વૅક્સિન વગર જ વૅક્સિનેટેડ

03 January, 2022 11:35 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કોવિડની વૅક્સિનના ૧૪૫ કરોડ ડોઝ ભારતે પૂરા કર્યા હોવા છતાં એની પ્રક્રિયામાં હજી લોચો : થાણેની કચ્છી મહિલાએ પહેલો ડોઝ કચ્છમાં લીધા બાદ બીજા ડોઝ ન લીધો હોવા છતાં એ લીધો હોવાનું સર્ટિફિકેટ મળ્યું

હર્ષદ નાકરની પત્ની રિયાને વૅક્સિન લીધા વગર જ મળી ગયું બીજા ડોઝનું સર્ટિફિકેટ

ભારતે કોવિડ વૅક્સિનના ૧૪૫ કરોડ ડોઝ નાગરિકોને સૌથી ઝડપથી અને ઓછા સમયમાં આપીને ઇતિહાસ રચ્યો છે. જોકે વૅક્સિનની પ્રક્રિયામાં અનેક પ્રકારના લોચા થતા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવા લોચા થયા બાદ એનો ઉકેલ લાવવા માટે પણ લોકોએ અનેક ઠેકાણે ધક્કા ખાવા પડતા હોય છે. થાણેનાં એક કચ્છી મહિલા સાથે આવો બનાવ બન્યો છે. વૅક્સિન વિશે કોઈ પણ પ્રકારની પૂછપરછ ન કરવા છતાં અચાનક જ ઘરમાં બેઠાં હતાં ત્યારે મોબાઇલમાં તેમણે બીજો ડોઝ લઈ લીધો હોવાનું સર્ટિફિકેટ મળતાં તેઓ ચિંતામાં મુકાઈ ગયાં છે.
થાણે-વેસ્ટમાં આવેલા શાંતિનગરમાં રહેતા હર્ષદ નાકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી પત્ની રિયાની મમ્મીનું ઘર કચ્છના અંજાર ગામમાં હોવાથી તે ત્યાં જતી હોય છે. મારી પત્નીએ પણ કચ્છમાં જ વૅક્સિન લીધી હતી. અમે બધા મુંબઈ આવી ગયા હોવાથી અમે બીજો ડોઝ અહીં મુંબઈમાં જ લીધો હતો. નાતાલનું વેકેશન હોવાથી મારી પત્ની તેની મમ્મીને ત્યાં કચ્છમાં ગઈ છે. તેની વૅક્સિનની ડ્યુ-ડેટ ૨૯ ડિસેમ્બર હતી અને મારો મોબાઇલ રજિસ્ટર કરાવ્યો હોવાથી અચાનક એમાં એ દિવસે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ એસએમએસ આવ્યો કે તમારો બીજો ડોઝ સસેક્સફુલી લેવાઈ ગયો છે. સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા આપેલી લિન્ક પર ક્લિક કરવાનું લખ્યું હતું. એથી મેં તરત મારી પત્નીને ફોન કર્યો કે તેં વૅક્સિન લઈ લીધી તો પણ મને જાણ કરી રહી નથી. ત્યારે રિયાએ મને કહ્યું કે હું તો ઘરે છું. મેં કોઈ વૅક્સિન લીધી નથી અને એ વિશે મને ખબર પણ નથી.’
હર્ષદ નાકરે કહ્યું હતું કે ‘મારી પત્નીની વાત સાંભળીને મને નવાઈ લાગી હતી. રિયાએ મને લિન્ક પર જઈને સર્ટિફિકેટ વિશે તપાસ કરવા કહ્યું હતું. એથી મેં લિન્ક પર તપાસ કરી અને જોયું તો રિયાના નામનું સર્ટિફિકેટ હતું. એમાં બધા જ પ્રકારની માહિતી સાથે કોણે વૅક્સિન આપી એ નર્સનું નામ સુધ્ધાં લખ્યું છે. મેં કચ્છના હેલ્પલાઇન-નંબર પર ફોન કરીને પૂછ્યું તો ત્યાંથી જવાબ અપાયો કે વૅક્સિનના ડોઝની તારીખ ડ્યુ થાય તો આવો મેસેજ ઑટોમૅટિક આવે છે. આ વાતની તપાસ મેં મુંબઈમાં કરી, પણ આવું કંઈ ન હોવાનું મને જાણવા મળ્યું હતું. ફરી ત્યાં ફોન કરતાં કોઈ યોગ્ય જવાબ મળ્યો નહીં અને મારા ફોનની અવગણના કરવામાં આવી હતી. વૅક્સિનના લોચા સામે ગંભીરતા દેખાડવામાં આવતી નથી એ અમારા જેવા સામાન્ય નાગરિક માટે ખૂબ નવાઈની વાત છે. હવે શું કરવું એ અમારા માટે પ્રશ્ન બની ગયો છે.’

coronavirus covid19 mumbai mumbai news kutch preeti khuman-thakur covid vaccine vaccination drive