થાણેના નકલી ડૉક્ટરની બેદરકારીથી પિતા-પુત્રી સહિત પાંચ વ્યક્તિનાં મોત

29 January, 2022 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોગસ ડૉક્ટરની ધરપકડ કરીને આઇપીસી તથા મહારાષ્ટ્ર મેડિકલ પ્રૅક્ટિશનર્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

પિતા-પુત્રી સહિત પાંચ વ્યક્તિઓને મોતના મુખમાં ધકેલી દેનારા એક બોગસ ડૉક્ટરની શુક્રવારે થાણે જિલ્લાના મુરબાડમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
પાંડુરંગ ઘોલપ આશરે ૧૧ વર્ષ પહેલાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી નિવૃત્ત થયો હતો. કોઈ મેડિકલ ડિગ્રી વિના તે ધાનસાઇના ગ્રામજનોની તેમના ઘરે જઈને સારવાર કરતો હતો.
તાલુકા મેડિકલ ઑફિસર ડૉક્ટર ભારતી ઘોટેએ જણાવ્યું હતું કે ‘૨૬ જાન્યુઆરીએ એક માણસ પાંડુરંગ પાસે આવ્યો હતો. પાંડુરંગે તેને જે ભાગ પર ઇન્જેક્શન આપ્યું હતું ત્યાં ભારે સોજો આવી ગયો હતો. થોડી વાર પછી તેનું મોત થયું હતું. બીજી એક વ્યક્તિને પણ એવો જ સોજો આવ્યો હતો. ગુરુવાર સુધીમાં આ રીતે બીજા ત્રણ જણનાં મોત છયાં હતાં.’ 
પોલીસ અને આરોગ્યકર્મીની સંયુક્ત ટીમે નકલી ડૉક્ટરના ઘરે દરોડા પાડતાં ખાલી ખોખાં મળી આવ્યાં હતાં, પણ એમાં ઇન્જેક્શન નહોતાં. તેણે કયું ઇન્જેક્શન આપ્યું હતું એ જાણવું બાકી છે. તે લાંબા સમયથી ડિગ્રી વિના તબીબી પ્રૅક્ટિસ કરતો હતો એમ અધિકારીએ જણાવ્યું હતું.
પાંડુરંગની ધરપકડ કરીને આઇપીસી તથા મહારાષ્ટ્ર મેડિકલ પ્રૅક્ટિશનર્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.

mumbai mumbai news Crime News mumbai crime news thane thane crime