કોરોનાને રોકવાની સ્ટ્રૅટેજી: ટેસ્ટિંગ અને આઇસોલેશન

02 July, 2020 08:07 AM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોનાને રોકવાની સ્ટ્રૅટેજી: ટેસ્ટિંગ અને આઇસોલેશન

થાણેની શાક માર્કેટમાં ગઈ કાલે થયેલી ગિરદી. (તસવીર : પી.ટી.આઇ.)

કોરોના-સંક્રમણ વધી જવાને કારણે કલ્યાણ-ડોમ્બિવલીમાં અને થાણે શહેરમાં બીજીથી બારમી જુલાઈ તેમ જ મીરા-ભાઈંદરમાં બીજીથી દસમી જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરાઈ છે અને એનું કારણ એ કે આ ત્રણે સૅટેલાઇટ ટાઉનમાં અત્યારે લગભગ વીસ હજાર જેટલા કેસ થઈ ગયા છે. જોકે માત્ર લૉકડાઉન જ આનો જવાબ નથી અને એ વાત આ સૅટેલાઇટ ટાઉનમાં ઉચ્ચ પાલિકા અધિકારીઓ માને છે. હવે થાણે, મીરા-ભાઈંદર તથા કલ્યાણ-ડોમ્બિવલીમાં કોરોનાના પ્રસારને રોકવા માટે ટેસ્ટિંગ અને આઇસોલેશન હશે મેઇન સ્ટ્રૅટેજી. લૉકડાઉન દરમિયાન અને આફ્ટર લૉકડાઉન શું સ્ટ્રૅટેજી છે એ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરે ‘મિડ-ડે’ને શું કહ્યું?

કલ્યાણ-ડોમ્બિવલી

કલ્યાણ-ડોમ્બિવલીમાં કેસ વધી રહ્યા છે, જેના પર લગામ લગાવવા બીજીથી બારમી જુલાઈ સુધી જડબેસલાક લૉકડાઉનની જાહેરાત કરાઈ છે એમ જણાવતાં મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બધી જ દુકાનો બંધ રહેશે. દૂધની દુકાનો સવારે પાંચથી સવારે દસ વાગ્યા સુધી માત્ર ચાલુ રહેશે, જ્યારે કરિયાણાની દુકાનો હોમ ડિલિવરી કરી શકશે. આ સિવાય મેડિકલ સ્ટોર ચાલુ રહેશે જ્યારે દારૂની હોમ ડિલિવરી કરી શકાશે. ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. અમારા દર કલાકનો પ્લાન હોય છે અને મેઇન એ જ છે કે મૅક્સિમમ કોરોના કેસને ટ્રેસ કરવા, મૅક્સિમમ કેસને આઇસોલેટ કરવા. અત્યારે અહીં ડેથ રેટ ૧.૬ છે, જેને મને નીચે લઈ જવો છે. દરેક વૉર્ડમાં આઇસોલેશન ચાલુ કરી રહ્યા છીએ. અમે હૉસ્પિટલની કૅપેસિટી વધારીશું અને પંદર જુલાઈ સુધી ૩૦૦ બેડનું આઇસીયુ રહેશે, બારસો ઑક્સિજન બેડ રેડી છે. ક્વૉરન્ટીન ફૅસિલિટી પણ તૈયાર છે. વૉર્ડમાં કોરોના કમિટી છે જેમાં કૉર્પોરેટર્સ, પૉલિટિકલ પાર્ટીઝ, એનજીઓ, જનરલ પ્રૅક્ટિશનર ડૉક્ટર્સ દરેકને અસાઇન કર્યા છે લોકોને ચેક કરવા, લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગમાં રાખવા વગેરે. લૉકડાઉન દરમિયાન જે કન્ટેનમેન્ટ ઝોન છે એમાં અમે હાઉસ-ટુ-હાઉસ ઇન્ટેન્સિવ સર્વે કરી રહ્યા છીએ. જે કેસ ડાઉટફુલ લાગે એમને અમે તરત જ અમારા ક્વૉરન્ટીનમાં આઇસોલેટ કરી દઈએ છીએ. અમારી બેઝિક સ્ટ્રૅટેજી એ જ છે કે વધુને વધુ ટેસ્ટ કરાવવી, આઇસોલેટ કરાવવા.’

મીરા-ભાઈંદર

લૉકડાઉન દરમિયાન લોકોની અવરજવર ઓછી થઈ જશે એમ જણાવતાં મ્યુનિસિપલ કમિશનર વિજય રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉન દરમિયાન કૉન્ટૅક્ટ-સ્ટ્રેસિંગ કરીશું. સોસાયટીના સસ્પેક્ટેડ લોકોને આઇસોલેટ કરીશું જેથી કોરોના કેસને વધતા રોકી શકાય. દવાની દુકાનો સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, જ્યારે દૂધની ડેરી સવારે પાંચથી સવારે દસ વાગ્યા સુધી ચાલુ રહેશે. દારૂ, શાક તેમ જ કરિયાણાની વસ્તુઓની હોમ ડિલિવરી કરી શકાશે. વધુ ને વધુ લોકોનું ટેસ્ટિંગ કરીને લોકોને આઇસોલેટ કરવું, લોકોમાં વધુને વધુ અવેરનેસ લાવીશું એ જ અમારી બેઝિક સ્ટ્રૅટેજી છે.’

થાણે

કોવિડ-19ના કેસ વધી રહ્યા છે, જેને રોકવા માટે બીજીથી બારમી જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે એમ કહેતાં ડેપ્યુટી કમિશનર સંદીપ માલવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કરિયાણાની ખરીદી ઑનલાઇન કરી શકાશે. મેડિકલ દુકાનો ચાલુ રહેશે. લૉકડાઉન દરમિયાન ટેસ્ટિંગ, સ્ક્રીનિંગમાં વધારો કરીશું. જ્યારે અનલૉક થશે ત્યારે લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું, માસ્ક પહેરવો એ બાબતે વધારે લોકોને જાગૃત કરીશું. અમે ક્વૉરન્ટીન ફૅસિલિટી વધારી છે. હોમ સર્વે કરવા માટેની ટીમ પણ વધારી છે, ટેસ્ટિંગ પણ વધાર્યું છે. લૉકડાઉન પછી જે રીતે પરિસ્થિતિ હશે એ રીતે દુકાનો ચાલુ કે બંધ રાખવાનો નિર્ણય લઈશું.’

thane mumbai kalyan dombivli mira road bhayander coronavirus covid19 lockdown mumbai news