નવી મુંબઈમાં મૉલ્સ ખુલ્યા બાદ એક દિવસમાં ફરી બંધ કરાવાયા

07 August, 2020 11:43 AM IST  |  Mumbai Desk | Anurag Kamble

નવી મુંબઈમાં મૉલ્સ ખુલ્યા બાદ એક દિવસમાં ફરી બંધ કરાવાયા

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ મહાનગર પાલિકાએ મૉલ્સ ખોલ્યા પછી એક દિવસમાં ફરી મૉલ્સ બંધ કરાવ્યા હતા. કોરોનાનો રોગચાળો વધુ વેગપૂર્વક ફેલાવાની આશંકાથી નવી મુંબઈ મહાનગર પાલિકાએ 31 જુલાઈએ સવારે નવ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી મૉલ્સમાં સ્ટોર્સ તેમજ ઓર્ડરના ફૂડ પૅકેટ્સ લઈ જવા માટે રેસ્ટોરાંઝ ખુલ્લા રાખવાની જોગવાઈ જાહેર કરતો આદેશ બહાર પાડ્યો હતો. પનવેલ નગર પાલિકાએ પરિસ્થિતિમાં સુધારો ન થાય ત્યારસુધી એના ક્ષેત્રના એકમાત્ર મૉલને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારના મિશન બીગિન અગેઇન હેઠળ તબક્કાવાર રીતે સાર્વજનિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ ફરી ખોલવાની જોગવાઈના ભાગરૂપે પાંચમી ઑગસ્ટે મૉલ્સ ખોલવામાં આવ્યા પછી છઠ્ઠી ઑગસ્ટે ફરી બંધ કરવાનો આદેશ નવી મુંબઈ મહાનગર પાલિકાએ બહાર પાડ્યો હતો. નવી મુંબઈમાં સાત મોટા મૉલ્સ છે. ચાર મહિના પછી મૉલ્સ ખુલતાં બુધવારે ભારે વરસાદને કારણે ઝાઝા ગ્રાહકો આવ્યા નહોતા.
નવી મુંબઈ મહાનગર પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં શહેરમાં રોગચાળાની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. બુધવારે કોરોના ઇન્ફેક્શનના 1183 દરદીઓ સાજા થઈને ઘરે ગયા હતા. ટેસ્ટિંગના પ્રમાણમાં વધારો કરવા સાથે પોઝિટિવ દરદીઓની સંખ્યા ઘટી રહી છે. આવતા બે અઠવાડિયામાં પરિસ્થિતિમાં ઘણો ફેર પડવાની શક્યતા છે. એથી ચાર મહિનાની અમારી મહેનત પર પાણી ન ફરી વળે એ ઇરાદે અમે મૉલ્સ ફરી બંધ કરવાનો આદેશ બહાર પાડ્યો છે. જોકે મૉલ્સ લાંબા વખત માટે બંધ રાખવામાં નહીં આવે.’

anurag kamble mumbai mumbai news navi mumbai