થાણે બૅન્ક-લૂંટનો મુખ્ય આરોપી અઢી મહિના પછી પુણેથી ઝડપાયો

06 October, 2022 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અઢી મહિના પહેલાં ૧૨ જુલાઈએ થાણેના માનપાડા વિસ્તારમાં આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કમાં થયેલી ૧૨ કરોડ રૂપિયાની લૂંટમાં સંડોવાયેલા મુખ્ય આરોપીની પોલીસે પુણેમાંથી ધરપકડ કરી હોવાનું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) : અઢી મહિના પહેલાં ૧૨ જુલાઈએ થાણેના માનપાડા વિસ્તારમાં આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કમાં થયેલી ૧૨ કરોડ રૂપિયાની લૂંટમાં સંડોવાયેલા મુખ્ય આરોપીની પોલીસે પુણેમાંથી ધરપકડ કરી હોવાનું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસે મુખ્ય આરોપી અલ્તાફ શેખ પાસેથી આશરે નવ કરોડ રૂપિયા જપ્ત પણ કર્યા છે.
સોમવારે અલ્તાફની ધરપકડ સાથે અત્યાર સુધીમાં પોલીસે આ કેસના પાંચ આરોપીઓને ઝડપ્યા છે, જેમાં તેની બહેન નીલોફરનો પણ સમાવેશ થાય છે. માનપાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુમ્બ્રામાં રહેતો અલ્તાફ આઇસીઆઇસીઆઇ બૅન્કમાં કસ્ટોડિયન તરીકે કામ કરતો હતો. કસ્ટોડિયન તરીકે તે બૅન્કનાં લૉકરની ચાવીઓનો કૅરટેકર હતો. તે એક વર્ષથી લૂંટનું પ્લાનિંગ કરતો હતો. સિસ્ટમમાં રહેલી ખામીઓનો તેણે અભ્યાસ કર્યો હતો અને લૂંટ માટેનાં સાધનો એકઠાં કર્યાં હતાં.’
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘અલાર્મ સિસ્ટમ ડી-ઍક્ટિવેટ કર્યા પછી અને સીસીટીવી કૅમેરાની તોડફોડ કરી દીધા પછી અલ્તાફે બૅન્કની તિજોરી ખોલીને રોકડ ડક્ટમાં દાખલ કરી હતી. બૅન્કને સીસીટીવી કૅમેરાનું ડીવીઆર અને સિક્યૉરિટીનાં નાણાં ગાયબ હોવાની જાણ થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી, જેને પગલે અધિકારીઓએ ઇન્સ્પેક્શન ટીમને ફોન કર્યો હતો.’

mumbai news mumbai thane