રાજ્ય સરકાર હવે શરૂ કરશે પોલીસ રિસ્પૉન્સ ટાઇમને સુધારવા ‘ડાયલ 112’ પ્રોજેક્ટ

01 August, 2021 05:16 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

કટોકટીના સમયમાં પોલીસ ઝડપથી ફરિયાદીઓ પાસે પહોંચી શકે એ હેતુથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્યવ્યાપી ‘ડાયલ 112’ પ્રોજેક્ટ શરૂ કરશે.

પ્રતીકાત્મક તસવીર

કટોકટીના સમયમાં પોલીસ ઝડપથી ફરિયાદીઓ પાસે પહોંચી શકે એ હેતુથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્યવ્યાપી ‘ડાયલ 112’ પ્રોજેક્ટ શરૂ કરશે એમ જણાવતાં ગઈ કાલે રાજ્યના હોમ અને આઇટી વિભાગના પ્રધાન સતેજ પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટથી શહેરમાં પોલીસ રિસ્પૉન્સ ટાઇમમાં ૧૦ મિનિટનો અને ગ્રામીણ વિસ્તારોમાં ૧૫ મિનિટનો ફરક પડશે.

આ પ્રોજેક્ટ હેઠળ તમામ ૪૫ પોલીસ કમિશનરેટ તથા રાજ્યની તમામ જિલ્લા પોલીસ ઑફિસમાં અદ્યતન કન્ટ્રોલ રૂમ ઊભા કરવામાં આવશે. પોલીસો દ્વારા ઉપયોગમાં લેવાતાં ૧૫૦૨ ફોર-વ્હીલર્સ અને ૨૨૬૯ ટૂ-વ્હીલર્સમાં મોબાઇલ ડેટા ટર્મિનલ અને જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવામાં આવશે. આમાંથી ૮૪૯ ફોર-વ્હીલર્સ અને ૧૩૭૨ ટૂ-વ્હીલર્સમાં ટેક્નિકલી ફુલપ્રૂફ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે જેના કારણે વાહનો સતત લોકોની સેવામાં તૈયાર રહી શકશે.

આ પ્રોજેક્ટ વિશે ટ્વિટર પર જાણકારી આપતાં સતેજ પાટીલે વધુમાં કહ્યું હતું કે ‘આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવા માટે લગભગ ૧૫,૦૦૦ પોલીસ-કર્મચારીઓને પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા છે. હાઈ-એન્ડ ટેક્નૉલૉજીથી સંચાલિત આ પ્રોજેક્ટ લોકોને મોબાઇલ ઍપ્લિકેશન, એસએમએસ, ઈ-મેઇલ કે ચૅટના માધ્યમથી પોલીસ અને અન્ય ઇમર્જન્સી સેવાઓનો સંપર્ક કરવા સક્ષમ બનાવશે.’

mumbai mumbai news mumbai police