થાણેમાં તળાવના બ્યુટિફિકેશન સામે જનતાનો વિરોધ

06 June, 2025 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે હીરાનંદાની એસ્ટેટના રહેવાસીઓ કાળાં કપડાં પહેરીને આવ્યા

હીરાનંદાનીમાં સ્થાનિક લોકોએ TMCના તળાવના સૌંદર્યકરણનો વિરોધ કર્યો હતો.

થાણેના ઘોડબંદર રોડ પરના હીરાનંદાની એસ્ટેટમાં આવેલા કાવેસર તળાવના બ્યુટિફિકેશન વિશેના થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના નિર્ણય સામે સ્થાનિક રહેવાસીઓ સહિત થાણેના પર્યાવરણપ્રેમીઓએ ગઈ કાલે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. TMCએ કાવેસર તળાવને બ્યુટિફિકેશન યોજના હેઠળ સુંદર બનાવવાનો નિર્ણય લીધો છે, પણ સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે કાવેસર તળાવની આસપાસ કુદરતી સંપત્તિ છે અને આ સૌંદર્યકરણથી આ કુદરતી સંપત્તિનો નાશ થશે. કાવેસર તળાવ પાસે ભેગા થયેલા લોકોએ ચેતવણી આપી હતી કે જો TMC આ નિર્ણય પાછો નહીં ખેંચે આવે તો અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું.

હીરાનંદાની એસ્ટેટમાં રહેતા ધ્રુવ રસ્તોગીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાવેસર તળાવ લગભગ ૧૫૦ વર્ષ જૂનું છે. આ તળાવની આસપાસ જૈવ વિવિધતા છે. એ ઉપરાંત આ તળાવમાં દુર્લભ સફેદ કમળ પણ જોવા મળે છે એથી પર્યાવરણવાદીઓ તેમ જ હીરાનંદાની વિસ્તારના લોકો હંમેશાં આ સ્થળે ફરવાનું પસંદ કરે છે. થાણેમાં અનેક બગીચા છે, પરંતુ આ કુદરતી તળાવ અહીંના રહેવાસીઓ ઉપરાંત થાણેના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. TMC દ્વારા હાથ ધરવામાં આવનારા બ્યુટિફિકેશન પાછળ સાડાચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી કાવેસર તળાવની બાજુમાં કૉન્ક્રીટિંગ કરવામાં આવશે જેને કારણે આશરે ૧૦૦ કરતાં વધુ ઝાડ કાપવામાં આવશે અને એનાથી અહીંની જૈવ વિવિધતા પર અસર પડશે એ જોતાં અમારા વિસ્તારના ૪૦૦ જેટલો લોકો ઉપરાંત પર્યાવરણપ્રેમીઓએ ‘કાવેસર તળાવ બચાવો’, ‘પ્રકૃતિનો આદર કરો’, ‘કૉન્ક્રીટિંગ બંધ કરો’ જેવાં પ્લૅકાર્ડ દર્શાવીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સ્થાનિક પોલીસ હાજર હતી.’

mumbai thane thane municipal corporation world environment day environment news mumbai news