વરસાદે પોરો ખાધો; વસઈ, નાલાસોપારા, વિરાર અને પાલઘરમાં બધું ધીરે-ધીરે પાટા પર ચડ્યું

10 July, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇલેક્ટ્રિ​સિટી હજી પણ આવ-જા કરે છે, પાણી હજી પણ ભરાયેલાં છે પરંતુ ટ્રેન સર્વિસ શરૂ થતાં લોકોને હાશકારો, જનજીવન ફરી પૂર્વવત્ થઈ રહ્યાનું દૃશ્ય

વિરાર-વેસ્ટની કામનવાલા કુંજ સોસાયટીમાં ભરાયેલાં વરસાદનાં પાણી ઓસર્યાં એ પછીની હાલત.

પાંચ દિવસ સુધી ભરાયેલાં પાણી, મોબાઇલ નેટવર્ક ગાયબ, ઇલેક્ટ્રિસિટી ગુલ, પીવાના પાણી અને જીવનજરૂરિયાતની વસ્તુઓની અછત, ટ્રેન-સર્વિસ બંધ જેવી સમસ્યાઓથી ઝઝૂમ્યા બાદ વસઈ-વિરાર અને પાલઘરવાસીઓએ ગુરુવારે માંડ રાહતનો શ્વાસ લીધો હતો. બુધવારે વસઈ-વિરાર અને પાલઘર રૂટ પર જતી ટ્રેન-સર્વિસ આંશિક રીતે ચાલુ કરાઈ ત્યાર બાદ ગુરુવારે વરસાદે પોરો ખાતાં એ રૂટ પર જતી બધી જ ટ્રેન-સર્વિસ ફરી સામાન્ય ટાઇમટેબલ પ્રમાણ શરૂ થઈ હતી. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી પણ ફરી રીસ્ટોર કરી દેવામાં આવી હતી. જોકે અમુક વિસ્તારોમાં વીજળી આવ-જા કરતી હોવાની સમસ્યા હતી. આ સિવાય મોબાઇલ નેટવર્ક પણ ફરી રીસ્ટોર થઈ ગયું હતું. 

ધીરે-ધીરે અહીં સામાન્ય જનજીવન પાટા પર ચડી રહ્યું હોવા છતાં વસઈ-વિરાર તથા પાલઘરના અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યાં નથી. અનેક ઠેકાણે ગુરુવારે પણ પાણી ભરાયેલાં રહ્યાં હતાં. જોકે પાણી અને ઇલેક્ટ્રિસિટી જેવી મૂળભૂત વસ્તુઓ સામાન્ય થતાં લોકોને રાહત મળી હતી.

ગુરુવારે અલર્ટ નહીં પણ સ્કૂલો અને કૉલેજોમાં રજા આપીને સૅનિટાઇઝેશન શરૂ કરવામાં આવ્યું

વસઈ-વિરાર સહિત આખા પાલઘર જિલ્લામાં ગુરુવારે પણ સ્કૂલો અને કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હજી પણ ઘણી જગ્યાએ પાણી ભરાયેલાં હોવાથી અને જ્યાં પાણી ઊતર્યાં છે ત્યાં સાફસફાઈનું કામ હાથ ધરવાનું હોવાથી રજા જાહેર કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર દ્વારા સરકારી અને પ્રાઇવેટ પ્રાઇમરી તથા સેકન્ડરી સ્કૂલોમાં, જિલ્લા-પરિષદની સ્કૂલોમાં સહિતની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ બીમાર ન પડે એ માટે સૅનિટાઇઝેશન હાથ ધરાયું હતું. જોકે સ્કૂલના હેડ, ટીચર્સ અને નૉન-ટીચિંગ સ્ટાફને ઇમર્જન્સીની પરિસ્થિતિ દરમ્યાન ડ્યુટી પર હાજર રહેવા તૈયાર રહેવાની સૂચના અપાઈ હતી.

પાણી ઓસર્યાં, પણ ગંદકી અને દુર્ગંધે કર્યા હેરાન
નાલાસોપારામાં સ્ટેશન રોડ પર હજી પાણી ઓસર્યાં નથી તો અમુક વધારે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી કાઢવાનું કામ ચાલુ છે. જોકે મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયાં હતાં. એને કારણે ગંદકી અને દુર્ગંધની નવી સમસ્યા ઊભી થઈ હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી હતી. ઘણી જગ્યાએ કચરો ભેગો થઈ ગયો હતો તથા એને કારણે મચ્છર અને પાણીજન્ય રોગો ફેલાય એવો ભય પણ ઊભો થયો છે. પ્રશાસન બને એટલી જલદી પૂરને કારણે થયેલી ગંદકી સાફ કરે એવી ​વિનંતી વસઈ-વિરાર અને પાલઘરવાસીઓ કરી રહ્યા હતા.

mumbai news mumbai vasai virar nalasopara monsoon news mumbai monsoon mumbai rains