બજેટમાં બુલેટ ટ્રેનનો બ પણ નથી

09 March, 2021 07:34 AM IST  |  Mumbai | Viral Shah

બજેટમાં બુલેટ ટ્રેનનો બ પણ નથી

બુલેટ ટ્રેન - ફાઈલ તસવીર

મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે જાહેર કરેલા બજેટમાં મુંબઈના વિકાસ માટે જરૂરી એવા કોસ્ટલ રોડ તેમ જ ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ સહિતના પ્રકલ્પોની જાહેરાત કરી હતી તેમ જ એને માટે જરૂરી નિધિ પણ ફાળવવામાં આવી છે. જોકે છેલ્લા થોડા સમયથી જે રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે એ જોતાં અપેક્ષા મુજબ રાજ્ય સરકારે બજેટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન બાબતે એક હરફ પણ નથી ઉચ્ચાર્યો. બીજી બાજુ ગુજરાત સરકારે આ વખતના બજેટમાં આ પ્રોજેક્ટ માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

આમ તો આ પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ કરવાનું કામ ૨૦૧૮ના અંત સુધીમાં પૂરું કરવાનું હતું, પણ એ હજી સુધી પત્યું નથી. ત્રણ વર્ષ પહેલાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે એનો ખર્ચ ૧.૦૮ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો. નૅશનલ હાઇસ્પીડ રેલ કૉર્પોરેશન લિમિ‌ટેડ મુજબ અત્યાર સુધી ગુજરાતમાં ૯૫ ટકા જમીન અધિગ્રહણ કરવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં આ કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધી મહારાષ્ટ્રએ ૨૩ ટકા જમીન અધિગ્રહણ કરી છે અને છેલ્લા થોડા સમયથી આ દિશામાં સરકાર તરફથી કોઈ તત્પરતા દેખાડવામાં નથી આવી. ગુજરાત સરકારે ૯૫ ટકા જમીનનું અધિગ્રહણ થયું હોવા છતાં બજેટમાં એને માટે પૈસાની જોગવાઈ કરી છે એ જ બતાવે છે કે તેઓ આ પ્રોજેક્ટને જલદીથી આગળ લઈ જવા માગે છે. સામા પક્ષે મહારાષ્ટ્ર સરકારે હજી ૬૭ ટકા જમીન ખેડૂતો અને બીજા બધા પાસેથી લેવાની બાકી હોવા છતાં બજેટમાં એને માટે પૈસાની જરાય જોગવાઈ કરી નથી.

બીજેપીના પ્રવક્તા માધવ ભંડારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ એકદસ કન્ફ્યુઝ્ડ સરકાર છે. બુલેટ ટ્રેન તેમની પ્રાથમિક્તા નથી એ ઘણા સમયથી દેખાઈ રહ્યું છે, કારણ કે એ મોદી સરકારનો પ્રોજેક્ટ છે અને જો આ પ્રોજેક્ટ પાર પડશે તો મોદીની ઇમેજ વધુ સારી થશે એ ભયને લીધે જ તેઓ વિકાસના કામમાં રોડાં નાખી રહ્યા છે. મેટ્રોને લઈને પણ તેઓ આ જ તો કરી રહ્યા છે. આ સરકાર ખાલી વિકાસની વાતો કરે છે, તેમને ખરા અર્થમાં વિકાસ કરવામાં રસ જ નથી.’

આ બાબતે શિવસેનાના પ્રવક્તા નીલમ ગોર્હે અને અનિલ પરબનો સતત કો‌શિશ કરવા છતાં સંપર્ક નહોતો થઈ શક્યો.

