કોરોનાના સતત વધતા કે​સને કારણે APMC માર્કેટ બંધ,પણ પૅનિક થવાની જરૂર નથી

09 May, 2020 08:13 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

કોરોનાના સતત વધતા કે​સને કારણે APMC માર્કેટ બંધ,પણ પૅનિક થવાની જરૂર નથી

એપીએમસીની પાંચેપાંચ મુખ્ય બજારો દાણાબંદર, મસાલા માર્કેટ, શાકભાજી, ફ્રૂટ માર્કેટ અને કાંદા-બટાટા માર્કેટ એક અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય બેઠકમાં લેવાયો છે. - ભીમજી ભાનુશાળી, ગ્રોમાના સેક્રેટરી

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં કોરોનાના સંખ્યાબંધ કેસ નોંધાતાં હવે સોમવાર ૧૧ મેથી શનિવાર ૧૫ મે સુધી એક અઠવાડિયું માર્કેટ બંધ રાખવાનો નિર્ણય એપીએમસી મૅનેજમેન્ટે ગઈ કાલે મળેલી બેઠકમાં લીધો હતો. જોકે આ બંધ દરમિયાન લોકોએ ગભરાવાની જરૂર નથી. મુંબઈગરાને આ સમય દરમિયાન પણ પૂરતું અનાજ, કરિયાણું અને અન્ય જીવનજરૂરિયાતની ચીજો મળતી રહે એ માટે શનિવાર અને રવિવાર દરમ્યાન શક્ય એટલો માલ મુંબઈના દુકાનદારોને મોકલવાનું નક્કી થયું છે, પણ બહારની કોઈ પણ ગાડીને અંદર લઈને એ અનલોડ નહીં કરાય.
મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અનોપ કુમાર, એપીએમસીના સચિવ અનિલ ચવાણ, એપીએમસી ગ્રોમાના ડિરેક્ટર નીલેશ વીરા, માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલ સહિત આ બેઠકમાં ૪૦૦થી ૪૫૦ જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા. આમાં એપીએમસીની તમામ માર્કેટ અઠવાડિયું બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે ત્યાર બાદ આ માર્કેટો ખોલવી કે નહીં એનો નિર્ણય ૧૫ મેએ લેવાશે. આ અઠવાડિયા દરમિયાન માર્કેટમાં કોરોનાને લગતું સૅનિટાઇઝિંગનું કામ હાથ ધરાશે. ગલીઓ, ગાળાઓ રસ્તા બધાને જ સૅનિટાઇઝ કરવામાં આવશે.
મસાલા માર્કેટ અને દાણાબંદરમાં વેપારી અને કર્મચારીઓમાં કોરોનાના કેસ વધવા માંડતાં લોકોમાં ભય ફેલાઈ ગયો છે. છેલ્લા ૩ દિવસથી ૯૦ ટકા કરતાં વધુ દુકાનો બંધ જ રહી હતી. જાનના જોખમે વેપારીઓ ધંધો કરવા માગતા નથી. એ જ પ્રમાણે શાકભાજી માર્કેટમાં પણ રોજના અંદાજે ૧૦,૦૦૦ લોકોની અવરજવર હતી જેમાં વેપારીઓ, હોલસેલરો, રીટેલરો, દલાલભાઈ, ટ્રાન્સ્પોર્ટરોનો સમાવેશ થતો હતો. અનેક કાળજી રાખવા છતાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું અઘરું પડી રહ્યું હતું અને ભીડ થતી હતી, જેના કારણે કોરોના ફેલાવાનું જોખમ હતું.
શરૂઆતમાં અનાજ-કરિયાણું અને શાકભાજી-ફળ વગેરે જીવનજરૂરિયાતની વસ્તુઓમાં સ્થાન પામતાં હોવાથી માર્કેટમાં સાવચેતીનાં પગલાં લઈ માર્કેટ ચાલુ રાખવામાં આવી હતી જેમાં માસ્ક પહેરવા, સૅનિટાઇઝર રાખવાં, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું જેવાં પગલાં લેવાતાં હતાં, પણ એમ છતાં રોજેરાજ આવતા વેપારી, કર્મચારી વર્ગ, દલાલભાઈ અને ગ્રાહકોની ઉપરાંત માથાડી કામગારો અને ટ્રકના ડ્રાઇવર-ક્લીનરની સંખ્યા જોતાં કોરોનાનો ફેલાવો થયો હતો. દાણાબંદરના વેપારીઓ, મસાલા માર્કેટના વેપારીઓ, દલાલો અને શાકભાજી માર્કેટના સિક્યૉરિટી સ્ટાફને પણ ચેપ લાગ્યો હતો. એથી માર્કેટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

apmc market mumbai mumbai news coronavirus covid19