થાણેના મંદિરમાંથી સાત દાનપેટી ચોરનારની ધરપકડ : આરોપી પર ડઝનથી વધારે ગુના

12 February, 2025 01:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રાથમિક માહિતીના આધારે પોલીસે મંદિર નજીકના ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જોયાં ત્યારે સિદ્ધાર્થ મંદિરમાં પ્રવેશતો દેખાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

થાણે-વેસ્ટના કિસનનગરના પંચ પરમેશ્વર મંદિરમાંથી રવિવારે વહેલી સવારે ૧૦,૦૦૦ જેટલા રૂપિયા ભરેલી ૭ દાનપેટી ચોરાઈ હતી. એ દાનપેટી ચોરવાના આરોપસર શ્રીનગર પોલીસે ૨૮ વર્ષના સિદ્ધાર્થ સાળવીની ગઈ કાલે ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે મંદિર નજીકના ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જોયાં ત્યારે સિદ્ધાર્થ મંદિરમાં પ્રવેશતો દેખાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી મંદિરની ચોરાયેલી તમામ દાનપેટી જપ્ત કરવામાં આવી છે. એ ઉપરાંત તેની સામે થાણે સહિત વિવિધ વિસ્તારોમાં એક ડઝનથી વધારે ચોરીના ગુના નોંધાયા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.

આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે થાણે ઉપરાંત મુંબઈનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં ચોરીના ગુના નોંધાયા છે એમ જણાવતાં શ્રીનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગુલઝારીલાલ ફડતરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે વહેલી સવારે પંચ પરમેશ્વર મંદિરના મહારાજ અરવિંદ જોગી પૂજા કરવા આવ્યા ત્યારે મંદિરની તમામ દાનપેટી ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ મંદિરના વ્યવસ્થાપક દ્વારા વધુ તપાસ કરતાં મંદિરમાં રાખેલી કુલ સાત દાનપેટી ચોરાઈ હોવાનું જણાતાં અમારી પાસે ફરિયાદ નોંધાઈ હતી. એ પછી અમે ઝીણવટભરી તપાસ કરવા માટે મંદિર નજીક બેસાડાયેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં ત્યારે સિદ્ધાર્થ સાળવી મંદિરમાં પ્રવેશતો દેખાયો હતો. એના આધારે સોમવારે અમે તેની ધરપકડ કરી હતી. તેની પાસેથી મંદિરમાંથી ચોરાયેલો તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.’

thane religious places hinduism crime news mumbai crime news mumbai police news mumbai mumbai news