રાજ્યપાલના વિધાને રાજકીય અખાડામાં લાવી દીધો ગરમાટો

31 July, 2022 08:43 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મરાઠીઓના અપમાનના વિપક્ષોના આક્ષેપ વચ્ચે રાજ્યપાલ  ભગત સિંહ કોશ્યારીએ કરી સ્પષ્ટતા

શિવસેનાના પક્ષપ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે માતોશ્રીમાં ગવર્નર ભગત સિંહ કોશ્યારીના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કરવા માટે પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી. આશિષ રાજે

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શુક્રવારે અંધેરીમાં એક ચોકના નામકરણ અને ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ગુજરાતી અને રાજસ્થાની લોકોને મુંબઈ અને થાણેમાંથી હાંકી કાઢવામાં આવે તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે એવા આપેલા વિવાદાસ્પદ ભાષણે ગઈ કાલે રાજ્યભરમાં આગ લગાવી દીધી હતી. સત્તાધરી પક્ષ અને વિપક્ષો રાજ્યપાલના આવા નિવેદન પર તૂટી પડ્યા હતા. બીજેપીએ રાજ્યપાલના નિવેદન સાથે સહેમત ન હોવાની સ્પષ્ટતા કરી હતી, પરંતુ બીજેપીના નેતા રામ કદમ અને નીતેશ રાણેએ રાજ્યપાલના આખા ભાષણમાંથી માત્ર ગુજરાતી અને મારવાડીના તેમના શબ્દોને જ જાણી જોઈને કટ કરીને સોશ્યલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યા હોવાથી વિવાદ થયો હોવાનું જણાવ્યું હતું. હકીકતમાં રાજ્યપાલે મુંબઈના વિકાસમાં મરાઠીઓથી માંડીને સૌનો સહયોગ રહ્યો હોવાનું કહ્યું છે એટલે કોઈને એનો વિરોધ ન હોવો જોઈએ એમ તેમનું કહેવું છે.
અંધેરી-પશ્ચિમમાં જે. પી. રોડ પર શુક્રવારે સાંજે દાઉદ બાગ જંક્શન ખાતે ચોકના નામકરણ અને ઉદ્‌ઘાટનના કાર્યક્રમમાં સામેલ થયેલા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ચોકને સદ્‌ગત શાંતિદેવી ચંપાલાલજી કોઠારીનું નામ આપવામાં આવ્યું હતું એ વિશે ભાષણ કર્યું હતું. આ ભાષણની એક ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ રાજ્યભરમાં રાજ્યપાલ પર પસ્તાળ પડી હતી. આ ક્લિપમાં રાજ્યપાલ બોલતા સંભળાય છે કે ‘હું મહારાષ્ટ્રના લોકોને કહું છું કે મુંબઈ અને થાણેમાંથી ગુજરાતી અને રાજસ્થાની લોકોને કાઢી મૂકવામાં આવે તો તમારી પાસે રૂપિયા બચશે નહીં. મુંબઈ દેશની આર્થિક રાજધાની કહેવાય છે, પણ ગુજરાતી અને રાજસ્થાની લોકોને અહીંથી કાઢી મૂકવામાં આવે તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે.’
મરાઠીઓની મહેનતથી જ આર્થિક રાજધાની છે : શિંદે
હું રાજ્યપાલના નિવેદન સાથે સંમત નથી એમ જણાવીને એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘તેમનું આ ભાષણ વ્યક્તિગત છે. મુંબઈના વિકાસમાં મરાઠી માણસોનું યોગદાન કોઈ નકારી ન શકે. ૧૦૬ લોકોએ બલિદાન આપ્યા બાદ મુંબઈ મહારાષ્ટ્રને મળ્યું છે, જેમાં હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. મરાઠી માણસોને કારણે મુંબઈને પ્રતિષ્ઠા મળી છે. રાજ્યપાલ બંધારણીય પદ પર હોવાથી તેઓ રાજ્યની એક મુખ્ય વ્યક્તિ છે. તેથી તેમણે કોઈનું પણ અપમાન ન થાય એની કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને મુંબઈમાં રહેતા મરાઠી માણસોના યોગદાનનો કોઈ તિરસ્કાર કે અપમાન કરી શકે નહીં. બીજાં રાજ્યોમાંથી આવીને અહીં લોકો વ્યવસાય કરે છે, પણ મુંબઈના વિકાસ માટે તેમને જ શ્રેય આપી શકાય નહીં.’
