મહારાષ્ટ્ર સરકાર કોવિડમાં મૃત્યુ પામનારાના પરિવારને ૫૦ હજારની આર્થિક મદદ કરશે

27 November, 2021 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટે કેન્દ્ર સરકારને વળતર આપવાનો આદેશ આપ્યો હતો. વળતરની રકમ ડાયરેક્ટ બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. એ મુજબ આ મદદ મેળવવા માટે કમ્પ્યુટર સિસ્ટમ ડેવલપ કરાઈ રહી છે.

ઉદ્ધવ ઠાકરે

ગુજરાત અને રાજસ્થાન બાદ મહારાષ્ટ્ર સરકારે પણ ગઈ કાલે કોવિડમાં મૃત્યુ પામનારી વ્યક્તિના કુટુંબ માટે આર્થિક વળતરની જાહેરાત કરી હતી. રાજસ્થાન સરકારે ૪ લાખ તો ગુજરાત સરકારે ૫૦ હજાર વળતર આપવાની જાહેરાત બાદ મહારાષ્ટ્ર સરકારે પણ ૫૦ હજાર રૂપિયા વળતર આપવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકારે જીઆર (ગવર્નમેન્ટ‌ રેઝોલ્યુશન) બહાર પાડ્યો છે. 
રાજ્ય સહિત દેશભરમાં દોઢ વર્ષથી કોરોનાને લીધે લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો મૃતકોની સંખ્યા પણ ઘણી મોટી છે. અનેક કુટુંબોમાં કમાનારી એકમાત્ર વ્યક્તિ કોરોનામાં ખપી ગઈ હોવાથી આવા પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આવા પરિવારોને મદદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ રકમ સ્ટેટ ડિઝૅસ્ટર રિલીફ ફન્ડમાંથી આપવામાં આવશે. 
કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોના સંબંધીઓને આર્થિક મદદ આપવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. કોર્ટે કેન્દ્ર સરકારને વળતર આપવાનો આદેશ આપ્યો હતો. વળતરની રકમ ડાયરેક્ટ બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. એ મુજબ આ મદદ મેળવવા માટે કમ્પ્યુટર સિસ્ટમ ડેવલપ કરાઈ રહી છે. આધારકાર્ડના નંબર પરથી મૃતકનું વેરિફિકેશન કરાયા બાદ તેના પરિવારજનના બૅન્કના અકાઉન્ટમાં મદદની રકમ જમા થશે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલ સુધી મહારાષ્ટ્રમાં ૧.૪૧ લાખ તો મુંબઈમાં ૧૬,૩૨૨‍ લોકોનાં મૃત્યુ કરોનાને લીધે થયાં હતાં.

Mumbai mumbai news coronavirus covid19 covid vaccine