બજેટના મહત્ત્વના મુદ્દા
આરોગ્ય સંસ્થાના બાંધકામ અને અપગ્રેડેશન માટે ૭૫૦૦ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જે આવતાં ૪ વર્ષમાં પૂરો થશે.
મહાનગરપાલિકા, નગર પરિષદ અને નગર પંચાયતમાં ઉત્તમ આરોગ્ય સેવા મળી રહે એ માટે આવતાં પાંચ વર્ષમાં ૫૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે જેમાંથી ૮૦૦ કરોડ રૂપિયા આ વર્ષે આપવામાં આવશે.
વિમેન્સ ડે પર અનોખી સોગાદ આપતા માત્ર મહિલાઓને નામે ટ્રાન્સફર કરાતી પ્રૉપર્ટીની સ્ટૅમ્પ ડ્યુટીમાં એક ટકાની રાહત આપવાની જાહેરાત કરાઈ હતી.
સાર્વજનિક આરોગ્ય વિભાગ માટે ૮૯૫૫.૨૯ કરોડ રૂપિયા, જ્યારે મેડિકલ એજ્યુકેશન માટે ૧૯૪૧.૬૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
બ્રાન્ડેડ અને નોન-બ્રાન્ડેડ શરાબ પરની ડ્યુટી વધારવામાં આવી હતી.
૩ લાખ રૂપિયા સુધીના પાક ધિરાણ લેનારા અને સમયસર એ ધિરાણ પાછું વાળનારા ખેડૂતોને એ ધિરાણ વગરવ્યાજે ઉપલબ્ધ કરવામાં આવશે.
ઍગ્રિકલ્ચર માર્કેટ પ્રોડ્યુસ કમિટી (એપીએમસી)ને મજબૂત કરવા ૨૦૦૦ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત.
જે વીજ-બિલ ભરવાનું બાકી છે એમાં ખેડૂતોને ૩૩ ટકા રાહત. બાકી બિલની રકમમાંથી જો ૫૦ ટકા રકમ માર્ચ ૨૦૨૨ સુધીમાં પાછી વાળી દે તો બાકીની ૫૦ ટકા રકમ માફ.
જલ સંપદા વિભાગને ૧૨,૯૫૧ કરોડ રાબેતાના ખર્ચ માટે ફાળવવાનો પ્રસ્તાવ.
મદદ અને પુનર્વસન વિભાગને ૧૧,૪૫૪.૭૮ કરોડ ફાળવવામાં આવશે.
અર્થતંત્રને ગતિ આપવા આ બજેટમાં રોજગાર નિર્માણ અને કલ્યાણકારી યોજનાઓ સાથે જ મૂળભૂત સુવિધાઓના વિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવશે.
પુણે શહેરની ફરતે રિંગ રોડ બનાવવાની યોજના ૧૭૦ કિલોમીટર લાંબા આ રોડ માટે અંદાજે ૨૬૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
રાયગડ જિલ્લાના રેવસથી લઈને સિંધુદુર્ગ જિલ્લાના રેડ્ડી સુધીના ૫૪૦ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડ માટે ૯૫૭૩ કરોડનો ખર્ચ થવાની શક્યતા.
‘મુખ્યમંત્રી રોજગાર નિર્મિતિ કાર્યક્રમ હેઠળ આ વર્ષે એનો વ્યાપ વધારીને ૨૫૦૦૦ ઉદ્યોગ ઘટકોને મદદ.
નાગપુર-મુંબઈ દરિયાઈ મહામાર્ગ, મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને મુંબઈ-નાશિક હાઇવે પર મેગા ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સેન્ટર ઊભાં કરાશે.
વરલી ડેરીની ૧૪ એકર જમીન પર ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનો ટૂરિસ્ટ સ્પૉટ વિકસાવવા જમીન હસ્તાંતરણની પ્રક્રિયા ઝડપી કરાશે અને એનો ડિટેલ પ્રોજેક્ટ બનાવવાનું કામ ચાલુ.
૨૦૨૧-’૨૨માં મહેસૂલી આવક ૩,૬૮,૯૮૭ કરોડ જ્યારે મહેસૂલી ખર્ચ ૩,૭૯,૨૧૩ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. આમ ૧૦,૨૨૬ કરોડની ઘટ પડશે.

મુંબઈની આસપાસના વિસ્તારોમાં જળ પરિવહન વિકસાવાશે
મુંબઈની આસપાસના થાણે અને નવી મુંબઈ જેવા વિસ્તારોમાં જળમાર્ગ વિકસાવવામાં આવશે તથા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વસઈ અને કલ્યાણને સાંકળવામાં આવશે એમ જણાવતાં રાજ્યના નાણા પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે કોલશેત, કાલ્હેર, ડોંબીવલી અને મીરા-ભાયંદર ખાતે જેટ્ટી બાંધવામાં આવશે. મુંબઈમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની જળ પરિવહન સુવિધા પુરી પાડવાના ઉદ્દેશ સાથે ૧૧,૩૩૩ કરોડનો અંદાજિત ખર્ચ ધરાવતા ૧૭ કિલોમીટર લાંબો બાન્દ્રા-વર્સોવા સી લિન્કનું કામ શરૂ થઈ ચુક્યું છે. બાન્દ્રા-વર્સોવા-વિરાર સી લિન્કનો અંદાતિ ખર્ચ ૪૨,૦૦૦ કરોડ ઠરાવાયો છે તથા તેનો ફીઝીબીલીટી રિપોર્ટ પણ તૈયાર થઈ ચુક્યો છે. શિવરી-ન્હાવા શેવા (સી-બ્રિજ)નું કાર્ય સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની યોજના ધરાવતા હોવાનું અજિત પવારે જણાવ્યું હતું.
આ સિવાય બાન્દ્રા-વરલી સી લિન્ક ને શીવરી-ન્હાવા શેવા ટ્રાન્સહાર્બર લિન્ક સાથે જોડતા ચાર લેનના ફ્લાયઓવરનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે તથા આગામી ત્રણ વર્ષમાં તે પૂર્ણ કરવાની સંભાવના છે.

પાલઘરના જવ્હારને હિલ સ્ટેશનમાં રૂપાંતરિત કરવાની યોજના
આદિવાસી સમુદાયની વ્યાપક વસ્તી ધરાવતા પાલઘર જિલ્લામાં બીચ વિકસાવવાનાં કાર્યોની સાથે જવ્હારમાં હિલ સ્ટેશન વિકસાવવાની યોજના છે, તેમ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે સોમવારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, દરિયાકાંઠામાં વસનારા લોકોને રોજગારીની તક પૂરી પાડવા માટે તેમજ પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્યની “બિચ શૅક અને કેરેવાન ટુરિઝમ પોલિસી”ની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, મહાબળેશ્વર, પચગની અને લોણાર સરોવર ડેવલપમેન્ટ પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

mumbai mumbai news ahmedabad uddhav thackeray narendra modi