થાણેનો ઘોડબંદર રોડ પહોળો કરવાનો પ્લાન અમલમાં મૂકવામાં થશે વિલંબ

21 February, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે-ઘોડબંદર રોડ પર હંમેશાં ટ્રાફિક જૅમ રહે છે. ભૂતકાળની સરખામણીમાં આ રોડ પર વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે

ફાઇલ તસવીર

થાણે-ઘોડબંદર રોડ પર ટ્રાફિક જૅમ હળવો કરવા માટે એને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જમીનસંપાદન માટે આ રસ્તો મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ને સોંપવામાં આવ્યો હતો. જોકે MBMC રસ્તાનું મેઇન્ટેનન્સ અને રિપેરિંગનો ખર્ચ ઉઠાવી શકતું નથી. વળી જમીનસંપાદન માટે એની પાસે કોઈ ભંડોળ પણ ઉપલબ્ધ નથી એથી બુધવારે MBMCની સામાન્ય સભામાં આ રસ્તો પબ્લિક વર્ક્‍સ ડિપાર્ટમેન્ટ (PWD)ને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એને કારણે રસ્તો પહોળો કરવાના કામમાં વિલંબ થાય એવા સંકેત છે.

થાણે-ઘોડબંદર રોડ પર હંમેશાં ટ્રાફિક જૅમ રહે છે. ભૂતકાળની સરખામણીમાં આ રોડ પર વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એની સરખામણીમાં આ રોડ સાંકડો છે અને એમાં ઘણા વળાંક અને ચડાવ-ઉતાર છે. ભારે વાહનો પણ આ રોડ પર ચાલે છે એને કારણે, ટ્રાફિક જૅમની સમસ્યા ગંભીર બની છે. લોકોએ કલાકો સુધી જૅમમાં ફસાયેલા રહેવું પડે છે. આ સામાન્ય સમસ્યા મીરા-ભાઈંદર, થાણે અને વસઈ-વિરારના લોકોને પરેશાન કરી રહી છે.

રસ્તો પહોળો કરવાનો નિર્ણય

આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારે ફાઉન્ટન હોટેલ અને ગાયમુખ વચ્ચેના ૬ કિલોમીટરના રસ્તાને ૩૦ મીટરથી ૬૦ મીટર પહોળો કરવાનો નિર્ણય લીધો હતો. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રસ્તાનું કામ MMRDA દ્વારા અને જમીનસંપાદન પ્રક્રિયા મીરા-ભાઈંદર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. એ મુજબ જુલાઈમાં PWD દ્વારા આ રસ્તો MBMCને સોંપવામાં આવ્યો હતો.

૭ મહિનામાં ૮ કરોડનો ખર્ચ

થાણે-ઘોડબંદર રસ્તાની જાળવણી અને સમારકામની જવાબદારી ત્યાર બાદ MBMC પર આવી ગઈ હતી. રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે નગરપાલિકાની તિજોરીમાં કોઈ ભંડોળ ન હોવાથી છેલ્લા ૭ મહિનામાં ફક્ત અડધા રસ્તાના સમારકામ માટે ૮ કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા છે. એ ઉપરાંત, જમીનસંપાદન પ્રક્રિયા માટે લગભગ ૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની અપેક્ષા છે.

ઓછું ફન્ડ  

MBMCની તિજોરીમાં હાલ કોઈ ભંડોળ ઉપલબ્ધ નથી. આની સાથે પહોળાઈ માટે વન-વિભાગ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ની પરવાનગી જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વાસ્તવિક કામ શરૂ થવામાં હજી બે-ત્રણ વર્ષ લાગી શકે છે. ત્યાં સુધીમાં મેઇન્ટેનન્સ અને રિપેરિંગ પાછળ લગભગ ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે જે MBMCને પરવડી શકે એમ નથી એટલે MBMCમાં સત્તા પર આવેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ બુધવારે યોજાયેલી સામાન્ય સભામાં આ રસ્તો PWDને સોંપવાનો ઠરાવ પસાર કર્યો છે. વહીવટી તંત્રને ટૂંક સમયમાં રસ્તો સોંપવા માટે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

MMRDAએ જમીનસંપાદન કરવું જોઈએ

અટલ સેતુ અને અન્ય પ્રોજેક્ટ્સ બનાવતી વખતે જમીનસંપાદનની જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રને સોંપવામાં આવી નહોતી, પરંતુ MMRDA દ્વારા એનો અમલ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ વહીવટી તંત્ર હવે એવું વલણ અપનાવી રહ્યું છે કે થાણે-ઘોડબંદર રોડનું કામ પણ એ જ રીતે થવું જોઈએ. એવી માગણી છે કે રાજ્ય સરકારે રસ્તાના કામની સાથે જમીનસંપાદનની જવાબદારી MMRDAને સોંપવી જોઈએ. અન્યથા ભવિષ્યમાં રસ્તો પહોળો કરવાનું કામ અટકી પડશે તો લોકોએ ભારે તકલીફ ભોગવવી પડશે એવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

thane ghodbunder road mira bhayandar municipal corporation mumbai metropolitan region development authority mira road bhayander mumbai traffic mumbai mumbai news