ઘાટકોપરમાં ૨૭ વર્ષ જૂના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનાં પગથિયાં નોટિસ આપ્યા વગર તોડી પાડ્યાં BMCએ

29 July, 2026 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્થાનિક નાગરિકોની ફરિયાદ પછી સોમવારે ભટવાડી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનાં પગથિયાં તોડી પાડવામાં આવ્યાં હતાં (ડાબે), જ્યારે શ્રી અજાહરા પાર્શ્વનાથ દેરાસરનો આગળનો ભાગ રોડકટિંગ માટે તોડી પાડવામાં આવ્યો છે.

ઘાટકોપર-વેસ્ટના ભટવાડી વિસ્તારમાં સોમવારે બપોરે BMCના N વૉર્ડના મેઇન્ટેનન્સ વિભાગ દ્વારા ગેરકાયદે હોવાનો દાવો કરીને પંદરથી વધુ શાકભાજીના સ્ટૉલ અને પાંચ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. જોકે આ કાર્યવાહી દરમ્યાન કોઈ પણ નોટિસ આપ્યા વગર શ્રી કચ્છી વીસા ઓસવાળ અચલગચ્છ જૈન સંઘ દ્વારા સંચાલિત ૨૭ વર્ષ જૂના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનાં પગથિયાં પણ તોડી પાડવામાં આવ્યાં હતા, જેને કારણે ગઈ કાલે ચાતુર્માસના પહેલા જ દિવસે શ્રદ્ધાળુઓ માટે દેરાસરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે BMCની આ કાર્યવાહી બાદ ભક્તો તો દેરાસરમાં જઈ શક્યા નહોતા, પરંતુ દેરાસર નજીકના ગેરકાયદે સ્ટૉલ ગઈ કાલ સવારથી પહેલાંની જેમ જ ધમધમવા લાગ્યા હતા. હિન્દુ-જૈન મંદિરો વિરુદ્ધ થયેલી આ પ્રકારની ભેદભાવપૂર્ણ કાર્યવાહી સામે જિનાલયના ટ્રસ્ટીઓ અને શ્રદ્ધાળુઓએ BMCના અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

શું કહેવું છે જિનાલયના પ્રમુખનું? 
અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ કલ્પેશ નાગડાએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘મંગળવારે BMCના અધિકારીઓ ભટવાડી વિસ્તારમાં અન્ય જગ્યાઓએ કાર્યવાહી કરવા આવ્યા હતા. એ દરમ્યાન બપોરે દોઢથી બે વાગ્યાની વચ્ચે તેઓ કોઈ નોટિસ આપ્યા વગર કે જાણ કર્યા વગર જ અમારા જિનાલયે આવી પહોંચ્યા હતા અને પ્રવેશ કરવાનાં મુખ્ય પગથિયાં JCB મશીનની મદદથી તોડી પાડવાની શરૂઆત કરી દીધી હતી. અમે ત્યાં પહોંચીને કારણ પૂછીએ એ પહેલાં તેમણે દાદરા તોડી પાડ્યા હતા, જેને કારણે ગઈ કાલે ચાતુર્માસના પહેલા જ દિવસે શ્રદ્ધાળુઓ જિનાલયમાં દર્શન માટે આવી શક્યા નહોતા. BMCના અધિકારીઓની આ કાર્યવાહી સામે અમારું માત્ર એટલું જ કહેવું છે કે જો તેમણે પહેલાં નોટિસ આપી હોત તો અમે કોઈ યોગ્ય રસ્તો કાઢી શક્યા હોત અથવા ચોમાસા પૂરતી રાહત આપવાની અપીલ કરી શક્યા હોત. સોમવાર સાંજથી જ આ વિસ્તારના રસ્તાઓ પર પહેલાં જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી ત્યારે ‘માત્ર જૈન અને હિન્દુ ધાર્મિક સ્થળો પર જ આવી ભેદભાવપૂર્ણ કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે?’ એવો પ્રશ્ન ઊભો થાય છે. આ બાબતે માઇનોરિટી કમિશનર પાસે રજૂઆત કરવામાં આવશે અને આગળ BMC સાથે કઈ રીતે રજૂઆત કરવી એ માટે લીગલ ટીમ પાસેથી સલાહ લઈને આગળની તૈયારીઓ ચાલી રહી છે.’

શું કહેવું છે BMCનું? 
BMCના N વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર મારુતિ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્થાનિક નાગરિકોની ફરિયાદ પછી સોમવારે ભટવાડી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ફુટપાથ અને રસ્તા પર આવતાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં છે. વાત રહી દેરાસરની તો ભટવાડીમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનાં પગથિયાં ફુટપાથ પર હોવાથી એને નોટિસ આપ્યા વગર તોડી પાડવામાં આવ્યાં છે, જ્યારે ભટવાડીમાં આવેલા શ્રી અજાહરા પાર્શ્વનાથ દેરાસરનો અમુક ભાગ રોડકટિંગ માટે તોડવામાં આવ્યો છે જેની પહેલાં અમે તેમને નોટિસ આપી હતી. આ તમામ કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવી છે.’

mumbai news mumbai ghatkopar jain community religious places brihanmumbai municipal corporation