15 October, 2025 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણ સેપરેટ ટીમો તૈયાર કરીને આવા દરેક વૃદ્ધના ઘરે પોલીસની ટીમને મોકલવામાં આવી હતી
થાણેના કોપરી વિસ્તારમાં રહેતા ૨૧ વૃદ્ધોના ઘરે કોપરી પોલીસ-સ્ટેશનના અધિકારીઓ દિવાળી નિમિત્તે મીઠાઈનું બૉક્સ લઈને પહોંચતાં તેઓ ભાવુક થઈ ગયા હતા. પોલીસ દ્વારા જે વૃદ્ધોનાં સંતાનો આઉટ ઑફ ઇન્ડિયા રહે છે કે જેમને સંતાન નથી એવા એકલા રહેતા વૃદ્ધોની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્રણ સેપરેટ ટીમો તૈયાર કરીને આવા દરેક વૃદ્ધના ઘરે પોલીસની ટીમને મોકલવામાં આવી હતી. તેમણે વૃદ્ધો સાથે કલાકો સુધી હળવાશથી વાતો કરી હતી એટલું જ નહીં, તેઓ એકલા રહેતા હોવાથી કઈ રીતે તેમની સેફ્ટી રાખવી એનું માર્ગદર્શન પણ આપ્યું હતું. આ ઉપરાંત દિવાળીનો સમય હોવાથી વૃદ્ધોને એકલતાની અનુભૂતિ ન થાય એ માટેના પ્રયાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.
કોપરી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નિશિકાંત વિશ્વકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળી એવો ઉત્સવ છે જેનો બધા સાથે હોય તો જ આંનદ આવે. અમારા પોલીસ-સ્ટેશનની હદમાં આવતા હોય એવા ૨૧ વૃદ્ધ છે જેમનાં બાળકો તેમની સાથે નથી રહેતાં. ૨૧માંથી પણ ૧૭ એવા છે જેઓ સાવ જ એકલા રહે છે. આવા વૃદ્ધો માટે કંઈક કરવું જોઈએ એવા વિચાર સાથે અમે તેમના માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ તૈયાર કરી હતી. એની સાથે ઓછી શુગરવાળી મીઠાઈનું બૉક્સ પણ તૈયાર કરાવ્યું હતું. ત્યાર બાદ મહિલા અને પુરુષ એમ બન્ને અધિકારીઓએ અલગ-અલગ વૃદ્ધોના ઘરે જઈને તેમને દિવાળીની શુભેચ્છા આપી હતી અને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. આ ઉપરાંત શક્ય હોય ત્યાં વૃદ્ધો સાથે અમારા અધિકારીઓએ ભોજન પણ માણ્યું હતું. અમે તેમના પરિવારના સભ્યો છીએ એવો અહેસાસ કરાવવાનો પ્રયાસ અમે કર્યો હતો. દિવાળી નજીક આવતાં અમે તેમના ઘરે પાછા એક વાર જઈને તેમની જરૂરિયાત પૂરી કરવાની કોશિશ કરીશું.’