Thane: એક જ દિવસમાં 103 મીમીથી વધારે વરસાદથી જિલ્લો થયો જળબંબાકાર, જાણો વિગત

16 September, 2022 07:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનેક મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલતો હતો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ અને આસપાસના શહેરોમાં ભારે વરસાદ ચાલુ છે. મુંબઈ, થાણે, ડોમ્બિવલી, વસઈ અને નવી મુંબઈમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદે શુક્રવારે થાણે શહેરને નબળું પાડી દીધું હતું.

થાણે (Thane Rains)માં સવારે 7.30થી સાંજે 5.30 વાગ્યા સુધી એટલે કે નવ કલાકમાં 103.11 મીમીનો રેકોર્ડ વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. વંદના, ટેકડી બંગલો, ભાસ્કર કોલોની, ઉથલસર ગવળી વાડા, ચિતલસર પોલીસ સ્ટેશન પરિસર, મુંબ્રા ઠાકુર પાડા અને જૂની આરટીઓ ઑફિસ વિસ્તાર અને શહેરના અન્ય સ્થળોએ ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. સવારથી આ વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહારને પણ અસર થઈ હતી.

અનેક મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલતો હતો. શહેરના અનેક વિસ્તારોમાં માર્ગો પર પથ્થરો પડતાં વાહન વ્યવહાર ખોરવાયો હોવાનું પણ જોવા મળ્યું હતું. સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ તે પછી વરસાદ ઓછો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ વહી ગયા હતા અને વાહનવ્યવહાર આંશિક રીતે પાટા પર હોવાનું જોવા મળ્યું હતું. દરમિયાન ગત વર્ષે આ દિવસ સુધીમાં 3164.27 મીમી વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 2663.75 મીમી વરસાદ નોંધાયો હોવાનું જણાયું હતું.

થાણેમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દિવસ દરમિયાન વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો બન્યા હતા. તેમ જ એક જગ્યાએ વૃક્ષ પડ્યું હતું જ્યારે બે ઘટનામાં બે દુકાનો સાથે ફોર વ્હીલર પર ઝાડની ડાળીઓ પડી હતી.

રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં કોંકણની સાથે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. આ પૃષ્ઠભૂમિમાં, કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્રના જિલ્લાઓ માટે `ઓરેન્જ એલર્ટ` જારી કરવામાં આવ્યું છે. આજે પુણે, સિંધુદુર્ગ, ધુળે અને નાસિક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદનું જોર ઘટતું ન હોવાથી બલિરાજાની ચિંતામાં પણ વધારો થયો છે.

mumbai mumbai news thane mumbai rains