13 May, 2025 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે પોલીસની ઍન્ટિ નાર્કોટિક્સ સેલના ઑફિસરોએ પાકી માહિતીના આધારે થાણા રેલવે સ્ટેશન પાસે આવેલી એક હોટેલમાં રેઇડ પાડીને ૪૮ વર્ષના મેડિકલ રીપ્રેઝન્ટેટિવ સુરેશ પરમારને ઝડપી લીધો હતો. તેની પાસેથી એક કિલો કોડીન પાઉડર મળી આવ્યો હતો. આ એક પ્રકારની ઘેન માટેની દવા છે, જેનો ઉપયોગ નશો કરવા માટે થાય છે. સુરેશ પરમાર મૂળ રાજસ્થાનનો છે અને તેની પાસેથી મળી આવેલું કોડીન તેને જોધપુરથી કુરિયર દ્વારા મોકલવામાં આવ્યું હતું. તેની પાસેથી જે ડ્રગ પકડાયું છે એની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત બે કરોડ રૂપિયા થાય છે.
ઍન્ટિ નાર્કોટિક્સ સેલના ઑફિસરોએ સુરેશ પરમાર સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે. એ કોડીન ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને કોને સપ્લાય કરવાનું હતું એની શોધ ચાલુ છે.