જોકે બપોરે ૧૨ વાગ્યે થનારી જાહેરાતથી યુતિના ૧૨ વાગી જશે કે પાસા પોબારા પડશે એ તો સમય જ કહેશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને નજરમાં રાખીને બન્ને પક્ષો વચ્ચે જોડાણ થશે એવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. મરાઠીના મુદ્દે પહેલાં કોઈ પણ પક્ષના ઝંડા હેઠળ ન આવતાં તેમણે જ્યારે એક મંચ પર આવ્યા હતા ત્યારથી જ તેમની વચ્ચે યુતિ થવાની શક્યતા ચર્ચાવાનું શરૂ થઈ ગયું હતું.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જ્યારે વરલી ડોમમાં સાથે મંચ પર આવ્યા ત્યારથી જ યુતિ થઈ ગઈ હતી.
અમારી વચ્ચે બેઠક-વહેંચણી બદલ કોઈ વિવાદ નથી. કાર્યકરોએ યુતિ સ્વીકારી લીધી છે.
નાશિક, પુણે, કલ્યાણ-ડોમ્બિવલી, થાણે અને મીરા-ભાઈંદરની બેઠકોની ચોખવટ થઈ ગઈ છે.
શરદ પવારની રાષ્ટ્રવાદી સાથે પણ યુતિની ચર્ચા વિધાનસભ્ય જયંત પાટીલ સાથે થઈ રહી છે અને તેઓ પણ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી રહ્યા છે.
કૉન્ગ્રેસ સાથેનો વિષય બંધ થઈ ગયો છે, પણ અમે છેવટ સુધી પ્રયાસ કરતા રહીશું. કૉન્ગ્રેસ ભારતીય જનતા પાર્ટી (BJP)ને થોડી મદદ કરશે? કૉન્ગ્રેસને નગરપાલિકાઓમાં જે સફળતા મળી એ બદલ અભિનંદન. જો આગળ જતાં તેમની મદદની જરૂર પડી તો ચોક્કસ લઈશું.
ઠાકરેબંધુઓ સાથે મળીને લડશે તો પણ પરિણામ પર ફરક નહીં પડે: અમીત સાટમ
શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે યુતિની આજે જાહેરાત થશે એવી સંજય રાઉતે કરેલી જાહેરાત બાદ એના પર પ્રતિક્રિયા આપતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના પ્રમુખ અમીત સાટમે કહ્યું હતું કે ‘એનાથી BMCની ચૂંટણીનાં પરિણામ પર ખાસ કોઈ અસર પડશે નહીં. મને લાગે છે કે મુંબઈગરાઓએ BJPના વડપણ હેઠળની મહાયુતિને સપોર્ટ કરવાનું મન બનાવી લીધું છે અને મેયર પણ અમારા ચૂંટાયેલા નેગરસેવકોમાંથી જ ચૂંટાશે.