હાઇવે જાતે ટૂંકો થઈ રહ્યો છે?

14 September, 2022 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવો સવાલ થાય, કારણ કે સાયરસ મિસ્ત્રીના અકસ્માતના સ્થળથી માત્ર ૨૦૦ મીટરના અંતરે આવેલા માઇલ-સ્ટોન પર ચારોટી સુધીનું અંતર ત્રણ કિલોમીટર લખાયેલું; પણ હવે એને સુધારીને એક કિલોમીટર કરાયું છે

હાઇવે પર ચારોટી નાકા પાસે માઇલ-સ્ટોન પર પહેલાં ૩ કિલોમીટરનો ઉલ્લેખ હતો, પરંતુ અકસ્માત બાદ એના પર એક કિલોમીટરનો ઉલ્લેખ કરીને બદલાવ કરવામાં આવ્યો છે.



મુંબઈ: મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પરથી દિવસ-રાત અસંખ્ય વાહનોની અવરજવર થતી હોય છે. જોકે નૅશનલ હાઇવે હોવા છતાં વાહનચાલકોને જ નહીં, પણ ટ્રાફિક-પોલીસને પણ અનેક અવ્યવસ્થાનો સામનો કરવો પડતો હોય છે. હાઇવે પરના ખાડાને કારણે લોકોએ અસંખ્ય ત્રાસ વેઠવો પડી રહ્યો છે. જોકે હાઇવે પરના ખાડા કે હાઇવે પર થતી અમુક જ સમસ્યા વિશે આપણું ધ્યાન જતું હોય છે, પરંતુ હાઇવે પર કેટલા કિલોમીટરના અંતર પર આગળ કયું સ્થળ આવશે એની માહિતી આપતાં સાઇન-બોર્ડ કે માઇલ-સ્ટોન સામે આપણે એટલું ધ્યાન આપતા નથી. જોકે આ માઇલ-સ્ટોનને કારણે પણ અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે, પરંતુ સાયરસ મિસ્ત્રીના મૃત્યુ બાદ આ બધા મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા છે અને ઑથોરિટીની પણ ઊંઘ ઊડી હોવાથી ગો-સ્લોનું બોર્ડ લગાડ્યું હતું. એ બાદ એક દિવસ અગાઉ અકસ્માતના સ્થળથી ફક્ત ૨૦૦ મીટરના અંતરે આવેલા માઇલ-સ્ટોન પર પણ કિલોમીટરનો બદલાવ કરાયો છે. તો શું ઑથોરિટી કોઈ મોટી વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે એ બાદ હાઇવે સંબંધિત નિયમોનું પાલન કરશે કે એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.
નૅશનલ હાઇવે પર પાલઘર પાસે ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલના રોડ-અકસ્માત થયા બાદ નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ) દ્વારા અસ્કમાત સ્થળ એટલે કે બ્લૅક-સ્પૉટથી ૧૫૦ મીટરના અંતરે ગો-સ્લોનું સાઇન-બોર્ડ લગાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રીના અકસ્માત સ્પૉટથી ૨૦૦ મીટરના અંતરે આવેલા માઇલ-સ્ટોન પર પણ બદલાવ કરવામાં આવ્યો છે. જ્યાં ચારોટી પહેલાં ૩ કિલોમીટર દર્શાવતું હતું અને અકસ્માત બાદ એમાં બદલાવ કરીને ૧ કિલોમીટર કરવામાં આવ્યું છે. 
હાઇવેના નિયમો પરિસ્થિતિને હિસાબે ઑથોરિટી બદલાવ કરે છે અને માઇલ-સ્ટોન વિશે અમે પહેલાં પણ ફરિયાદ કરીને ધ્યાન દોર્યું હતું, પણ ત્યારે એ વિશે કંઈ કર્યું નહોતું એમ કહેતાં રોડ-ઍક્ટિવિસ્ટ હરબન સિંહ નન્નાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઇવે ઑથોરિટી સામે અનેક વિષયો પર કાયદાકીય અને પત્રવ્યવહાર દ્વારા અમારી લડત ચાલી રહી છે. હાઇવે પરની નાનામાં નાની માહિતી અને વ્યવસ્થા ખૂબ કામની છે. મુંબઈથી આવતાં દહિસરથી અછાડ વચ્ચે અનેક વળાંક અને બ્લૅક-સ્પૉટ આવેલા છે એટલે અહીં નજર સામે કિલોમીટર કે અન્ય માહિતી મળી રહે તો સારું કહેવાય, પરંતુ એ જ માહિતી યોગ્ય ન હોય તો કેમ ચાલે? સાયરસના અકસ્માત બાદ હાઇવે ઑથોરિટી દરેક સ્તરે ટીકા થતાં કામે લાગી છે. એક દિવસ પહેલાં જ મુંબઈથી અમદાવાદ જતી વખતે લેફ્ટ બાજુએ અકસ્માતના બ્લૅક-સ્પૉટથી ૨૦૦ કિલોમીટરના અંતરે ચારોટી એક કિલોમીટર એવો ઉલ્લેખ કરીને માઇલ-સ્ટોનમાં બદલાવ કરવામાં આવ્યો છે, છેલ્લા ઘણા વખતથી આ માઇલ-સ્ટોન પર ૩ કિલોમીટર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એના પર અમે પહેલાં અનેક વખત ફરિયાદ અને જાણ પણ કરી હતી, પરંતુ ત્યારે ધ્યાન અપાયું નહોતું, પરંતુ સાયરસના અકસ્માત બાદ આ બદલાવ ચૂપચાપ અને અચાનક કરવામાં આવ્યો છે. આ પગલા સામે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે અને કંઈ ગોલમાલ હોય એવી શક્યતા પણ અમને લાગી રહી છે.’
હાઇવેના બ્લૅક-સ્પૉટ ગાયબ થયા કે કોઈ બદલાવ કર્યો એનો જવાબ કેમ અમને આપી રહ્યા નથી એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે ‘કાયદાનુસાર બ્લૅક-સ્પૉટની વ્યાખ્યા એ છે કે ૩ વર્ષમાં (માર્ચથી માર્ચ) ૫૦૦ મીટરના અંતરમાં ૩થી ૫ અકસ્માતમાં ૧૦ લોકોનો અકસ્માત થાય તો એને બ્લૅક-સ્પૉટ જાહેર કરવાનું હોય છે. વર્ષ ૨૦૧૪માં ગોપીનાથ મુંડેનો અકસ્માત થયો એ બાદ એક કમિટી બની હતી અને એના સર્વે પ્રમાણે દહિસરથી અછાડ સુધી (૧૧૮ કિલોમીટર)ના અંતરમાં ૮૨ બ્લૅક-સ્પૉટ છે, જ્યારે ૨૦૨૧માં અમે કરેલી આરટીઆઇના જવાબ પ્રમાણે બ્લૅક-સ્પૉટની સંખ્યા ૨૯ છે. એથી અમે એ પ્રશ્ન ઊભો કર્યો છે કે તો બાકીના બ્લૅક-સ્પૉટ પર કોઈ ઉપાય યોજના કરવામાં આવી છે કે શું કરવામાં આવ્યું છે કે બ્લૅક-સ્પૉટની સંખ્યા ઓછી થઈ? પરંતુ આ વિશે અમને કોઈ જવાબ મળી રહ્યો નથી. હાઇવેના નિયમો ચોપડા પર કંઈ અલગ અને હકીકતમાં કંઈ અલગ દેખાય છે.’

mumbai news ahmedabad