થાણેની નૌપાડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ચોરને પકડ્યો, ૬ ગુનાનો થયો પર્દાફાશ

16 July, 2026 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંધ દુકાનોનાં તાળાં તોડીને ચોરી કરતો આરોપી પકડાયો

આરોપી

થાણેના નૌપાડા વિસ્તારમાં આવેલી નાદ મેન્સવેઅર દુકાનમાંથી ૩૫,૦૦૦ રૂપિયાની માલમતા અને રોકડની ચોરી કરનાર ૩૦ વર્ષના સૂરજ ચૌહાણની નૌપાડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ધરપકડ કરી હતી. આરોપીને પકડવા માટે પોલીસે ૧૫૦થી વધુ 

ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની તપાસ અને ટેક્નિકલ ઍનૅલિસિસના આધારે મોટી સફળતા મેળવી છે. મુંબઈ, નવી મુંબઈ અને થાણે વિસ્તારમાં બંધ દુકાનોનાં તાળાં તોડીને ચોરી કરનારા રીઢા આરોપી સામે ઘરફોડીના ૬ ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઇલ અને ઘરફોડી કરવા માટે વપરાતાં હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નૌપાડા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર મંગેશ ભાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૦ જુલાઈએ મોડી રાત્રે આરોપીએ નૌપાડા વિસ્તારમાં આવેલી નાદ મેન્સવેઅર દુકાનમાંથી ૩૫,૦૦૦ રૂપિયાની માલમતાની ચોરી કરી હતી જેની ફરિયાદ ૧૧ જુલાઈએ દુકાનમાલિક વિક્રમ રાઠોડે અમારી પાસે નોંધાવી હતી. આ મામલે અમે તપાસ શરૂ કરીને દુકાનની આસપાસના વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યાં હતાં. એમાં જાણવા મળ્યું કે આરોપી પોલીસને થાપ આપવા માટે વારંવાર લોકલ ટ્રેનો બદલતો હતો. જોકે થાણેથી ટિટવાલા રૂટ પરના ૧૫૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યા બાદ અમને બાતમી મળી હતી કે આરોપી ખડવલી ગામની એક ચાલમાં ભાડેથી રહે છે. ત્યાં છાપો મારતાં આરોપી ભાગવા લાગ્યો હતો, પરંતુ અમે આશરે દોઢ કિલોમીટર સુધી તેની પાછળ દોડીને તેને ઝડપી લીધો હતો.’

mumbai news mumbai thane mumbai police Crime News mumbai crime news