20 July, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્લડ ડોનેટ કરી રહેલા બ્લડ-ડોનરો સાથે દેઢિયા પરિવાર.
સમાજસેવામાં હંમેશાં અગ્રેસર રહેલા ૫૩ વર્ષના કચ્છી વીસા ઓસવાળ જૈન રાજીવ દેઢિયાના અવસાન બાદ તેમના પરિવારે તેમની અંતિમ ઇચ્છા મુજબ દેહદાન કર્યા પછી ગઈ કાલે તેમના પરંપરાગત બારમું રાખવાને બદલે થાણે-વેસ્ટના લોઢા સ્ટર્લિંગ અપાર્ટમેન્ટના હૉલમાં રક્તદાન શિબિર યોજીને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એમાં પરિવારના સભ્યો અને સ્વજનોએ ૪૮ બૉટલ બ્લડ ડોનેટ કર્યું હતું. દેઢિયા પરિવારે આ બ્લડ ડોનેશન શિબિર ૫૪મા ઍન્કરવાળા રક્તદાન અભિયાન અંતર્ગત કચ્છ યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી યોજી હતી.
આ બાબતની માહિતી આપતાં રાજીવ દેઢિયાના પુત્ર અપૂર્વ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પા ઘણાં વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહ્યા હતા. તેમના જીવનની જેમ જ અમે પણ બારમું રાખવાને બદલે રક્તદાન શિબિર યોજીને સમાજમાં સેવા, સંવેદના અને માનવતાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ પહેલાં પપ્પાના મૃત્યુ બાદ અમે પપ્પાની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમનું દેહદાન કર્યું હતું.’