20 February, 2025 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિર્ડીના સાંઈબાબાના ભક્તોને લૂંટતી ગૅન્ગ સાથે પોલીસ અને તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલાં શસ્ત્રો.
શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શન કરવા જઈ રહેલા સુરતના ભક્તોની કારને ઓવરટેક કરીને અધવચ્ચે ઊભી રખાવ્યા બાદ બંદૂક અને ધારદાર શસ્ત્રોની ધાકે ગયા અઠવાડિયે લૂંટ ચલાવવામાં આવી હતી. કોપરગાવ તાલુકાના વેળાપુર પરિસરમાં લૂંટ થયા બાદ સ્થાનિક પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી જેમાં શ્રીરામપુરમાં રહેતા વિજય ગણપત જાધવે તેની ટોળકી સાથે લૂંટ કરી હોવાનું જણાઈ આવ્યું હતું. આથી પહેલાં વિજય જાધવ અને બાદમાં તેના સાથીઓ સિદ્ધાર્થ કદમ, રાહુલ શિંગાડે, સાગર ભાલેરાવ, સમીર માળી સહિત બે સગીર કિશોરોની મંગળવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી બે દેશી કટ્ટા સહિત ત્રણ કોયતા અને ૯ લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે તેમણે સુરતના રહેવાસી મોહિત પાટીલ શિર્ડી તરફ જઈ રહ્યા હતા ત્યારે લૂંટ્યા હતા. આવી રીતે ગૅન્ગે બીજા ભક્તોને પણ લૂંટ્યા હોવાનું કબૂલ્યું છે.