થાણેના ઝવેરીઓ બન્યા શાકવાળા

10 April, 2021 08:33 AM IST  |  Mumbai | Mehul Jethva

રાજ્યની ઉદ્ધવ ઠાકરેસરકારે ભાજીપાલાવાળાઓને પરવાનગી આપી, પણ દુકાનદારોને કામકાજ બંધ રાખવાનું ફરમાન કર્યું હોવાથી થાણેના જ્વેલરોએ એનો કર્યો અનોખી રીતે વિરોધ

ગઈ કાલે થાણેના સ્ટેશન રોડ પર આવેલી સોના-ચાંદીની દુકાનોની બહાર શાકભાજી વેચી રહેલા ઝવેરીઓ.

ગયું વર્ષ લૉકડાઉનમાં કાઢ્યા બાદ માંડ થોડી કળ વળી હતી ત્યાં ફરી કામધંધો બંધ થઈ જતાં થાણેના જ્વેલરોએ ગઈ કાલે પોતાની દુકાનની બહાર શાકભાજી અને ફ્રૂટ્સ વેચીને સરકારના છૂપા લૉકડાઉનનો વિરોધ કર્યો હતો.
તેમનું કહેવું છે કે સરકારે એ વાત સમજવાની જરૂર છે કે કોરોના કોણ ફેલાવી રહ્યું છે. દુકાનમાં એકસાથે દસ-પંદર જણ નહીં પણ એકલ-દોકલ લોકો જ આવે છે અને એ પણ અમે કોરોનાના નિયમોનું ધ્યાન રાખીને તેમને આવવા દઈએ છીએ. અત્યારે ઝવેરીઓના તમામ વ્યવહાર અટકી ગયા હોવાથી તેઓ ટેન્શનમાં આવી ગયા છે.
મહારાષ્ટ્ર સરકારે કોરોનાના કેસ એકસાથે મોટી સંખ્યામાં સામે આવતાં મિની લૉકડાઉનની ઘોષણા કરીને પૂરું લૉકડાઉન કરી નાખ્યું છે જેમાં દુકાનો બંધ થવાથી વેપારીઓ ભારે પરેશાનીમાં મુકાયા છે. લૉકડાઉન થવાથી એક મહિના સુધી આવશ્યક સેવા વગર કોઈ દુકાનો ખુલ્લી ન રાખવાનો સરકારે આદેશ આપ્યા બાદ પોલીસ અને પ્રશાસને દુકાનદારો પર કડક કાર્યવાહી કરીને તેમને દુકાન બંધ કરવા માટે મજબૂર કર્યા છે ત્યારે થાણેના જ્વેલર્સ અસોસિએશને હાલની સરકારનો વિરોધ કરતાં થાણેના સ્ટેશન રોડ પર પોતાની દુકાનોની બહાર શાકભાજી વેચીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એ સાથે તેમણે એવા નારા પણ લગાડ્યા હતા કે રોડ પરના ફેરિયાઓને સરકાર માલ વેચવાનું અલાઉડ કરે છે, પણ ટૅક્સ-પેયર વેપારીઓ માટે કડક પ્રતિબંધનો આદેશ આપે છે.
થાણે જ્વેલરી અસોસિએશનના પ્રમુખ કમલેશ ‌શિશિરમલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક રીતે જોવા જઈએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારની રાજનીતિમાં અમારા જેવા સામાન્ય વેપારીઓનો મરો થાય છે. થાણેના જ્વેલરીના ૭૦૦ જેટલા વેપારીઓ સરકારે આપેલા આદેશનો વિરોધ કરીને પોતાની દુકાનની બહાર શાકભાજી વેચીને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે હવે તેમની પાસે કોઈ વિકલ્પ જ નથી. સરકારે અમારા માટે કંઈ વિચારવું જોઈએ. નહીં તો અમે ખરેખર રસ્તા પર આવી જઈશું અને આ રીતે અમારે હંમેશ માટે શાકભાજી વેચવાં પડશે.’

 સરકારે અમારા માટે કંઈ વિચારવું જોઈએ. નહીં તો અમે ખરેખર રસ્તા પર આવી જઈશું અને આ રીતે અમારે હંમેશ માટે શાકભાજી વેચવાં પડશે. - કમલેશ શ્રીશ્રીમાલ, જ્વેલર

mumbai mumbai news mehul jethva