મુંબઈ : ફ્લાયઓવર પરના ખાડાએ લઈ લીધો યુવાનનો જીવ?

05 October, 2020 10:03 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : ફ્લાયઓવર પરના ખાડાએ લઈ લીધો યુવાનનો જીવ?

કારમાં જઈ રહેલા યુવાન પર ફ્લાયઓવર પરથી મોત ત્રાટક્યું.

થાણેમાં ઘોડબંદર રોડ પર સૂરજ વૉટર પાર્ક પાસે વાઘબીળ ફ્લાયઓવર પર શનિવારે રાત્રે થયેલા એક વિચિત્ર અકસ્માતમાં કારમાં જઈ રહેલા ૩૮ વર્ષના એક યુવકનું મૃત્યુ થયું હતું. બ્રિજ પરથી જઈ રહેલી ટ્રકનો સામાન નીચે જઈ રહેલી કારની ઉપર પડતાં એ દબાઈ ગઈ હતી. આ બનાવમાં કારમાં બેઠેલી બીજી એક વ્યક્તિને પણ ગંભીર અસર પહોંચી હતી. ફ્લાયઓવર પર પડી ગયેલા મોટા ખાડાઓને લીધે અકસ્માત થવાની શક્યતા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી હોવા છતાં પ્રશાસનની બેદરકારીથી આ બનાવ બન્યો હોવાનો આરોપ કરાઈ રહ્યો છે.

પોલીસે જણાવ્યા મુજબ વાઘબીળ ફ્લાયઓવર પરથી જઈ રહેલી સામાન ભરેલી એક ટ્રક અચાનક ડાબી બાજુએ ઝૂકી જતાં સામાન ફ્લાયઓવરની નીચેના રસ્તા પર જઈ રહેલી એક કારની ઉપર પડ્યો હતો. કાર દબાઈ જવાથી એમાં બેઠેલા દીપક કવાનડે અને પ્રશાંત દેવરકોંડા ગંભીર રીતે ઈજા પામ્યા હતા. તેમને કારના દરવાજા કાપીને બહાર કઢાયા હતા. જોકે બાદમાં દીપકનું મૃત્યુ થયું હતું, જ્યારે પ્રશાંતની સારવાર ચાલી રહી છે. આ બનાવમાં ટ્રક-ડ્રાઇવરની ધરપકડ થઈ હતી.

રાત્રે ૧૦ વાગ્યે બનેલી આ ઘટના જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમણે કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચારે બાજુએથી સામાનની નીચે કાર દબાઈ ગઈ હોવાથી દરવાજા કાપીને અંદર બેઠેલા બે યુવકોને બહાર કઢાયા હતા.

સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ફ્લાયઓવર પર મોટા મોટા ખાડા પડી જવાને લીધે ટ્રક એક તરફ ઝૂકી જવાથી એમાં ભરેલો સામાન નીચે પડતાં આ ગંભીર ઍક્સિડન્ટ થયો હતો. પ્રશાસને જો સમયસર ખાડા પૂરી દીધા હોત તો એક યુવાનનો જીવ બચી જાત.

thane mumbai mumbai news