લૉકડાઉનની ઘરવાપસી

10 April, 2021 08:26 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

ગઈ કાલ રાતથી શરૂ થયેલી તાળાબંધીમાં કારણ વગર ઘરની બહાર નીકળવાની પરવાનગી નથી. આમ છતાં કોઈ નીકળશે તો તેણે પોલીસની કાર્યવાહીની સાથે એકથી બે હજાર સુધીનો દંડ ભરવા તૈયાર રહેવું પડશે

લૉકડાઉનની ઘરવાપસી

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયાથી કોરોનાના રેકૉર્ડ કેસ નોંધાઈ રહ્યા હોવાથી ૪ એપ્રિલે મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે તમામ લોકો ઘરમાં જ રહે એ માટે સંપૂર્ણ વીક-એન્ડ લૉકડાઉન જાહેર કર્યું હતું. ગઈ કાલે રાત્રે ૮ વાગ્યાથી એની શરૂઆત થઈ ચૂકી છે, જે સોમવારે સવારે ૭ વાગ્યા સુધી કાયમ રહેશે. આ સમયમાં અત્યંત જરૂરી કામ સિવાય કોઈ ઘરની બહાર નીકળશે તો તેની સામે પોલીસ-કાર્યવાહી કરવાની સાથે ૧૦૦૦થી ૨૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. મુંબઈ સહિત આસપાસની તમામ જગ્યાએ ચાંપતો પોલીસ-બંદોબસ્ત કરાયો હોવાથી લોકોએ નિયમનો ભંગ ન કરવો એવી અપીલ પાલિકા અને પોલીસે કરી છે. આથી લોકોએ ઘરોમાં રહેવામાં જ ભલાઈ છે.
મહારાષ્ટ્ર સરકારે ગયા રવિવારે ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાવાઇરસને ફેલાતો રોકવા માટે વીક-એન્ડ લૉકડાઉનની જાહેરાત કરી હતી. સોમવારથી શુક્રવાર રાતના ૮ વાગ્યા સુધી એસેન્શિયલ સિવાયની તથા છૂટ અપાયેલા કામકાજને બાદ કરતાં દુકાનો-ઑફિસો બંધ કરાવાઈ છે, પરંતુ લોકો તથા વાહનોની અવરજવર ચાલુ છે. જોકે વીક-એન્ડ લૉકડાઉનમાં તમામ અવરજવર બંધ રહેશે. 
મુંબઈ પોલીસના પ્રવક્તા અને ડીસીપી (ઑપરેશન્સ) ચૈતન્ય એસ.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે કોરોનાના કેસ આવવાની શરૂઆત થયા બાદ દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉન કરાયું હતું. એમાં લોકો તથા વાહનોની અવરજર પર પ્રતિબંધ મુકાયો હતો. મહારાષ્ટ્ર સરકારે સોમવારથી શુક્રવાર રાત સુધી જે પ્રતિબંધો મૂક્યા છે એમાં વાહનવ્યવહાર અને લોકોની અવરજવર બંધ નથી કરી. જોકે શુક્રવારે રાતથી સોમવારે સવાર સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. આ સમયે અત્યંત જરૂરી કામકાજ સિવાય લોકો ઘરની બહાર નીકળશે તો તેમની સામે એપિડેમિક, નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ અને આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધવામાં આવશે તથા ૧૦૦૦થી ૨૦૦૦ રૂપિયાનો દંડ ગુનાની ગંભીરતા મુજબ કરવામાં આવશે.’
મુંબઈમાં કેવી અને કેટલી તૈયારી કરાઈ છે એ વિશે ચૈતન્ય એસ.એ જણાવ્યું હતું કે ‘સંપૂર્ણ લૉકડાઉનમાં લોકો ઘરની અંદર જ રહે અને નિયમોનો ભંગ ન કરે એ માટે ઠેર-ઠેર ચાંપતો બંદોબસ્ત અને નાકાબંધી કરાઈ છે. શહેરનાં બધાં પોલીસ-સ્ટેશનોના તમામ સ્ટાફની રજા રદ કરીને ફરજ પર બોલાવી લેવાયા છે. આ સિવાય રૅપિડ ઍક્શન ફોર્સ અને બીજાં દળો પણ તહેનાત કરાયાં છે. લોકોને અપીલ છે કે તેઓ વિના કારણ ઘરની બહાર ન નીકળે.’
એક બાજુ સરકાર કહી રહી છે કે કોઈએ કારણ વગર ઘરની બહાર પણ નથી નીકળવાનું અને બીજી બાજુ તેઓ રેંકડીવાળા પાસેથી પાર્સલ લઈ જવાની છૂટ હોવાની વાત કરી રહ્યા હોવાથી લોકો એવું અર્થઘટન કરી રહ્યા છે કે પાર્સલ લેવાના નામે તેઓ બહાર નીકળી શકે છે. જોકે આ બાબતે સુધરાઈના કમિશનરે કહ્યું હતું કે ‘અમે આ છૂટ કામગાર વર્ગ માટે આપી છે, કારણ કે તેઓ ઘરે પાર્સલ નથી મગાવી શકતા. જો બીજું કોઈ આ બહાના હેઠળ બહાર નીકળશે તો તેમની ખિલાફ ઍક્શન લેવામાં આવશે.’

સુધરાઈના કમિશનરનું શું કહેવું છે?
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાની સાઇકલ તોડવા માટે સંપૂર્ણ લૉકડાઉન થાય એ માટેના પ્રયાસ પોલીસ સાથે તાલમેલ કરીને કરાઈ રહ્યા છે. લોકોને વિનંતી છે કે તેઓ કાયદાનો ભંગ ન કરે અને પ્રશાસનને લૉકડાઉન સફળ કરવા માટે સહયોગ કરે. સરકાર, પ્રશાસન અને સામાન્ય લોકો ખભેખભા મેળવીશું તો જ કોરોનાના સંકટમાંથી બહાર આવી શકીશું.’

mumbai mumbai news prakash bambhrolia