Thane News: શખ્સે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહેલા ડૉક્ટર પર હુમલો કરી તેમનો આઇફોન ઝૂંટવી લીધો- શોધખોળ શરૂ

29 May, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane News: 30 વર્ષીય ડૉક્ટર દાદર-હુબલી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેઓની ટ્રેન ડતિવલી સ્ટેશન પાસે પહોંચી ત્યારે આ ઘટના બની

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે (Thane News) જિલ્લામાં એક અજાણ્યા શખ્સે લાંબા અંતરણી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક ડૉક્ટર પર કથિત રીતે હુમલો કર્યો હતો. તેટલું જ નહીં, તેણે ડૉક્ટરનો 1.29 લાખ રૂપિયાની કિંમતનો મોંઘો મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. મોબાઈલ ફોન લઈને તે ફરાર થઈ ગયો હતો. 

28 એપ્રિલના રોજ ડતિવલી રેલવે સ્ટેશન પાસે આ ઘટના (Thane News) બની છે. આ ઘટનાની જાણ સોમવારે થાણે સરકારી રેલવે પોલીસ (જીઆરપી)ને કરવામાં આવી હતી. જીઆરપીના અધિકારીના જણાવ્યા અનુસાર 30 વર્ષીય ડૉક્ટર દાદર-હુબલી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેઓની ટ્રેન ડતિવલી સ્ટેશન પાસે પહોંચી ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ કથિત રીતે તેઓની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ડૉક્ટરના હાથ પર પણ ઇજા થઈ હતી. જેને કારણે ડૉક્ટરનો આઇફોન નીચે પડી ગયો હતો. આ જ બાબતનો લાભ લઈને હુમલાખોરે તરત જ આઇફોન ઉપાડી લીધો હતો. અને તે તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

હાલમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 304 (ઝૂંટવી લેવાનો ગુનો) હેઠળ અજાણ્યા શખ્સ સામે એફઆઈઆર નોંધવામાં આવી હોવાની વાત અધિકારીઓ પાસેથી જાણવા મળી રહી છે. જોકે ડૉક્ટર સાથે બનેલી આ ઘટના (Thane News)માં ફરિયાદ અને એફઆઈઆરમાં ઘટનાની જાણ કરવામાં શા માટે આટલો વિલંબ થયો તેનું કારણ હજી સુધી સ્પષ્ટપણે જાણી શકાયું નથી.

એક આવી જ બીજી વિચિત્ર ઘટનાની વાત 

આ સાથે જ એક અન્ય ઘટનામાં મુંબઈ એરપોર્ટ પર બોમ્બની ધમકી આપતો કોઈ અજાણ્યા શખ્સે પોલીસને ફોન કર્યો હતો. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જ પોલીસને આવું કહ્યું હતું. મંગળવારે મુંબઈના આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર બોમ્બની ધમકી અંગે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં અફવા ફેલાવવા બદલ 35 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અંધેરી પૂર્વના સકીનાકાના રહેવાસી આરોપી મંજીત કુમાર ગૌતમે પોલીસને જણાવ્યું હતું કે તેણે તેની પત્ની સાથે ઝગડો થયા બાદ હતાશામાં આવીને આવું કર્યું હતું. આ ઘટના મુદ્દે એક અધિકારીએ કહ્યું હતું કે, `ગૌતમે મંગળવારે સવારે 9 વાગ્યાની આસપાસ મુંબઈ પોલીસના મુખ્ય નિયંત્રણ કક્ષને ફોન કર્યો હતો અને તેણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSIMA) પર બપોરે 2 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થવાનો છે. આ અજાણ્યા શખ્સની વાત સાંભળ્યા બાદ કંટ્રોલ રૂમના કર્મચારીઓએ તરત જ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. એમ તેમણે જણાવ્યું હતું. આ ઘટના મામલે (Thane News) તેઓએ આગળ જણાવ્યું હતું કે, "ત્યારબાદ પોલીસની ટીમોએ કૉલ કરનારને અંધેરી MIDC વિસ્તારમાં શોધી કાઢ્યો હતો, MIDC અને સહારાપોલીસ સ્ટેશનની ટીમોએ ગૌતમની ધરપકડ કરી હતી" વ્યવસાયે દરજીકામ કરતા ગૌતમને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 168 હેઠળ નોટિસ આપવામાં આવી હતી.

mumbai news mumbai mumbai police Crime News mumbai crime news thane crime thane