થાણેના રક્ષક દેવ ગણાય છે કૌપીનેશ્વર મહાદેવ

31 May, 2025 05:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે સ્ટેશનથી નજીક જાંબલી નાકામાં આવેલું મહાદેવનું પ્રાચીન મંદિર કૌપીનેશ્વર મહાદેવના નામે પ્રખ્યાત છે. લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતા આ મંદિરમાં સ્થાપિત થયેલું શિવલિંગ મહારાષ્ટ્રનાં સૌથી મોટાં અને પહોળાં શિવલિંગમાંનું એક છે એવું કહેવાય છે.

કૌપીનેશ્વર મહાદેવનું શિવલિંગ, મહાશિવરા​ત્રિ વખતે અસંખ્ય ભક્તોનો માનવમહેરામણ ઊમટે છે

થાણે સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે આવેલા કૌપીનેશ્વર શિવધામ પ્રત્યે ભક્તોમાં અનોખી આસ્થા અને શ્રદ્ધા છે. અનેક શતાબ્દીઓથી આ મંદિર માત્ર ભક્તિનું જ નહીં, ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રતીક પણ બન્યું છે. આ મંદિરની વિશેષતા અહીંનું શિવલિંગ છે. કાળા કલરના પથ્થરનું બનેલું આ લિંગ આખા મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી મોટું છે. ભગવાન શિવના તપસ્વી સ્વરૂપને સમર્પિત આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ માનવામાં આવે છે. થાણેના સંરક્ષણદેવ ગણાતા કૌપીનેશ્વર મહાદેવ સાથે સંકળાયેલી કથા-વાર્તા ઉપરાંત મંદિરના આર્કિટેક્ચર વિશે જાણીએ.

કૌપીનેશ્વર નામ કઈ રીતે પડ્યું?
સ્થાનિક લોકકથા મુજબ ભગવાન શિવ સ્વયં અહીં કોપીન ધારણ કરીને ઘોર તપસ્યા માટે સાધુના રૂપમાં સ્થાયી થયા હતા. કોપીન એટલે શરીરના નીચલા ભાગને ઢાંકવા માટે પહેરાતું વસ્ત્ર. કોપીન સંન્યાસીઓ અથવા સાધુઓ ધારણ કરે છે. ભગવાન શિવે પણ અહીં કોપીન પહેરીને તપ કર્યું હતું અને લિંગના રૂપમાં અહીં જ વસી ગયા હતા. તેથી તેઓ કૌપીનેશ્વર મહાદેવના નામે પુજાય છે. આ મહાદેવ તેમના ભક્તોને મુશ્કેલીઓમાંથી ઉગારીને પરચા પણ આપતા હોવાથી ઘણા લોકો તેમને જાગૃત મહાદેવ પણ કહે છે. આ કથાના આધારે કેટલાક શ્રદ્ધાળુઓનું એવું પણ માનવું છે કે કૌપીનેશ્વર સ્વયંભૂ મહાદેવ છે. જોકે કેટલાક લોકો કહે છે કે કોઈ શિવભક્તે પહેલેથી જ શિવલિંગ સ્થાપિત કર્યું હતું, પણ એ અપ્રસિદ્ધ છે એટલે કે કોઈને એના વિશે ખબર નહોતી. પછી સમય જતાં મરાઠા શાસન દરમિયાન જાણ થતાં મંદિર બંધાયું. જોકે ઇતિહાસમાં આ વાતનો ઉલ્લેખ મળતો નથી.

મંદિરમાં પ્રવેશતાંની સાથે સૌથી પહેલાં નંદીનાં દર્શન થાય છે.

મહારાષ્ટ્રનું સૌથી મોટું શિવલિંગ
એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી મોટું અને પહોળું શિવલિંગ અહીંના કૌપીનેશ્વર મહાદેવનું છે. આ શિવલિંગ વિશે જણાવતાં કૌપીનેશ્વર મંદિર ટ્રસ્ટના સેક્રેટરી રવીન્દ્ર ઉતેકર જણાવે છે કે શિવલિંગની હાઇટ ચાર ફુટ ત્રણ ઇંચ છે અને ગોળાકાર ઘેર બાર ફુટ સુધીનો છે. કૌપીનેશ્વર મહાદેવને ‘જ્વેલ ઑફ થાણે’ પણ કહેવાય છે. આ મહાદેવ થાણેનું સંરક્ષણ કરે છે એવી પણ લોકમાન્યતા હોવાથી તેમને થાણેના કુળદેવતા અથવા પાલકદેવ પણ કહેવાય છે. આ શિવલિંગ જ્યારે મળી આવ્યું ત્યારે એની ઊંચાઈ ઓછી હતી અને એ હવે ધીરે-ધીરે વધી રહી છે. એની સાથે સંકળાયેલી એવી માન્યતા છે કે શિવલિંગ દર વર્ષે ઘઉં કે ચોખાના દાણા જેટલું વધે છે અને જે દિવસે એ છત સુધી પહોંચશે એ દિવસે પ્રલય અને વિનાશ સર્જાશે. શિવલિંગની હાઇટ વધવાની સાથે મંદિરના પ્રવેશદ્વાર નજીક સ્થિત પાંચ ફુટના નંદી પણ ઘઉંના દાણા જેટલા શિવલિંગની નજીક આવે છે. એ જે દિવસે નજીક આવશે એ દિવસે કળિયુગનો અંત થશે. જોકે આ માન્યતાઓમાં કેટલી સચ્ચાઈ છે એ કહેવું મુશ્કેલ છે.

