HSCમાં ટૉપ આવેલી જૈન યુવતી દીક્ષા લેશે

03 July, 2022 08:49 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ઉચ્ચ શિક્ષણ મેળવીને સમાજની સેવા કરવા કરતાં સંસાર ત્યાગીને પોતાની સાથે અનેક લોકોના આત્માનું કલ્યાણ કરવાના ભાવ ૨૬ વર્ષની યુવતીને આવતાં તેને દીક્ષાનું મુહૂર્ત આપવામાં આવ્યું

HSCમાં ટૉપ આવેલી જૈન યુવતી દીક્ષા લેશે

દાદા, પિતા અને કાકા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને મહારાષ્ટ્ર એચએસસી કૉર્મસમાં ૨૦૧૪માં ૯૪.૪૬ ટકા સાથે ટૉપ કરનારી ૨૬ વર્ષની પરેલમાં રહેતી જૈન યુવતીએ ખૂબ જ મુશ્કેલ ગણાતી ઍક્ચુરિયલ સાયન્સના પંદરમાંથી નવ પેપર સડસડાટ પાસ કરીને વિદેશમાં મોટા પૅકેજની જૉબ કરવાનું સપનું જોયું હતું. જોકે જૈન મહારાજસાહેબની એક શિબિરે તેનું મન બદલી નાખ્યું અને તેણે દીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. બે દિવસ પહેલાં મહારાજસાહેબે દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યા બાદ આ ખૂબ જ ટૅલન્ટેડ જૈન યુવતી આગામી ૩૦ નવેમ્બરે બૅન્ગલોરમાં દીક્ષા લેશે.
દાદરમાં આવેલા શ્રી લબ્ધિસૂરિ જ્ઞાન મંદિર જૈનસંઘમાં આચાર્ય શ્રી અભયશેખરસૂરિજી, આચાર્ય પુણ્યકીર્તિસૂરિજી, પંન્યાસ રાજરક્ષિતવિજયજી આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશ્રામાં ગુરુવારે પરેલમાં રહેતી સલોની દિલીપ જૈન-રામીનાને દીક્ષા મુહૂર્તનાં વધામણાં આપવામાં આવ્યાં હતાં.
પરેલમાં રહેતી ૨૬ વર્ષની સલોની દિલીપ જૈને ૨૦૧૪માં એચએસસી (કૉમર્સ)માં મહારાષ્ટ્રમાં ટૉપ કર્યું હતું. એ વખતે તે જે ક્લાસિસમાં ભણી હતી એ ક્લા​સિસવાળાઓએ દક્ષિણ મુંબઈમાં સલોનીના મોટો ફોટો બસ-સ્ટૉપ પર લગાવીને તેની સફળતા લોકો સુધી પહોંચાડી હતી. એચએસસી બાદ દક્ષિણ મુંબઈમાં જ આવેલી એચઆર કૉલેજમાં બીકૉમ ભણવાની સાથે સલોનીએ ખૂબ જ મુશ્કેલ ગણાતી ઍક્ચુરિયલ સાયન્સ પરીક્ષાનાં પંદર પેપરમાંથી નવ પરીક્ષા સડસડાટ પાસ કરી દીધી હતી. હવે તે માત્ર છ પેપર ક્લિયર કરે તો ખૂબ જ ઊંચા પૅકેજની જૉબ મેળવીને સોસાયટીની સેવા કરશે એવું સલોનીએ વિચાર્યું હતું.
જોકે ૨૦૧૭માં ગ્રૅજ્યુએટ થવાના એક વર્ષ પહેલાં તે સાત દિવસની શિબિરમાં ૩૦ જૈન સાધ્વીઓ સાથે રહેવા ગઈ હતી ત્યારે તેના જીવનમાં સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો હતો. સલોનીએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેમની પાસે કંઈ જ નથી એવાં આ સાધ્વીભગવંતો આટલાં ખુશખુશાલ છે તો જીવનની ઊંચાઈએ પહોંચ્યા બાદ પણ આપણે આટલા આનંદિત નથી રહી શકતા. તેમની આ ખુશીની પાછળનું રહસ્ય પૂજ્ય સાધ્વીજીએ સમજાવ્યા બાદ મેં આ માર્ગે જવાનો નિર્ણય લીધો હતો. મારા મનમાં હતું કે ઉચ્ચ શિક્ષણ મેળવીને હું સમાજની સેવા કરી શકીશ, પરંતુ એનાથી મારા આત્માને જે ઊંચાઈ કે માનવજીવનનો સંતોષ મળવો જોઈએ એ નહીં મળે. દીક્ષા લઈને લોકોને સાચો માર્ગ બતાવીને પણ હું સમાજની અને આત્માની સેવા કરી શકીશ એ વાત સમજાયા બાદ મેં આ રસ્તો અપનાવ્યો છે.’
આજના યુવાનોને મેસેજ આપતાં સલોનીએ કહ્યું હતું કે ‘આજે આપણે જોઈએ છીએ કે યુવાનો સહિત બધા જ લોકો આત્માને બાજુએ રાખીને નામ, ખ્યાતિ, સ્ટેટસ, ડિગ્રી અને આનંદ મેળવવા દોડી રહ્યા છે. જ્યારે જીવનનો અંત આવશે ત્યારે આપણે આ બધું છોડીને જતું રહેવું પડશે અને આપણી સાથે માત્ર આત્મા આવશે. આથી શા માટે આપણે આત્માના કલ્યાણ માટે સમય અને શક્તિનો ઉપયોગ કરીએ જેથી બાદમાં પસ્તાવું ન પડે.