રાજ્યપાલને કોલ્હાપુરના જોડા બતાવો : ઉદ્ધવ ઠાકરે
શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનની ટીકા કરતાં કહ્યું હતું કે ‘રાજ્યપાલે અગાઉ સાવિત્રીબાઈ ફુલેનું અપમાન કર્યું હતું. હવે મુંબઈ બાબતે આવું કહી રહ્યા છે. મહારાષ્ટ્રના નસીબમાં આવા લોકો શા માટે આવે છે? ભગત સિંહ કોશ્યારીએ માફી માગવી જોઈએ. મહારાષ્ટ્રમાં અનેક પર્યટનસ્થળો છે, ગઢ-કિલ્લા છે, પૈઠણી પણ છે. કોલ્હાપુરના જોડા પણ વિખ્યાત છે. હવે રાજ્યપાલના પદ પર બેસેલી વ્યક્તિને કોલ્હાપુરના જોડા દેખાડવાનો સમય આવ્યો છે. સામાન્ય માણસોએ મહેનત કરીને કોલ્હાપુરી જોડા કેવી રીતે વિખ્યાત કર્યા એ બતાવવા માટે તેમને જોડા દેખાડવા જોઈએ.’
... ત્યારે મરાઠી યાદ નથી આવતા : નીતેશ રાણે
રાજ્યપાલે જે કાર્યક્રમમાં ગુજરાતી અને રાજસ્થાનના લોકો વિશે કહ્યું હતું એમાં બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણે પણ હાજર હતા. તેમણે કહ્યું હતું કે ‘રાજ્યપાલે કોઈનું પણ અપમાન નથી કર્યું. તેમણે મુંબઈમાં જે-જે સમાજે યોગદાન આપ્યું છે એમને શ્રેય આપ્યું છે. રાજ્યપાલના નિવેદનનો વિરોધ કરી રહેલા લોકોએ કેટલા મરાઠી માણસોને શ્રીમંત કર્યા? કેટલા યુવાનોને બીએમસીના કૉન્ટ્રૅક્ટ આપ્યા? એ વખતે તમને શાહ અને અગરવાલ જોઈએ છે. એટલું જ નહીં, તમારા પક્ષપ્રમુખે પોતાના બધા રૂપિયા અને પ્રૉપર્ટી નંદકિશોર ચતુર્વેદીને આપ્યાં છે એ તમને ચાલે છે? ત્યારે મરાઠી માણસ યાદ નથી આવતો?’ 
મરાઠી માણસોને ભડકાવો નહીં : રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ રાજ્યપાલને પત્ર લખીને કહ્યું હતું કે ‘તમને મહારાષ્ટ્રના ઇતિહાસની ખબર ન હોય તો મહેરબાની કરીને ન બોલો. તમારા બોલવાથી રાજ્યની જનતાની ભાવના દુભાય છે. મહારાષ્ટ્રમાં મરાઠી માણસોએ અહીં જમીન સાચવી રાખી હોવાથી જ અન્ય રાજ્યોના લોકો અહીં વ્યવસાય કરવા આવે છેને? દેશના બીજા કોઈ ભાગમાં તેમને આવું વાતાવરણ મળશે? ચૂંટણીઓ માથા પર છે ત્યારે આવું બોલીને માહોલ બગાડવાનું ટાળો. તમે આવું કેમ બોલો છે એ અમે સારી રીતે સમજીએ છીએ. મરાઠી માણસોને ભડકાવો નહીં.’
દેશના વિકાસમાં મરાઠીઓનું સૌથી વધુ યોગદાન : ફડણવીસ
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘બીજેપી રાજ્યપાલના નિવેદન સાથે સહમત નથી. મહારાષ્ટ્રના વિકાસ માટે મરાઠી માણસોનું કામ સૌથી મોટું છે. ઉદ્યોગ ક્ષેત્રમાં પણ મરાઠી માણસોની પ્રગતિ દેખાઈ આવે છે. તેમનું દુનિયાભરમાં સન્માન થાય છે. જુદા-જુદા સમાજનું યોગદાન નકારી ન શકાય; પણ મહારાષ્ટ્રના ઘડતરમાં મરાઠી ઉદ્યોગપતિઓ, મરાઠી સાહિત્યકારો, મરાઠીનાં જુદાં-જુદાં ક્ષેત્રોના લોકોનો સહયોગ વધુ છે. કોઈ સમાજના કાર્યક્રમમાં જઈએ ત્યારે અતિશયોક્તિ અલંકાર વાપરવામાં આવે છે. રાજ્યપાલના મનમાં મરાઠી માણસો માટે શ્રદ્ધા છે. તેમને ખ્યાલ છે કે આ દેશના વિકાસમાં મરાઠી માણસોનું યોગદાન સૌથી વધુ રહ્યું છે. રાજ્યપાલ આ બાબતે ખુલાસો કરશે, પણ અમે અમારી ભૂમિકા સ્પષ્ટ કરી છે.’