ઇતિહાસ અને મહત્ત્વ
થાણે શહેરના ઇતિહાસની વાત થાય ત્યારે કૌપીનેશ્વર મહાદેવ મંદિરનું નામ તો આવે જ. થાણે સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે જાંબલી નાકા અને તલાવ પાલીની લગોલગ આવેલા પ્રાચીન કૌપીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ શિલાહાર વંશના શાસકોએ કર્યું હોવાનું કહેવાય છે. આ વંશના શાસકોએ ઈ. સ. ૮૧૦થી ૧૨૪૦ સુધી થાણેમાં શાસન કર્યું હતું. તેઓ શિવભક્ત હતા અને આ વિસ્તારમાં કોઈ મંદિર ન હોવાથી તેમણે મહાદેવનું લિંગ સ્થાપિત કરીને પૂજા-અર્ચના કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ૧૭૬૦માં જ્યારે થાણે પર મરાઠાઓનો કબજો હતો ત્યારે સરસૂબેદાર રામજી મહાદેવ બિવલકરે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો એવું પણ કહેવાય છે. શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કોઈ રાજા કે પુરોહિત દ્વારા કરવામાં આવી હોવાનું ઐતિહાસિક દસ્તાવેજોમાં ઉપલબ્ધ નથી, પણ માહિતી એવી પણ છે કે મસુંદા તળાવ જે આજે તલાવ પાલીના નામે ઓળખાય છે એની લગોલગ આ શિવલિંગ સરસૂબેદાર રામજી મહાદેવ બિવલકરને મળી આવ્યું હોવાથી તેમણે આ મંદિર બાંધ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ પણ અહીં દર્શન કરવા આવ્યા હોવાનો ઉલ્લેખ પણ મંદિરના ઇતિહાસમાં થાય છે. ત્યાર બાદ ૧૮૭૯ અને ૧૯૯૬માં પણ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. મંદિરના આર્કિટેક્ચરની વાત કરીએ તો એ હેમાડપંથ શૈલીમાં બનેલું છે, જે કાળી પથ્થરની રચના અને જટિલ કોતરણી માટે જાણીતી છે. આ મંદિરનાં બે મુખ્ય પ્રવેશદ્વાર છે. એક પ્રવેશદ્વાર તલાવ પાલી સાઇડ છે અને બીજું જાંબલી નાકામાં આવેલું છે.

રવીન્દ્ર ઉતેકર, કૌપીનેશ્વર મંદિર ટ્રસ્ટના સેક્રેટરી

મહાશિવરાત્રિનું વિશેષ મહત્ત્વ
કૌપીનેશ્વર મહાદેવના મંદિરમાં સવારથી સાંજ ભક્તોની અવરજવર અવિરત ચાલુ જ રહે છે. સવારે ચાર વાગ્યે પંચામૃત પૂજા બાદ સવારે સાડાછ અને સાંજે સાડાસાત વાગ્યે સનઈ ચૌઘડા એટલે કે પ્રવેશદ્વાર પર પારંપારિક વાજિંત્રની જોડી વગાડવામાં આવે છે. શિવલિંગને દરરોજ શિવલિંગ ઢંકાઈ જાય એ રીતે વસ્ત્ર પહેરાવી અને ઉપરના ભાગ પર અંગવસ્ત્ર રાખીને મહાદેવનો શણગાર થાય છે અને પૂજા થયા બાદ ભક્તોને દૂધ અને પાણી ચડાવવા દેવાની અનુમતિ અપાય છે. ભાવિકો માટે મંદિરનાં પ્રવેશદ્વાર સવારે સાડાઆઠ વાગ્યાથી બપોરે સાડાબાર વાગ્યા સુધી અને પછી બપોરે સાડાત્રણ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લાં હોય છે. ખાસ કરીને મહાશિવરાત્રિ અને શ્રાવણ માસના પર્વ પર આ મંદિરનું મહત્ત્વ વધી જાય છે. અહીં કૌપીનેશ્વર મહાદેવને વિશેષ શણગાર અને પૂજારીઓ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે અને પછી અમાસના દિવસે શિવની મૂર્તિને નગરભ્રમણ માટે તૈયાર કરીને યાત્રા કરાવાય છે. કહેવાય છે કે પહેલાં મહાશિવરાત્રિના દિવસે મસુંદા તળાવ અટલે કે તલાવ પાલીમાં પવિત્ર સ્નાન કર્યા બાદ ભક્તો કૌપીનેશ્વરની પૂજા કરતા હતા.

