મુંબઈ બન્યું માથેરાન

14 January, 2023 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવામાન વિભાગે આગામી ચાર દિવસ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાથી આવી જ ઠંડી રહેવાની આગાહી કરી

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ ઃ ભરશિયાળે મુંબઈમાં થોડા દિવસ ગરમીનો અનુભવ થયા બાદ છેલ્લા ત્રણેક દિવસથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડી હવાને લીધે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એટલે શહેરમાં ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે અને રાતના સમયે તાપમાન ૧૩ ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે. આથી મુંબઈગરાઓને તેમના ફેવરિટ હિલસ્ટેશન માથેરાન જેવી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
મુંબઈમાં ત્રણેક દિવસથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે એટલે આ શિયાળુ સીઝનમાં પહેલી વખત ઠંડીનો સારોએવો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગઈ કાલે ઓવરઑલ તાપમાન ૧૬ ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું, જ્યારે કેટલાંક સ્થળે પારો ૧૩ ડિગ્રી રહ્યો હતો. આથી રાત્રે જ નહીં દિવસે પણ થોડી ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે.
ઉત્તર ભારતના દિલ્હીથી લઈને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે જેને લીધે એ તરફથી ફૂંકાઈ રહેલા પવનની અસર અત્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં થઈ રહી છે. ત્રણેક દિવસથી તાપમાનમાં અચાનક ઘટાડો થવાથી અત્યારે અને આગામી ચારેક દિવસ માથેરાનમાં અત્યારે નોંધાતું હોય છે એટલું ૧૪થી ૧૬ ડિગ્રી જેટલું તાપમાન મુંબઈમાં છે.
મુંબઈમાં ગઈ કાલે સવારના કેટલાંક સ્થળે ૧૩થી ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે નૅશનલ પાર્ક અને આરે કૉલોની જેવાં સ્થળોએ તો ૧૦ ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. 
મુંબઈ વેધશાળાની આગાહી મુજબ આગામી ૨૪ કલાકમાં મુંબઈમાં મિનિમમ ૧૫ ડિગ્રી અને મહત્તમ ૨૯ ડિગ્રી તો ૪૮ કલાકમાં મિનિમમ ૧૪ ડિગ્રી અને મહત્તમ ૨૯ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી સમયમાં ઠંડીની સાથે હવામાં ગાઢ ધુમ્મસ રહેશે જેને લીધે સવારના સમયે અવરજવરમાં મુશ્કેલી થશે અને જનજીવનને અસર પહોંચવાની શક્યતા છે.

mumbai news