ફોર્ટની ભાનુશાળી બિલ્ડિંગના ૨૧ અસરગ્રસ્ત પરિવારોની હાલત કફોડી

10 September, 2020 01:01 PM IST  |  Mumbai | Mehul Jethva

ફોર્ટની ભાનુશાળી બિલ્ડિંગના ૨૧ અસરગ્રસ્ત પરિવારોની હાલત કફોડી

ફાઇલ ફોટો

ફોર્ટ વિસ્તારમાં મિન્ટ રોડ પર આવેલી ભાનુશાળી બિલ્ડિંગ ૧૬ જુલાઈના ધસી પડ્યું હતું. આ ઘટનાને દોઢ મહિનાથી વધુ સમય થઈ જવા આવ્યો છે પણ અહીંના ૨૧ પરિવારોને હાલમાં ભાડા પર રહી પોતાનું ગુજરાન ચલાવવું પડી રહ્યું છે. સરકાર તરફથી તેઓને તાડદેવ સ્થિત મ્હાડાની બિલ્ડિગમાં રહેઠાણ માટે જગ્યાની ચાવીઓ આપવામાં આવી હતી પણ એ બિલ્ડિગમાં ન તો પાણી આવે છે કે ન તો લાઇટની સુવિધા છે. બિલ્ડિગના એક રહેવાસીએ જણાવ્યું હતું કે હાલમાં અમે બેઘર અને ઉપરથી આ રોગચાળો - અમારામાંના ૬થી વધુ જણ મલેરિયા અને અન્ય બીમારી સામે લડી રહ્યા છે.
ભાનુશાળી બિલ્ડિગ ૧૬ જુલાઈના બપોરે તૂટી પડ્યું હતું. જેમાં કેટલાક કાટમાળ નીચે ફસાઈ ગયા હતા અને ૧૦ જણ મૃત્યુ પણ પામ્યા હતા. આ ઘટના બાદ અનેક પરિવાર અસ્તવ્યસ્ત થઈ ગયા છે. સરકાર તરફથી તેઓને ૨૧ ઑગસ્ટના રોજ તાડદેવ સ્થિત ચીકલવાડીમાં આવેલી મ્હાડાની બિલ્ડિંગ નંબર ૯માં આવેલાં ઘરોની ચાવી આપવામાં આવી હતી, પણ ત્યાં રહેવા જતા ખબર પડી કે આ સોસાયટીઓની ઓસી જ આવી નથી.
ભાનુશાળી સોસાયટીના સદસ્ય મનીષ શાહ સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે અમને રૂમોની ચાવી તો આપવામાં આવી પણ એ જગ્યાએ પાણી, લાઇટનો અભાવ છે. તો કઈ રીતે એમાં રહી શકાય. અન્ય એક સદસ્ય હરીશ ચાવડા સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે અમે છેલ્લા ૧૫ દિવસથી મ્હાડા પાસે બાજુમાં આવેલી ૧૦ નંબરની બિલ્ડિગમાં રહેવા માટે જગ્યા આપો એવી માગણી કરી રહ્યા છે, પણ તેમના તરફથી અમને કોઈ યોગ્ય જવાબ મળી રહ્યો નથી.
મહારાષ્ટ્ર હાઉસિંગ અને એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (રિપેર બોર્ડ)ના અધ્યક્ષ વિનોદ ઘોસલકર સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે અમે તેઓની સમસ્યા સમજી તેઓને જલદી બીજાં ઘર મળે એ બાબત પ્રયાસ કરી રહ્યા છે. જલદી જ તેઓની સમસ્યા દૂર થઈ જશે.

mehul jethva fort mumbai mumbai news