મુલુંડ-ભાંડુપની સ્મશાનભૂમિમાં ચીમની બંધ છે એટલે

14 June, 2020 08:38 AM IST  |  Mumbai Desk | Mehul Jethva

મુલુંડ-ભાંડુપની સ્મશાનભૂમિમાં ચીમની બંધ છે એટલે

સ્મશાન ભૂમિ

મુલુંડની સ્મશાનભૂમિમાં છેલ્લા પચીસ દિવસથી ચીમની બંધ છે એથી મુલુંડથી ડેડ બૉડી ભાંડુપ લઈ જવાતી હતી, પણ કોરોનાને કારણે મરણાંક વધવાની સાથે ભાંડુપની સ્મશાનભૂમિની ચીમની પણ બે દિવસથી બંધ થઈ ગઈ છે એને કારણે હવે ઈસ્ટર્ન સબર્બ્સમાં અંતિમ સંસ્કાર માટે ઘાટકોપરમાં રાજાવાડી પાસેની સ્મશાનભૂમિમાં લાઇન લાગે છે.
મુલુંડની સ્મશાનભૂમિના સંજય દુબેએ જણાવ્યું કે ‘છેલ્લા કેટલાક સમયથી ચીમનીના રિપેરિંગ માટે અમે મેકૅનિક શોધી રહ્યા હતા. અચાનક આ કોરોના મહામારી વચ્ચે આના પર લોડ આવતાં ચીમની ખરાબ થઈ ગઈ છે. જે ચીમની સ્મશાનમાં છે એ ૨૫ વર્ષ જૂની છે અને એના રિપેરિંગ માટે થોડી પરેશાની થઈ રહી છે.’
ભાંડુપની સ્મશાનભૂમિના બચુભાઈ ગાલાએ જણાવ્યુ કે ‘મુલુંડ અને થોડા સમય સુધી ઘાટકોપરની ચીમની બંધ થતાં છેલ્લા ૧૮ દિવસમાં ભાંડુપ સ્મશાનભૂમિમાં ૧૩૦ ડેડ બૉડી લાવવામાં આવી હતી. અમારી અહીંની ચીમની ૧૨ વર્ષ જૂની છે અને એની એટલી ક્ષમતા નથી એટલે એ પણ ખરાબ થઈ ગઈ છે. જોકે અમે એનું રિપેરિંગ શરૂ કરાવ્યું છે અને એક-બે દિવસમાં ચાલુ થઈ જશે.’
ડેપ્યુટી ચીફ એન્જિનિયર અનિલ મોહિતેએ જણાવ્યું કે ‘મુલુંડ અને ભાંડુપમાં આવેલી સ્મશાનભૂમિ પ્રાઇવેટ ટ્રસ્ટ પાસે છે. હાલમાં તેઓએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે એને રિપેર કરવા અમારી પાસે ફન્ડ નથી. એ માટે પાલિકાના કમિશનરે એ માટે ટેન્ડર બહાર પાડ્યું છે, પણ કોરોનાને લીધે આને માટેના કારીગર નથી મળતા એટલે એ કામ થોડું લેટ થઈ રહ્યું છે.’
દરમ્યાન સંસદસભ્ય મનોજ કોટકે જણાવ્યું કે ‘બીએમસી આ બાબતે યોગ્ય રીતે મૅનેજમેન્ટ નથી કરી રહી એટલે આવા પ્રૉબ્લેમ થઈ રહ્યા છે. એ ઉપરાંત પાલિકાએ આ ચીમની રિપેર કરવા માટે જે લોકોને ટેન્ડર આપ્યાં છે એ લોકો પાસે માણસોની અછત છે. આ સ્મશાનની ચીમનીની ક્ષમતા ૭થી ૮ ડેડ બૉડીની છે, પણ એક બાજુ બંધ અને એક બાજુ ચાલુ રહેતી સ્મશાનભૂમિને લીધે એના પર લોડ વધે છે. આ મશીનમાં ૧૫થી ૧૭ ડેડ બૉડી બાળવામાં આવે છે એને લીધે એ પણ ખરાબ થઈ જાય છે. પાલિકા યોગ્ય રીતે આનું મૅનેજમેન્ટ કરશે તો બધું બરાબર થઈ જશે.’

બીએમસી આ બાબતે યોગ્ય રીતે મૅનેજમેન્ટ નથી કરી રહી એટલે આવા પ્રૉબ્લેમ થઈ રહ્યા છે. એ ઉપરાંત પાલિકાએ ચીમની રિપેર કરવા માટે જે લોકોને ટેન્ડર આપ્યાં છે તેઓ પાસે માણસોની અછત છે. - સંસદસભ્ય મનોજ કોટક

mehul jethva mulund bhandup ghatkopar mumbai mumbai news