સ્કાયવૉક માર્ચ સુધી ખુલ્લો મુકાય એવી શક્યતા નથી

04 December, 2019 04:08 PM IST  |  Mumbai | Prajakta Kasale

સ્કાયવૉક માર્ચ સુધી ખુલ્લો મુકાય એવી શક્યતા નથી

બાન્દ્રા સ્કાયવૉક

સલામતીના કારણોસર સાડા પાંચ મહિના પહેલાં બંધ કરવામાં આવેલો બાંદરા (પૂર્વ)નો સ્કાયવૉક બ્રિજ હજી ખુલ્લો મુકાયો નથી. સ્કાયવૉકની સ્થિતિ વિશે વીરમાતા જિજાબાઈ ટેકનૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ(વીજેટીઆઈ)ના ઑડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. એ રિપોર્ટને આધારે બ્રિજની બાબતમાં નિર્ણય લેવામાં આવશે. એ સ્કાયવૉકને રેલવે સ્ટેશનના ફુટઓવર બ્રિજ સાથે જોડવાની કામગીરી વિલંબમાં પડી છે. એ રેલવે અને સ્કાયવૉકની સ્થિતિ તેમ જ બાંદરા(પૂર્વ) રેલવે સ્ટેશન પાસેનું ચમડાવાડી નાળું પહોળું કરવાની કામગીરીને પગલે રાહદારીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે. બસ માટે દસ મિનિટ ચાલીને ડેપો સુધી જવું પડે છે અને રિક્ષાવાળાઓ મુસાફરો પાસેથી બેફામ પૈસા પડાવે છે.

બાંદરા(પૂર્વ)નો સ્કાયવૉક બ્રિજ બંધ હોવાથી ફક્ત રાહદારીઓને જ નહીં પશ્ચિમ રેલવેને પણ મુશ્કેલી પડી રહી છે. પશ્ચિમ રેલવેની બાંદરા(પૂર્વ) સ્ટેશનના ફુટઓવર બ્રિજની સાથે સ્કાયવૉકને જોડવાની યોજના પણ વિલંબમાં પડી છે. તે ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાની ચમડાવાડી નાળું પહોળું કરવાની યોજનાને કારણે બેસ્ટની બસોના રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા હોવાથી મુસાફરો વધારે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

બીકેસી, મ્હાડા, કલેક્ટર ઑફિસ અને ફૅમિલી કોર્ટ જેવાં મહત્ત્વનાં સ્થળો તરફ અવરજવર કરતા લોકોને માટે આ સ્કાયવૉક રાહતરૂપ હતો. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી(એમએમઆરડીએ)ના તંત્રે આ બ્રિજ  બાંધ્યા પછી મુંબઈ મહાનગરપાલિકાને સુપરત કર્યો હતો. ગયા માર્ચ મહિનામાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની પાસેના હિમાલય બ્રિજનો ભાગ તૂટી પડ્યા પછી મુંબઈ મહાનગરપાલિકાએ બાંદરા(પૂર્વ)ના ઉક્ત બ્રિજ સહિત અનેક સ્કાયવૉક બંધ કર્યા હતા. બાંદરા(પૂર્વ)નો સ્કાયવૉક બ્રિજ ૧૯ જૂને બંધ કરવામાં આવ્યો હતો. ગયા ઑગસ્ટ મહિનામાં મુંબઈ મહાનગરપાલિકાએ રાજ્યની વડી અદાલતને જણાવ્યું હતું કે સાડા પાંચ મહિના પહેલાં બંધ કરવામાં આવેલા સ્કાયવૉક્સ ફરી કાર્યાન્વિત કરવા વિશે નિર્ણય લેવા માટે વીજેટીઆઇના ઑડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

મુંબઈ મહાનગરપાલિકાના સ્ટોર્મ વૉટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના અધિકારીએ  ચમડાવાડી નાળાને પહોળું કરવાની યોજના વિશે જણાવ્યું હતું કે ‘એ નાળાની આસપાસના ભાગમાંથી દબાણો-અતિક્રમણો ચોમાસા પૂર્વે હટાવવામાં આવ્યા હતા. અમે નાળું પહોળું કરવાનું કામ ગયા અઠવાડિયે શરૂ કર્યું છે. તબક્કાવાર રીતે કામ પાર પાડવા માટે અમે પહેલાં એક બાજુનું કામ પૂરું કરીશું અને પછી બીજી બાજુનું કામ શરૂ કરીશું. ચમડાવાડી નાળું પહોળું કરવાની કામગીરી પાર પાડવામાં બેથી ત્રણ મહિના લાગશે.’

mumbai news