06 November, 2026 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના ટેક્સટાઇલના એક બિઝનેસમૅન સાથે ૯૫,૨૫,૮૬૩ રૂપિયાની છેતરપિંડી કરનારી કંપનીના ડિરેક્ટર તથા એક બ્રોકર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. ૩૨ વર્ષના થાણેના ભિવંડીના વેપારી સાથે તેનો ભરોસો જીતીને બિઝનેસ-ડીલિંગના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાના મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ એક કંપની દ્વારા ફરિયાદી પાસેથી છેલ્લાં ૪ વર્ષથી કાચો માલ ખરીદવામાં આવતો હતો. જોકે ભરોસાપાત્ર સમજીને કંપનીને કાચો માલ આપનારા ફરિયાદીને જાણ નહોતી કે કંપની તેની સાથે છેતરપિંડી કરી રહી છે. સતત કાચો માલ ખરીદવા છતાં ૪ વર્ષથી પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના કારણે આ મામલે નારપોલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારી સાથે ૯૫,૨૫,૮૬૩ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું નારપોલી પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.