અન્ય દેવતાઓનાં પણ દેવસ્થાન
પહેલાં તો આ મંદિરમાં ફક્ત શિવલિંગની જ પૂજા થતી હતી, પણ મંદિરનો પરિસર મોટો હોવાથી અહીં અન્ય દેવી-દેવતાઓનાં નાનાં મંદિરો પણ બનાવવામાં આવ્યાં છે. એમાં વિઠોબા રખુમાઈ, શીતળાદેવી, ઉત્તરેશ્વર અને પંચમુખી મહાદેવ, શ્રી રામ મંદિર, કાળિકામાતા, કાળભૈરવ, દત્ત મંદિર, ગણપતિ મારુતિ અને દાસ મારુતિ મંદિર, વશિષ્ઠ કામધેનુ અને ગરુડ મંદિર પણ આવેલાં છે અને દરેક મંદિર માટે સ્વતંત્ર પૂજારી છે જે સવાર-સાંજ એ મંદિરમાં પૂજા-અર્ચના કરે છે. કૌપીનેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવેલાં નાનાં મંદિરો ઉપરાંત હજી એક મંદિરનું સંચાલન આ ટ્રસ્ટ દ્વારા થાય છે. કૌપીનેશ્વર મહાદેવ મંદિરથી થોડે દૂર આવેલી સેન્ટ્રલ જેલની લગોલગ કિલ્લા મારુતિ મંદિર છે. આ મંદિર પાછળની કથા એવી છે કે જ્યારે થાણેમાં સેન્ટ્રલ જેલ બની હતી ત્યારે હનુમાનદાદા અને શનિ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જોકે બ્રિટિશકાળમાં જેલને ફોર્ટમાં કન્વર્ટ કરીને ભગવાનને જેલની બહાર સ્થાપિત કર્યા અને આ નાના મંદિરને કિલ્લા મારુતિ તરીકે ઓળખવામાં આવે છે.

ડિઝાઇનર કપડાંથી શિવલિંગનો શણગાર કરવામાં આવે છે

જાગૃત મહાદેવના પરચા
કૌપીનેશ્વર મહાદેવને જાગૃત મહાદેવ પણ કહેવાય છે. શ્રદ્ધાળુઓનાં દુઃખ દૂર કરીને તેમને મહાદેવ આશીર્વાદ આપે છે એવી માન્યતાઓ છે. આ મંદિરના સેક્રેટરી રવીન્દ્ર ઉતેકરની કૌપીનેશ્વર મહાદેવ પર શ્રદ્ધા છે. તેમને મળેલા પરચાઓ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારું આખું જીવન થાણેમાં જ વીત્યું છે. ૧૯૭૮થી હું કૌપીનેશ્વર મંદિરમાં મહાદેવને નમવા આવું છું. મને મહાદેવ પ્રત્યે લગાવ વધતો ગયો એમ વધુ સમય હું આ મંદિરમાં વિતાવતો હતો અને પછી હું સેવાકાર્યોમાં પણ પોતાનું યોગદાન આપતો. ૨૦૧૫માં મારી આ મંદિરના ટ્રસ્ટમાં સેક્રેટરી પદે વરણી થઈ. અહીં બિરાજમાન ભોલેબાબાને જાગૃત મહાદેવ એટલા માટે કહે છે કારણ કે તેઓ ભક્તો માટે હાજરાહજૂર રહે છે. જ્યારે કોઈ ભક્ત તેની પીડા કે દુ:ખ લઈને આવે છે ત્યારે એ દૂર કરવા માટે મહાદેવ તેની વહારે અચૂક આવે છે. મારી સાથે પણ એવા અનેક નાના-મોટા અનુભવો થયા છે. સાત-આઠ વર્ષ પહેલાં હું લઘુરુદ્ર હવનમાં બેઠો હતો ત્યારે અચાનક મારી તબિયત લથડી ગઈ હતી. હવનમાં બેઠો ત્યારે જ જાણે મહાદેવ મને સિગ્નલ આપતા હોય કે હવે તારે હૉસ્પિટલ જવું પડશે એવું ફીલ થતાં હવન પૂરો કરીને દવાખાનાને બદલે સીધો હૉસ્પિટલમાં જ ભાગ્યો. ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે મારા પગમાં પસ ભરાય છે અને તાત્કાલિક ઑપરેશનની જરૂર છે, નહીં તો ઝેર આખા શરીરમાં ફેલાશે. અડધા કલાકમાં ડૉક્ટરે ઑપરેશન કરી લીધું. આટલું જલદી તો કોઈ હૉસ્પિટલમાં ઑપરેશન ન થાય, પણ એ સમયે મને સ્પિરિચ્યુઅલ એનર્જી ફીલ થઈ.’

thane shiva temple shiva culture news hinduism religious places mumbai news mumbai