ટર્નિંગ પૉઇન્ટ
સલોનીના પિતા દિલીપ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરીએ એચએસસીમાં રાજ્યમાં ટૉપ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ લેવાનો નિર્ણય લીધો હતો. જોકે તેના મનમાં પહેલેથી જ સાધુ-સાધ્વી ભગવંતો માટે ખૂબ જ ભાવ રહેતો. જ્યારે મોકો મળે ત્યારે તે તેમના સંપર્કમાં જવાનો પ્રયાસ કરતી. ૨૦૧૬માં શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયનાં સાધ્વીજી શ્રી પુણ્યનિધિશ્રીજી મ.સા.નાં પ્રશિષ્ય સાધ્વી શ્રી ગુર્વાજ્ઞાનિધિશ્રીજી મ.સા. સહિતનાં ૩૦ સાધ્વીજી મ.સા.ની શિબિરમાં સાત દિવસ ગઈ હતી. અહીં જ તેને સમજાઈ ગયું હતું કે ઉચ્ચ શિક્ષણ, ઊંચી પોસ્ટની જૉબ કરતાં સંસારત્યાગ જ તેનો સાચો માર્ગ છે. સલોનીએ દીક્ષાના ભાવની વાત અમને કરી હતી ત્યારે તે ખરેખર સંસાર ત્યાગીને રહી શકશે કે કેમ એ ચકાસવા માટે અનેક કસોટી લીધી હતી, જેમાં તે મક્કમ રહેતાં અમે તેને તેનો માર્ગ પસંદ કરવાની મંજૂરી આપી હતી.’
સલોની જૈનના પરિવારે ગુરુવારે આચાર્ય શ્રી અભયશેખરસૂરિજી મહારાજસાહેબને દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કરવા માટે વિનંતી કરી હતી. ત્યારે તેમણે ૩૦ નવેમ્બર ૨૦૨૨ના રોજ બૅન્ગલોર મુકામે દીક્ષા આપવાનું મુહૂર્ત આપ્યું હતું. આ સમયે આચાર્ય શ્રી અભયશેખરસૂરિજી મ.સા.એ કહ્યું હતું કે ‘કુમારી સલોનીની દીક્ષા લેવાની ભાવના પૂર્ણ થશે. ભગવાન મહાવીર ગ્રીન સિગ્નલ આપે ત્યારે જ દીક્ષાના ભાવ થાય છે. સંસાર ત્યાગ કર્યા બાદ જ મોક્ષ નજીક આવે છે, આત્માનું કલ્યાણ થાય છે.’

 સલોનીએ દીક્ષાના ભાવની વાત અમને કરી હતી ત્યારે તે ખરેખર સંસાર ત્યાગીને રહી શકશે કે કેમ એ ચકાસવા માટે અનેક કસોટી લીધી હતી, જેમાં તે મક્કમ રહેતાં અમે તેને તેનો માર્ગ પસંદ કરવાની મંજૂરી આપી હતી.
દિલીપ જૈન, સલોનીના પપ્પા

Mumbai mumbai news prakash bambhrolia