મૅરેજની મજા બની શકે સજા

25 November, 2021 08:40 AM IST  |  Mumbai | Mehul Jethva

કોરોના કન્ટ્રોલમાં છે ત્યારે ઘણાં મૅરેજમાં પરમિશન કરતાં વધુ લોકો જોવા મળી રહ્યા છે એટલે એના પર નજર રાખવા બીએમસીએ લગ્નનાં સ્થળો અને પાર્ટીના પ્લૉટ પર નજર રાખવા સ્પેશ્યલ ટીમ તૈયાર કરી છે જે પોલીસની સાથે મળીને કાર્યવાહી કરશે

મૅરેજની મજા બની શકે સજા

મહારાષ્ટ્રની સાથે-સાથે મુંબઈમાં પણ કોરોનાની સ્થિતિ કન્ટ્રોલમાં જોવા મળી રહી છે. જોકે અત્યારે ચાલી રહેલા લગનગાળા દરમ્યાન લગ્નમાં પરવાનગી આપવામાં આવી છે એનાથી વધારે લોકો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત લગ્નની અને અન્ય પાર્ટીમાં પણ ક્ષમતા કરતાં વધુ લોકો જોવા મળી રહ્યા છે. એનાથી આવનારા દિવસોમાં કોરોનાના કેસ વધવાનું સંકટ ઊભું થઈ શકે છે. એ જોતાં મુંબઈ સુધરાઈએ લગ્નનાં સ્થળો અને પાર્ટીના પ્લૉટ પર નજર રાખવા માટે વિશેષ ટીમ તૈયાર કરી છે જે પોલીસની સાથે મળીને કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરશે.
મુંબઈમાં છેલ્લા બે મહિનાથી કોરોનાની સ્થિતિ કન્ટ્રોલમાં જોવા મળી છે. એની સાથે મૃત્યુનો આંક પણ ઓછો થતો જોવા મળ્યો છે. તહેવારો પછી કોરોનાની ત્રીજી લહેર આવવાની આંશકા હતી. જોકે હાલમાં સ્થિતિ કન્ટ્રોલમાં જોવા મળી રહી છે. મુંબઈમાં છેલ્લા દોઢ વર્ષેમાં કોરોનાને કારણે લગ્ન-સમારંભો પર બ્રેક લાગી ગઈ હતી, પણ હાલમાં રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવતાં નવેમ્બર અને ડિસેમ્બરમાં મોટા પ્રમાણમાં લગ્નોનું આયોજન કરવામાં આવ્યું છે. બૅન્ક્વેટ હૉલમાં યોજાતાં કેટલાંક લગ્નમાં ક્ષમતા કરતાં ૫૦ ટકા ઓછા તો નહીં, પણ ૨૫થી ૩૦ ટકા વધુ લોકો ભાગ લેતા હોય છે. સુધરાઈની દરેક વૉર્ડમાં બે સ્ક્વૉડ કાર્યરત હશે જે પોતાના વિસ્તારમાં થતા લગ્ન સહિતના કાર્યક્રમો પર ધ્યાન રાખશે. જો કોઈ પ્રોગ્રામમાં કૅપેસિટી કરતાં વધુ લોકો જોવા મળશે તો આયોજક અને બૅન્ક્વેટ હૉલના ઓનર વિરુદ્ધ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં કોરોનાના કેસ વધે નહીં એ હેતુથી અમે દરેક વૉર્ડમાં બે ટીમ તૈયાર કરી છે. આ ટીમ પોતાના વિસ્તારમાં આવતા બૅન્ક્વેટ હૉલ અને ઓપન ગ્રાઉન્ડ ઉપરાંત મોટી હોટેલોમાં થતી પ્રાઇવેટ પાર્ટીઓ પર ધ્યાન આપશે. જો કોઈએ કોરોનાના નિયમોનું પાલન નહીં કર્યું હોય તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમે મુંબઈ પોલીસને પણ આ વિશે જાણ કરી છે. અમારા અધિકારીઓ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરશે.’

Mumbai mumbai news mehul jethva