28 December, 2025 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ થયેલા CCTV કૅમેરાનાં ફુટેજમાં દીપડો દેખાયો હતો
થાણેના પોખરણ રોડ-નંબર બે પરના કૉસમૉસ હાઉસિંગ કૉમ્પ્લેક્સના ગેટ પાસે ગુરુવારે સવારે દીપડો જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું ત્યાર બાદ થાણે ફૉરેસ્ટ વિભાગે વિવિધ માધ્યમથી દીપડાની શોધખોળ હાથ ધરી હતી અને એ કાલે સાંજ સુધી ચાલી હતી. જોકે શુક્રવારે રાતે વાગળે એસ્ટેટના વારલીપાડામાં પણ એક દીપડો જોવા મળ્યો હોવાની જાણ થતાં વર્તકનગરના રહેવાસીમાં ભયનો માહોલ છે. ફૉરેસ્ટ વિભાગે વારલીપાડા અને પોખરણ રોડ પર આવેલા એક મોટા બાંધકામ પ્રોજેક્ટમાં દીપડાને પકડવા માટે ટ્રૅપ-કૅમેરા બેસાડ્યા હતા, પણ એમાં દીપડો જોવા ન મળ્યો હોવાનું ફૉરેસ્ટ વિભાગે કહ્યું છે.
થાણેના ફૉરેસ્ટ ઑફિસર નરેન્દ્ર મુઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં થાણેના પોખરણ રોડ પર એક દીપડો જોવા મળ્યો હોવાની ઘટના બની એ પછી અમે લોકોને સતર્ક રહેવાની સલાહ આપીને વિવિધ માધ્યમથી દીપડાની શોધખોળ હાથ ધરી હતી. સતત બે દિવસ ચાલેલી શોધખોળમાં દીપડા વિશે કોઈ જાણકારી અમને મળી નથી. એ ઉપરાંત શુક્રવાર રાતે વાગળે એસ્ટેટમાં પણ દીપડો જોવા મળ્યો હોવાનું સ્થાનિક લોકોએ અમને જણાવ્યું છે. દીપડો આવ્યો હોવાના ચોક્કસ કોઈ પુરાવા અમને મળ્યા નથી છતાં અમે બન્ને વિસ્તારમાં સતત પૅટ્રોલિંગ કરી રહ્યા છીએ અને ટ્રૅપ-કૅમેરા ગોઠવી દીધા છે.’
દહાણુમાં મોડી રાત્રે એક દીપડો ફરતો જોવા મળ્યો હોવાની ચર્ચા છે. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા વધી ગઈ છે. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક કાર્યવાહી કરીને આ વિસ્તારમાં દીપડાની શોધખોળ શરૂ કરી છે. ગામવાસીઓના જણાવવા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી દહાણુના ગામમાં દીપડો ઘૂસી આવ્યો હતો એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ વિડિયો વાઇરલ થયા છે. વાઇરલ થયેલો વિડિયો દહાણુ ગામનો હોવાનું માનવામાં આવે છે જેમાં અમુક કૂતરા દીપડાની પાછળ ભાગતા દેખાય છે. અધિકારીઓએ આ વિડિયોની ખરાઈ કરવાનું કામ શરૂ કર્યું છે તેમ જ સ્થાનિક લોકોને સતર્ક રહેવા સૂચન કર્યું છે.