થાણેના રિંગ મેટ્રો પ્રોજેક્ટનું કામ પ્રગતિ પર, આઠ સ્ટેશનો માટે ટેન્ડર મગાવવામાં આવ્યાં

15 February, 2026 07:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૯ કિલોમીટર લાંબા આ રૂટનો પ્રોજેક્ટખર્ચ હવે ૧૦,૮૯૩ કરોડ રૂપિયાથી વધીને ૧૨,૨૦૦ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર મેટ્રો રેલ કૉર્પોરેશન (મહામેટ્રો)એ થાણે રિંગ મેટ્રો પ્રોજેક્ટ માટે ૮ સ્ટેશનોના કન્સ્ટ્રક્શન માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. ૨૯ કિલોમીટર લાંબા આ રૂટનો પ્રોજેક્ટખર્ચ હવે ૧૦,૮૯૩ કરોડ રૂપિયાથી વધીને ૧૨,૨૦૦ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

માનપાડા, ડોંગરીપાડા, વિજયનગરી, વાઘબીલ, વૉટરફ્રન્ટ, પાટલીપાડા, થાણે જંક્શન અને ન્યુ થાણે સ્ટેશનો માટે બીડ મગાવવામાં આવી છે. એમાંથી થાણે જંક્શન અને ન્યુ થાણે અન્ડરગ્રાઉન્ડ બનશે અને બાકીનાં છ એલિવેટેડ કરવામાં આવશે.

અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનો માટે કન્સ્ટ્રક્શન-ખર્ચ ૨૨૩.૭૦ કરોડ રૂપિયા થશે, જ્યારે એલિવેટેડ સ્ટેશનોનો ખર્ચ ૨૨૮.૪૪ કરોડ રૂપિયા હશે. બીડ માટે મુકાયેલાં ૮ સ્ટેશનોનો કુલ અંદાજિત ખર્ચ ૪૫૨.૧૪ કરોડ રૂપિયા થાય છે. 

અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનો પાંચ વર્ષ અને એલિવેટેડ સ્ટેશનો અઢી વર્ષમાં બનીને તૈયાર થવાની ગણતરી છે. પ્રોજેક્ટ માટે ગ્રાઉન્ડવર્ક ચોમાસા પછી શરૂ થવાની સંભાવના છે. આ મેટ્રો નેટવર્ક ઇન્ટ્રા-સિટી મેટ્રો નેટવર્ક તરીકે કામ કરશે. મુંબઈ મેટ્રો 4 અને 4A માટે એક મહત્ત્વપૂર્ણ ફીડર કૉરિડોર તરીકે પણ કામ કરશે, જે ગાયમુખથી વડાલાને જોડશે તેમ જ ભિવંડી સુધી જતી મેટ્રો 5 માટે પણ મહત્ત્વપૂર્ણ ફીડર કૉરિડોર તરીકે કામ કરશે. ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) મુજબ ૨૦૨૯માં થાણે રિંગ મેટ્રો કૉરિડોરમાં મુસાફરોની સંખ્યા ૬.૪૭ લાખ રૂપિયા હોવાનો અંદાજ છે, જે ૨૦૩૫ સુધીમાં વધીને ૭.૬૧ લાખ રૂપિયા અને ૨૦૪૫ સુધીમાં ૮.૭૨ લાખ રૂપિયા થવાની ધારણા છે.

mumbai news mumbai mumbai metro thane