થાણેના કચ્છી અચાનક ક્યાં ગાયબ થઈ થયા?

17 March, 2023 11:56 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

૫૬ વર્ષના કરસન બૌવા થોડાં વર્ષથી ડિપ્રેશનમાં છે : ફોન પણ સાથે નથી લઈ ગયા : સવાર-સાંજ રોજ ઘરની નીચે રાઉન્ડ મારવા જતા હતા, પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી ઊતરતા નહોતા

કરસન બૌવા

થાણે-વેસ્ટમાં મહર્ષિ કર્વે રોડ પર બેડેકર હૉસ્પિટલની પાસે રહેતા ૫૬ વર્ષના કરસન હેમરાજ બૌવા મંગળવારે સાંજે પાંચ વાગ્યે કોઈ પણ જાણકારી આપ્યા વગર ઘરેથી અચાનક નીકળ્યા ગયા હતા. ત્યાર બાદ તેઓ લાંબા સમય સુધી પાછા આવ્યા ન હોવાથી તેમની શોધખોળ કરવામાં આવી હતી. તેઓ માનસિક રીતે અસ્થિર હોવાથી પરિવારજનો ચિંતામાં આવી ગયા છે. તેમની દરેક ઠેકાણે તપાસ કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારની જાણકારી મળી ન હોવાથી પરિવારજનોએ નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ વિશે માહિતી આપતાં કરસનભાઈના સાળા શાંતિલાલ ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કરસનભાઈ દરરોજ સવાર-સાંજ ઘરની નીચે રાઉન્ડ મારવા જતા હતા અને મિત્રો સાથે થોડો સમય વિતાવતા હતા. મંગળવારે સાંજે તેમનાં પત્ની ઘરે હતાં અને દીકરો હર્ષ કામ પર ગયો હતો ત્યારે ઘરે કોઈને જણાવ્યા વગર તેઓ નીકળી ગયા હતા. પત્નીનું ધ્યાન જતાં જોયું તો તેઓ બિલ્ડિંગની લૉબીમાંથી પસાર થઈ રહ્યા હોવાથી તેમને એમ કે કંઈ લેવા નીચે ઊતર્યા હશે. લાંબો સમય વીતી જવા બાદ પણ પાછા ન આવતાં તેમની પત્નીએ ફોન કર્યો તો જણાયું કે ફોન તેઓ ઘરે જ મૂકીને ગયા હતા. આમ તો તેઓ ફોન લીધા વગર ક્યાંય જતા નહોતા. છેલ્લા ચાર-પાંચ દિવસથી તો તેઓ નીચે પણ જતા નહોતા અને ઘરે જ રહેતા હતા. તેઓ નિવૃત્ત છે અને થોડાં વર્ષથી ડિપ્રેશનમાં છે જેની દવા ચાલી રહી છે.’  

આ વિશે વધુ માહિતી આપતાં શાંતિલાલ ગાલાએ કહ્યું હતું કે ‘કરસનભાઈ લાંબા સમય સુધી ઘરે ન આવતાં તેમની પત્નીએ અમને બધાને ફોન કરીને જાણ કરી હતી. ત્યાર બાદ અમે આખા પરિસર, સ્ટેશન પરિસર, સગાંસંબંધીઓ, મિત્રો બધાને પૂછ્યું હતું; પરંતુ કોઈ માહિતી મળી નહોતી. પરિસરના અમુક સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં તેઓ ચાલતા જતા દેખાયા હતા, પરંતુ આગળ ક્યાં ગયા એનો કોઈ અંદાજ નથી. પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે પણ શોધખોળ શરૂ કરી છે અને રેલવેમાં પણ તપાસ કરી છે. ઘરેથી જતી વખતે તેમનો ફોન સાથે લઈને ગયા નથી. એથી આ ફોન તપાસતાં જણાયું હતું કે તેમણે રવિવારે બાગેશ્વરધામમાં દસથી વધુ ફોન કર્યા હતા, પરંતુ કોઈએ ઉપાડ્યા નહોતા. એથી પોલીસને એ વિશે જાણ કરતાં પોલીસે બાગેશ્વરધામની જાણકારી લેવા ત્યાંની સ્થાનિક પોલીસને ફોન કરીને માહિતી આપી છે. તેમની પાસે વધુ પૈસા પણ નથી અને માનસિક અસ્થિરતાને કારણે ક્યાં જતા રહ્યા હશે એની અમને બધાને ખૂબ ચિંતા થઈ રહી છે.’

ક્યાં સંપર્ક કરશો?
કરસન બૌવા વિશે કોઈ પણ જાણકારી મળે તો તેમના દીકરા હર્ષ, ભાઈ અથવા સાળાનો 96197 27822, 98217 11616, 70456 52224 નંબર પર સંપર્ક કરવો. 

mumbai mumbai news thane preeti khuman-thakur