મુંબઈના વિકાસમાં મરાઠીઓનું સૌથી મોટું યોગદાન : રાજ્યપાલ કોશ્યારીની સ્પષ્ટતા
ગુજરાતી અને રાજસ્થાનીઓ બાબતના નિવેદનથી રાજ્યમાં ભારે હંગામો મચી ગયા બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સ્પષ્ટતા કરી હતી કે ‘મુંબઈ અને મહારાષ્ટ્ર પર મને ખૂબ ગર્વ છે. આ શહેર દેશની આર્થિક રાજધાની છે. મને ગર્વ છે કે હું એક રાજ્યપાલના રૂપમાં છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠી લોકોની આ ભૂમિ પર સેવા કરવાનો મોકો મળ્યો છે. આ જ કારણસર મેં ખૂબ ઓછા સમયમાં મરાઠી ભાષા શીખવાનો પ્રયાસ કર્યો. મેં રાજસ્થાન સમાજના કાર્યક્રમમાં કરેલા ભાષણમાં મરાઠી લોકોની અવહેલના કરવાનો મારો કોઈ ઇરાદો નહોતો. મેં ગુજરાતી અને રાજસ્થાની મંડળોએ વેપારમાં આપેલા સહયોગની વાત કરી હતી. મરાઠીઓએ મહેનત કરીને મહારાષ્ટ્રનું નિર્માણ કર્યું છે. આ જ કારણસર આજે અનેક મરાઠી ઉદ્યોગપતિઓ પ્રસિદ્ધ છે. તેઓ માત્ર મુંબઈ, મહારાષ્ટ્ર કે ભારત જ નહીં દુનિયાના અનેક દેશોમાં સફળતાનો ઝંડો ફરકાવી રહ્યા છે. આથી મરાઠી લોકોના યોગદાનને ઓછું આંકવાનો સવાલ જ નથી. જોકે હંમેશની જેમ મારા નિવેદનને મારી-મચડીને પેશ કરવામાં આવ્યું છે. રાજ્ય અને મુંબઈના વિકાસમાં મરાઠીઓની મહેનતનું સૌથી વધુ યોગદાન છે. છેલ્લા કેટલાક સમયથી રાજનૈતિક ચશ્માંના માધ્યામથી બધું જોવાની દૃષ્ટિ વિકસી છે જે આપણે બદલવી પડશે. એક સમાજની પ્રશંસા કરવાથી બીજા સમાજનું અપમાન નથી થતું. રાજકીય પક્ષોએ આ બાબતે કારણ વગર વિવાદ ઊભો ન કરવો જોઈએ. હું ક્યારેય મરાઠીઓનું અપમાન નહીં કરું.’ 

Mumbai mumbai news maharashtra prakash bambhrolia