04 May, 2026 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના વર્તકનગરમાં રહેતી ૬૭ વર્ષની ગૃહિણીને ગૅસ-કનેક્શન બંધ કરવાની ધમકી આપીને સાઇબર ઠગે માત્ર બાવીસ મિનિટમાં તેમના બૅન્ક-ખાતામાંથી ૩૯,૪૪,૦૬૬ રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે વર્તકનગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મહિલાને અજાણ્યા નંબર પરથી વૉટ્સઍપ પર ગૅસ-કનેક્શન બંધ કરવાનો મેસેજ મળતાં ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ બિલના ૧૨ રૂપિયા ભરવા માટે એક APK ફાઇલ મોકલવામાં આવી હતી. મહિલાએ પોતાના મોબાઇલમાં એ ફાઇલ ખોલતાં સાઇબર ઠગોએ તેમના અને પતિ સાથેના તેમના જૉઇન્ટ અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લીધા હતા. એકસાથે આટલી મોટી રકમ ઊપડી જતાં મહિલા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે અજાણ્યા મેસેજ, APK ફાઇલ અથવા કૉલ્સ પર વિશ્વાસ ન કરવો અને કોઈ પણ વ્યક્તિ સાથે બૅન્કિંગ માહિતી શૅર ન કરવી.
શું હતો ઘટનાક્રમ?
વર્તકનગરમાં પરિવાર સાથે રહેતાં ૬૭ વર્ષનાં ગૃહિણીને શુક્રવારે બપોરે ગૅસ-બિલના ૧૨ રૂપિયા બાકી હોવાથી રાતે ગૅસ-કનેક્શન બંધ કરવામાં આવશે એવો મેસેજ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો.
એ વૉટ્સઍપ-મેસેજમાં શ્રીકાંત મિશ્રા નામની વ્યક્તિનો સંપર્ક-નંબર આપવામાં આવ્યો હતો. એકાએક આવેલા મેસેજથી મહિલાએ ગભરાઈને આપેલા નંબર પર સંપર્ક કરતાં સાઇબર ગઠિયાએ પોતાને બિલ અપડેટ ઑફિસર તરીકે ઓળખાવ્યો હતો.
મહિલાને ૧૨ રૂપિયા બાકી હોવાનું કહીને તાત્કાલિક ચુકવણી કરવા જણાવ્યું હતું અને APK ફાઇલ ડાઉનલોડ કરાવી હતી. ત્યાર બાદ ગઠિયાએ મહિલાને તેમના બૅન્ક-ખાતા સાથે જોડાયેલા ડેબિટ કાર્ડની માહિતી મેળવી લીધી હતી.
દરમ્યાન ગઠિયાએ પિન પૂછ્યો હતો, પરંતુ મહિલાએ એ શૅર નહોતો કર્યો. થોડા સમય પછી મહિલાના મોબાઇલ પર સતત OTP આવવા માંડ્યો અને સાથે-સાથે ખાતામાંથી પૈસા કપાઈ રહ્યા હોવાના મેસેજ પણ આવવા માંડ્યા હતા.
ઘટનાની જાણ થતાં મહિલાએ તરત જ બૅન્ક-મૅનેજરનો સંપર્ક કરીને ડેબિટ કાર્ડ બ્લૉક કરાવ્યું હતું. ત્યાર બાદ મહાનગર ગૅસની ઑફિસમાં પૂછપરછ કરતાં એ મેસેજ ફ્રૉડ હોવાનું જણાયું હતું.
ત્યાર બાદ મહિલાએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે સાઇબર ગઠિયાએ મહિલાના ફોનનો ઍક્સેસ મેળવીને તેમના પતિ સાથેના જૉઇન્ટ અકાઉન્ટમાંથી અને મહિલાના પોતાના ખાતામાંથી માત્ર બાવીસ મિનિટમાં ૩૯,૪૪,૦૬૬ રૂપિયા ઉપાડી લીધા હતા.
વર્તકનગર પોલીસે મહિલાના પૈસા જે ખાતામાં ટ્રાન્સફર થયા છે એની માહિતી ભેગી કરવાની શરૂઆત કરી છે. જોકે સાઇબર ગઠિયાએ બૅન્ક-ખાતામાંથી તમામ રૂપિયા ઉપાડી લીધા હોવાનું જણાયું છે.